Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચૈતન્ય સ્વરૂપમાં જોવા મળતા બધા જ જીવોમાં ઉર્જા જોવા મળે

''જૈન ધર્મમાં વિજ્ઞાન'' વિશે જૈન આચાર્ય યશોવિજયસુરીશ્વરજી મ.સા.નું વ્યાખ્યાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગર પાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ, રાજકોટ દ્વારા પ્રારંભ કરાયેલ ' ધર્મ અને વિજ્ઞાન' વિષયક લોક ભોગ્ય વ્યાખ્યાન શ્રેણીના પાંચમાં મણકા રૂપે જૈન આચાર્યશ્રી યશોવિજયસુરીશ્વરજી મ.સા. નું ''જૈનધર્મમાં વિજ્ઞાન'' વિષયે જાહેર વ્યાખ્યાન  ૪/૧૪ જાગનાથ પ્લોટ,જૈન દેરાશરની બાજુમાં આવેલ આરાધના ભવન, (ત્રિકમરાયજીની હવેલી વાળી શેરી), યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યુ હતું.

 આચાર્યશ્રી યશોવિજયસુરીશ્વરજી મ.સા. દ્વારા બહુ જ રસમય શૈલીમાં જૈન ધર્મમાં વિજ્ઞાન કેટલું સમાયેલું છે. તેમજ જૈનોના દૈનિક જીવનમાં વિજ્ઞાનના સિધ્ધાંતોને કઈ રીતે આવરી લેવાયા છે તે જણાવેલ. દરેક જડ પદાર્થોમાં જે સૂક્ષ્મકણો જે પરમાણું સ્વરૂપે રહેલ છે તેમાં પણ ઉર્જા જોવા મળે છે. એજ રીતે ચૈતન્ય સ્વરૂપમાં જોવા મળતા બધા જ જીવોમાં ઉર્જા જોવા મળે છે.આ ઉર્જા કયાથી ઉદભવે છે તેની સાથે પંચમહાભૂત, આકાશ, જળ, પૃથ્વી, અગ્નિ અને વાયુ આ બધા જ ઉર્જા સ્ત્રોતો છે. આચાર્યશ્રીએ એ પણ જણાવ્યું કે જયારે યુરોપના લોકો વનસ્પતિમાં જીવ છે તે માનવામાં હીચકીચાટ અનુભવતા હતા. ત્યારે સર જગદીશ ચંદ્ર બોઝ જેવા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા પ્રયોગ કરી ને દર્શાવાયું કે વનસ્પતિમાં પણ જીવ છે. તેમણે કેસ્કોગ્રાફ નામનું યંત્ર શોધ્યું એજ રીતે સત્યેન્દ્રનાથ બોઝ અને આઈનસ્ટાઈનના સિધ્ધાંતોની ચર્ચા કરી જેનો જૈન સાહિત્યમાં પણ ઉલ્લેખ છે. આપણા વૈજ્ઞાનિકોને તે સમયમાં ઘણો અન્યાય થયેલ. આ સર્વે નોબલ પારિતોષિક માટે યોગ્ય હતા. આપણા ઋષિ મુનિઓ દરેક વૈજ્ઞાનિક હતા. આહાર અંગે પણ તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. જૈન ધર્મમાં તેમનું બહુજ મહત્વ છે. શા માટે કંદમૂળ ન ખાવા તે અંગેની સમજણ માટે તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દ્યણા બધા પ્રયોગ દર્શાવ્યા તેમજ તે અંગે જૈન ધર્મને પેહલેથી એની સમજ હતી તે દર્શાવ્યું.

 વ્યાખ્યાનમાં લોક વિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટીશ્રી અને જાણીતા ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલસાહેબ ખાસ ઉપસ્થિત રહેલા અને તેઓનું અભિવાદન કરવામાં આવેલ. લોક વિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટીશ્રી હેમાણી સાહેબે વ્યાખ્યાનના અંતે આભાર માન્યો હતો અને ડો. શકુંતલાબેન નેને દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિની માહિતી અપાઈ હતી. કેન્દ્રના નિયામકશ્રી ડો. રમેશભાઈ ભાયાણી દ્વારા જૈન શ્રેષ્ઠીનું સ્વાગત કરવામાં આવેલ.

(3:39 pm IST)