Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નરસિંહનગરમાં પટોળાના વેપારી ભાવિકભાઇ વોરાના બંધ મકાનમાં ૭૧ હજારની ચોરી

ભાવિકભાઇ પરિવાર સાથે મુજીદળ ગામે કાકાના ઘરે નરસંગના પાઠના કાર્યક્રમમાં ગયાને પાછળથી ચોર ત્રાટકયા

રાજકોટ તા.૯: શહેરના માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ ઓફીસ પાછળ આવેલી નરસિંહનગર સોસાયટીમાં પટોળા વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ.૭૧૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ ઓફીસની પાછળ નરસિંહનગર શેરી નં.૩માં રહેતા ભાવિકભાઇ લક્ષ્મણભાઇ વોરા (ઉ.વ.૩૦)એ બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે પટોળાબનાવી વેપાર કરે છે. ગત તા.૭ના રોજ બપોરે પોતે તથા પિતા લક્ષ્મણભાઇ વોરા, માતા સવિતાબેન અને પુત્ર નૈતિક સાથે ઘરને તાળુ મારીને લીંબડી પાસે મુજીદળ ગામમાં રહેતા કાકા પ્રવિણભાઇ મોહનભાઇ વોરાના ઘરે નરસંગના પાઠના પ્રસંગમાં ગયા હતા. ગઇકાલે કાકાના ઘરે પાઠમાં હતા. ત્યારે પાડોશી સામતભાઇ પરમારનો ફોન આવેલ અને વાત કરેલ કે, 'તમારા મકાનના તાળા તુટેલ છે' તેમ કહેતા પોતે પરિવાર સાથે રાજકોટ આવ્યા ત્યારે ઘરની ડેલીમાં મારેલા તાળાનો નકુચો તુટેલો હતો. તથા લોખંડની ગ્રીલમાં મારેલા તાળાનો નકુચો અને મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો. બાદ પોતે ઘરમાં પ્રવેશતા સામાન વેરવીખેર અને દીવાલમાં ફીટ કરેલા કબાટનું લોક તુટેલુ અને સામાન વેરવીખોર હતો. કબાટમાં તપાસ કરતા સોનાનો ચેઇન, બે સોનાની કડી, ચાર નાકનાદાણા, ચાર ચાંદીના સાંકળા, ચાર ચાંદીના રાણી છાપના સિક્કા તથા રૂ.૬૦ હજારની રોકડ મળી રૂ.૭૧૦૦૦ની મતા ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ જાણ કરતા બીડીવીઝન પોલીસ મથકના એએસઆઇ આર.બી.રાજપૂતે સ્થળ પર પહોંચી ભાવિકભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)