Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચેક પાછો ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૯: ચેક પરત ફરવાના ગુન્હામાં આરોપીને ૧ વર્ષની કેદ અને રૂ. ૬,૮૮,૪૯ર/- વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોવામાં આવે તો હરેશભાઇ ચંદુભાઇ વિરડીયા (પટેલ) સૌરભ મેડીસીન, રાજકોટવાળા હાલ રહે. જેતપુરએ રાજકોટ ખાતે રહેતા ફરિયાદી પ્રણવભાઇ અતુલભાઇ ખાલપડા, કુબેર મોબાઇલ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, બીગ બઝાર પાસે, રાજકોટવાળા પાસેથી પોતાના ગ્રાહકો-ડોકટર્સ વિગેરેને મોબાઇલ ફોન ભેટ સ્વરૂપે આપવા શરૂઆતમાં થોડો સમય રોકડેથી ખરીદ કર્યા બાદ ફરિયાદીને વિશ્વાસમાં લઇ મોબાઇલ ફોનની ઉધાર ખરીદી શરૂ કરેલ જેની કિંમત કુલ મળી રૂ. ૬,૮૮,૭૬પ/- થતા કુબેર મોબાઇલવાળા પ્રણવભાઇએ આરોપી પાસેથી સદર રકમની માંગણી કરતાં હરેશભાઇ ચંદુભાઇ વિરડીયા (પટેલ) એ ગલ્લા-તલ્લા કરવાના શરૂ કરી દીધેલ હતા.

આ સમય દરમ્યાન ગત ફેબ્રુઆરી-ર૦૧૭માં આરોપીએ ફરીયાદીના સદર નાણા પરત ચુકવી આપવા પોતાના રાજકોટના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને યસ બેંક ખાતાના અલગ અલગ ૩ ચેકો મળી કુલ રકમ રૂ. ૬,૮૮,૪૯ર/- ના ચેકો આપેલ હતા અને ફરીયાદીને જો સદર રકમ વસુલાત ન મળે તો તેઓ સામે ધારા-ધોરણસરની કાર્યવાહી કરવા જણાવી, ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના એકમાત્ર ઇરાદા સાથે ચેકો આપેલ હતા. આરોપીના વચનો પર વિશ્વાસ રાખી ફરિયાદીએ સદરહું ત્રણેય ચેકો સ્વીકારેલ હતા અને નિયત સમય મર્યાદામાં પોતાના બેંક ખાતામાં જમા કરાવતા વિના સ્વીકાર્યો પરત ફરેલ હતા.

સદરહું ચેક પરત ફરતા કુબેર મોબાઇલવાળા પ્રણવ અતુલભાઇ ખાલપડાએ તેમના વકીલશ્રી મારફત આરોપીને લીગલ ડિમાન્ડ નોટીસ પાઠવેલ હતી, તેમ છતાં આરોપીએ ફરિયાદીને પૈસા ચૂકવેલ ન હોવાથી ફરિયાદીએ તેઓના વકીલશ્રી રાજન આર. કોટેચા મારફત રાજકોટની કોર્ટમાં ત્રણેય ચેકો પરત ફર્યાની ફરિયાદ કરેલ હતી. આમ, સદરહું કેસ ચાલી જતા રાજકોટના સિવિલ જજ અને અધિક ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી આર. બી. ગઢવી સાહેબે ફરિયાદ પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરી, ફરીયાદીની જુબાની ઉપરાંત ફરિયાદીના વકીલશ્રી રાજન આર. કોટેચાની દલીલો અને તેમના દ્વારા રજુ થયેલ વિવિધ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને લક્ષમાં લેતા આરોપી-હરેશભાઇ ચંદુભાઇ વિરડીયા (પટેલ) ને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદ ઉપરાંત ફરિયાદીને રૂ. ૩,૮૮,૪૯ર/- વળતર પેટે ૩ મહિનામાં ચૂકવવા હુકમ ફરમાવેલ છે અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી કુબેર મોબાઇલના પ્રોપરાઇટર પ્રણવભાઇ અતુલભાઇ ખાલપડા તરફે એડવોકેટ રાજન આર. કોટેચા, કૃણાલ આર. કોટેચા, સંદીપ એમ. વેકરીયા, અંકુર એસ. લીંબાસીયા અને નયન વી. દોમડીયા રોકાયેલ હતા.

(3:34 pm IST)