Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકોટ રહી કોલેજમાં ભણતી બાટવા પંથકની યુવતિએ પોસ્ટ ઓફિસ પાસે ઝેર પી લીધું: પરિચિતે દૂષ્કર્મ આચર્યાનો આક્ષેપ

ગાંધીગ્રામ વિસ્તારમાં ભરત નામના યુવાનના ફલેટમાં રહે છેઃ રાતે તેની સાથે ઝઘડો થતાં તેણે રૂમમાંથી હાંકી કાઢતા હરિહર ચોક નજીક આવી પગલું ભર્યુઃ  એ-ડિવીઝન પોલીસે યુવતિનું નિવેદન નોંધી ડીડી લેવડાવ્યું: યુનિવર્સિટી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૯: બાટવા પંથકની વતની અને રાજકોટ રહી કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ રાત્રીના હરિહર ચોકથી આગળ પોસ્ટ ઓફિસ પાસે ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એ-ડિવીઝન પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીએ પોતે પરિચીત યુવાનના ફલેટમાં રહેતી હોઇ ગત રાતે આ યુવાન સાથે ઝઘડો થતાં પોતાને બહાર કાઢી મુકાતાં પોતે પોસ્ટ ઓફિસ પાસે આવી ગઇ હતી અને આ પગલુ ભર્યાનું કહ્યું હતું. આ ઉપરાંત તેણીએ પોતાના પર દૂષ્કર્મ આચરાયાનો પણ આક્ષેપ કર્યો હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ યુનિવર્સિટી પોલીસની હદમાં બન્યો હોઇ નિવેદન હવે ત્યાં મોકલવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાટવા પંથકની એક યુવતિ રાજકોટમાં રહી કોલેજમાં અભ્યાસ કરે છે. આ યુવતિએ રાત્રીના સાડા બારેક વાગ્યે હેડ પોસ્ટ ઓફિસ પાસે ઝેરી દવા પી લેતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ એ-ડિવીઝન પોલીસમાં એન્ટ્રી નોંધાવતાં હેડકોન્સ. રવિભાઇ વાઘેલા અને મોૈલિકભાઇએ હોસ્પિટલે પહોંચી તેણીનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

 યુવતિએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે તેના પિતા ખેતી કરે છે.પોતે અહિ દોઢ-બે મહિનાથી રાજકોટ રહી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલમાં તે ગાંધીગ્રામ વિસ્તારમાં ભરત નામના યુવાને આપેલા ફલેટમાં એકલી રહે છે. રાતે પોતાને અને ભરતને  ઝઘડો થતાં તેણીને રૂમમાંથી કાઢી મુકાતાં પોતે પોસ્ટ ઓફિસ પાસે આવી ગઇ હતી અને ઝેર પી ગઇ હતી. પોતાને સાથે  બે વખત દૂષ્કર્મ આચર્યાનો આક્ષેપ પણ તેણીએ કર્યો હોઇ પોલીસે ડીડી લેવડાવવાની કાર્યવાહી પણ કરી હતી.

નિવેદન રાતે જ યુનિવર્સિટી પોલીસને મોકલવામાં આવ્યું હોઇ હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દૂષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે ત્યાં વધુ એક કિસ્સામાં આવો આક્ષેપ થતાં ચર્ચા જાગી છે.

(1:17 pm IST)