Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

સિવિલ હોસ્પિટલને પણ હવે ટ્રાફિક સમસ્યા નડીઃ વાહનોના પ્રવેશ માટે બન્યા નિયમો

એસબીઆઇ સામેનો રસ્તો એકતરફી જાહેર કરાયોઃ જામનગર રોડ પરથી આવતાં ચારચક્રી વાહનો, રિક્ષાઓમાં દર્દી હશે તો જ ઇમર્જન્સી સુધી જવા દેવામાં આવશેઃ હોસ્પિટલ ચોકીના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો સિવિલના રસ્તાનો ઉપયોગ કરે છે

રાજકોટ તા. ૮: પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ પીએમએસએસવાય અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ બિલ્ડીંગ બની ગયું હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતાં દર્દીઓની સંખ્યામાં અને વાહનોના ટ્રાફિકમાં વધારો થયો છે. હોસ્પિટલ ચોકમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી ચોૈધરી હાઇસ્કૂલ તરફથી આવતાં ખાનગી વાહનો, રિક્ષાઓ જામનગર રોડ તરફ જવા માટે હોસ્પિટલના એસબીઆઇ સામેના મેઇન ગેઇટમાંથી પાસર થાય છે. એ જ રીતે જામનગર રોડ તરફથી ચોૈધરી હાઇસ્કૂલ તરફ જવા માટે પણ ખાનગી વાહનચાલકો હોસ્પિટલના રેલ્વે હોસ્પિટલ સામેના ગેઇટમાંથી પ્રવેશી જાય છે. આ કારણે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેમજ સવારે ૯ થી બપોરના ૧ સુધી ઓપીડીના સમયે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. આવુ ન થાય એ માટે ખાનગી વાહનોના પ્રવેશ સામે તબિબી અધિક્ષકે નવા નિયમો અમલમાં મુકયા છે.

ડો. મનિષ મહેતાએ યાદીમાં જણાવ્યું છે કે એસબીઆઇ સામેનો મુખ્ય રસ્તો એમ્બ્યુલન્સ સિવાયના વાહનો માટે એક તરફી કરાયો છે. ચારચક્રી વાહનો તથા રિક્ષાને આ ગેસટમાંથી પ્રવેશ અપાશે પણ આ વાહનો આ જ ગેઇટમાંથી બહાર નીકળી શકશે નહિ. બહાર જવા માટે જામનગર રોડ તરફના ગેઇટનો ઉપયોગ કરવાનો રહેશે. જામનગર રોડ પરથી આવતાં ચાર ચક્રી વાહનો અને રિક્ષાઓમાં જો દર્દી હશે તો જ ઇમર્જન્સી સુધી જવા દેવામાં આવશે.

(4:16 pm IST)