Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ-૬૮માં ફરી કમળ ખીલશેઃ અરવિંદ રૈયાણી

સવારથી મતદારોમાં જબરો ઉત્સાહ, બપોર સુધીમાં ૪૫ ટકા જેટલુ મતદાન ભાજપ તરફી હોવાનો દાવો કરતા ભાજપના ઉમેદવાર

રાજકોટ, તા. ૯ :. આજે યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન દરમિયાન રાજકોટ વિધાનસભા-૬૮ બેઠક ઉપર ફરી કમળ ખીલશે તેવો દાવો આ બેઠક પર લડતા ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ કર્યો હતો.

અકિલા સાથેની વાતચીત દરમિયાન અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ-૬૮ બેઠકમાં આજે સવારથી મતદારોનો પ્રવાહ અવિરતપણે મતદાન મથકો પર ચાલુ રહ્યો હતો અને બપોર સુધીમાં ૪૫ ટકા જેટલુ ધીંગુ મતદાન નોંધાયુ હતું.

શ્રી રૈયાણીએ ઉમેર્યુ હતુ કે, આ બેઠકમાં આવતા ભગવતીપરા, રણછોડનગર, સંત કબીર રોડ, પેડક રોડ સહિતના ભાજપના ગઢ સમાન વિસ્તારોમાં મતદારો ભારે માત્રામાં ઉમટી પડયા હતા. આથી ભાજપ તરફી ભારે મતદાન થયાનો આશાવાદ છે.

નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ ભાજપ ઉમેદવાર કશ્યપભાઈ શુકલને પાતળી સરસાઈથી હરાવ્યા હતા અને આ બેઠક પાસેથી છીનવાઈ ગયેલ. ત્યારે હવે આ બેઠક ઉપર ફરી કમળ ખીલશે તેવો દાવો અરવિંદભાઈ રૈયાણી કર્યો હતો.(૨-૨૭)

 

(4:09 pm IST)