Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટના સંવેદનશીલ વિસ્તારમાં 'લાઇવ' નેટવર્ક ખોરવાતા કલેકટર - પોલીસ તંત્રને દોડધામઃ વોડાફોન સાધનો હતા

આખો મામલો પોલીસમાં: અમદાવાદની 'વી મૂકિત' કંપનીને કોન્ટ્રાકટ અપાયો હતોઃ વાઇફાઇ - કાર્ડ ચાલતા નથી

રાજકોટ તા. ૯ : આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ત્રણ કલાક દરમિયાન રાજકોટના સંવેદનશીલ વિસ્તારોમાં 'લાઇવ' (ઓનલાઇન) નેટવર્ક ખોરવાઇ જતાં કલેકટર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ ચુંટણી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સહિતની બાબતોએ નજર રાખવા 'વી મુકિત' કંપનીને લાઇવ નેટવર્કનો કોન્ટ્રાકટ અપાયેલ પરંતુ દશેરા એ જ ઘોડુ ન દોડે તે કહેવત મુજબ આજે સવારે મતદાન શરૂ થયા બાદ જ રાજકોટના સંવેદનશીલ ગણાતા વિસ્તારોનું લાઇવ નેટવર્ક ઠપ્પ થઇ જતાં કલેકટર અને પોલીસ તંત્રમાં જબરી દોડધામ મચી ગઇ હતી.

ગંભીર કહી શકાય તેવી આ ક્ષતિ અંગે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને અમદાવાદની 'વી-મુકિત' કંપનીના પ્રતિનિધિઓને તાબડતોબ બોલાવી 'લાઇવ' નેટવર્ક શરૂ કરાવવા તજવીજ હાથ ધરી હતી.

આ ક્ષતિને કારણે તંત્રના વાઇ-ફાઇ કનેકટીવીટી કીટ વગેરે મહત્વનાં ઉપકરણો બંધ થઇ જતાં જબરી દોડધામ મચી હતી.

નોંધનિય છે કે, જ્યાં લાઇવ નેટવર્ક ઠપ્પ થઇ ગયું હતું તે સંવેદનશીલ વિસ્તારો મોટાભાગે રાજકોટ-૬૯ બેઠકનાં એટલે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં જ હતા. જાણવા મળ્યા મુજબ 'લાઇવ' નેટવર્કનાં સાધનો વોડાફોન કંપનીના હતા.

(12:49 pm IST)