Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રૈયા રોડ શિવપરામાં એક મહિલા મત ખરીદવા નીકળ્યાની ફરિયાદઃ બોગસ મતદાન-સો મીટરની અંદર ઝંડીઓ-દૂકાનો ખુલ્લી છે... સહિતની ફરિયાદોનો મારો

રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં મતદાનને લગતી સાચી-ખોટી ૩૦ જેટલી સાચી ખોટી ફરિયાદોઃ નીલ દા ધાબા સામે ૫૦નું ટોળુ અંધાધૂંધી ફેલાવવા ભેગુ થયાનો કોલ આવ્યો...તપાસ થતાં જમણવાર માટે કાર્યકરો ભેગા થયાનું ખુલ્યું: પોલીસે પક્ષનું બેનર ઉતરાવ્યું

રાજકોટ તા. ૯: વિધાનસભાની ચૂંટણીનું મતદાન હોય કે પછી મહાનગરપાલિકાની ચૂંટણી હોય પોલીસ કન્ટ્રોલ રૂમમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તેમજ અન્ય આગેવાનો કાર્યકરો દ્વારા સાચી-ખોટી ફરિયાદોનો સતત મારો થતો રહે છે. આજે સવારે મતદાન શરૂ થયુ ત્યારથી જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જુદા-જુદા પક્ષના કાર્યકરો, આગેવાનો દ્વારા ફરિયાદોનો મારો શરૂ થઇ ગયો હતો. જેમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ શિવપરા વિસ્તારમાં એક મહિલા પૈસા આપીને મત ખરીદવા નીકળ્યાનો કોલ આવતાં કન્ટ્રોલ રૂમમાંથી તપાસ માટે મોબાઇલ મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત ઘાંચીવાડમાં મતદાન મથકના ૧૦૦ મીટરના એરિયા અંદર આવેલી દૂકાન ચાલુ છે તેવી ફરિયાદ આવી હતી.  તો મુંજકા તથા મહિકામાં ઇવીએમ બંધ છે તેવા ફોન પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યા હતાં. જો કેબાદમાં આ ઇવીએમ ચાલુ થઇ ગયાની નોંધ થઇ હતી.

મહિલા કોલેજ ખાતેના મતદાન મથકે રિક્ષામાં મતદારોની હેરાફેરી થતી હોવાની ફરિયાદ આવી હતી. જો કે તપાસ થતાં એક ઇજાગ્રસ્ત મહિલા હોઇ તે ચાલી ન શકતાં હોઇ તેના માટે રિક્ષા આવ્યાનું જણાયું હતું. આણંદપર-૨૪૬માં ઇવીએમ બંધ હોવાનો ફોન પણ પોલીસને મળ્યો હતો.

હનુમાન મઢી રંગઉપવનની બાજુમાં જીલાની ચોકમાં ભુરાના ઘર પાસે રૂ. ૫૦૦-૫૦૦ની નોટોનું મતદારોને રીઝવવા  વિતરણ થાય છે તેવી ફરિયાદ આવતાં પોલીસ મોકલવામાં આવી હતી.

રણછોડનગર શાળા નં. ૧૫માં દિલીપ લુણાગરીયા વોટીંગ મશીન સાથે છેડછાડ કરે છે તેવો કોલ આવતાં પોલીસે તપાસ કરાવતાં ઝોનલ અધિકારી મશીન સરખુ ગોઠવતાં હોવાનું જણાયું હતું.

ગજેન્દ્રસિંહ ઝાલાએ ફોન કર્યો હતો કે મિલપરા મેઇન રોડ પર આદર્શ મંડપ સર્વિસ પાસે ૧૦૦ મીટરના એરિયામાં ભાજપની ઝંડીઓ છે. આ ફરિયાદ સંદર્ભે ઝોનલ અધિકારીએ તપાસ કરાવી ઝંડી ઉતારી હતી.

કોંગ્રેસ લિગલ સેલે ફરિયાદ કરી હતી કે લક્ષ્મીવાડી-૧૪માં સો મીટરના એરિયામાં ભાજપની ઝંડી છે. આ ઝંડીઓ ઉતરાવી લેવાઇ હતી.

વીભાભાઇ ડાંગરે ફરિયાદ કરી હતી કે શાળા નં. ૭૨માં બાબુભાઇ નામના વ્યકિત બોગસ મતદાન કરે છે. જો કે તપાસ થતાં આ ફરિયાદ ખોટી નીકળી હતી.

નિવૃત ડીવાયએસપી સી. પી. દલાલે ફોન કરી પંચાયતનગર ચોક સિંહાર સ્કૂલમાં વોટીંગ મશીન બંધ છે તેમ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જણાવ્યું હતું. જો કે થોડીવારમાં જ આ મશીન ચાલુ થઇ ગયું હતું.

સંત કબીર રોડ પંચશીલ વિદ્યાલયમાં પ્રભાત કુગશીયા બોગસ વોટીંગ કરાવે છે તેવી ફરિયાદ આવી હતી. તપાસમાં કંઇ નીકળ્યું નહોતું.

રણછોડનગરમાં ૧૫ નંબરની સ્કૂલમાં દિલીપ લુણાગરીયા ભાજપનો પ્રયાર કરે છે તેવો કોલ આવ્યો હતો. તપાસમાં આ વાત ખોટી નીકળી હતી.

ગજેન્દ્રસિંહે ફરીથી ફોન કર્યો હતો કે કોઠારીયા કોલોની મજૂર કલ્યાણ કેન્દ્ર પાસે સો મીટરની અંદર ભાજપની ઝંડી છે. ત્યાં તપાસમાં આવુ કંઇ જણાયું નહોતું.

નિર્મલા રોડ ફાયર સ્ટેશન બુથની નજીક જ ભાજપના ટેબલો છે...આવી ફરિયાદ તપાસમાં ખોટી નીકળી હતી.

અભય ભારદ્વાજે ફોન કરી જણાવ્યું હતું કે રૈયાધારના વિદ્યાલયમાં મતદારોની રિક્ષામાં હેરાફેરી થાય છે. તપાસ થતાં ફરિયાદમાં કંઇ જોવા મળ્યું નથી. દિલીપ પટેલે પણ આવી જ ફરિયાદ કરી હતી.

કોંગ્રેસ લિગલ સેલે ફરિયાદ કરી હતી કે વિધાનસભા-૬૯માં કાલાવડ રોડ નીલ દા ધાબાની સામે વંડામાં ૫૦ લોકોનું ટોળુ એકઠુ કરી ચૂંટણીમાં મતદાન દરમિયાન અંધાધુંધી ફેલાવવા માટે પ્રવૃતિ થઇ રહી છે...જો કે પોલીસ તપાસ કરવા પહોંચી તો પક્ષના લોકો જમવા માટે ભેગા થયાનું જાણવા મળ્યું હતું. જ્યાં એક બેનર હોઇ તે ઉતારાવી લેવાયું હતું.

ગજેન્દ્રસિંહે ફરિયાદ કરી હતી કે લક્ષ્મીવાડી મેઇન રોડ પર રાકેશ એપાર્ટમેન્ટ સામે મતદાન મથક નજીક જ નરેન્દ્રભાઇ મોદી અને ગોવિંદભાઇ પટેલના કમળના પ્રતિક સાથેનું બેનર લગાવાયેલુ છે. પોલીસે તપાસ કરી બેનર ઉતરાવી લીધુ હતું.

બપોરે એક સુધીમાં આવી સાચી-ખોટી ૨૭ ફરિયાદો આવી ગઇ હતી. જો કે મોટા ભાગની ફરિયાદમાં તથ્ય જણાયું નહોતું. 

 

 

(4:22 pm IST)