Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કનુ ભગદેવના પુત્ર જયંત ભગદેવનું દુઃખદ અવસાનઃ સોમવારે ઉઠમણું

ક્રાઇમબેઝ રહસ્યમયી કથાઓના જાણીતા લેખકઃ શુક્રવારે રાત્રે નીકળેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાઃ 'અકિલા' પરિવારે શ્રધ્ધાંજલિ અર્પી

રાજકોટ તા. ૯: અપરાધ, ભય અને રહસ્યમય કહાનીઓ-નવલીકાઓના ખુબ જ જાણીતા લેખક સ્વ. કનુ ભગદેવના મોટા પુત્ર જયંતભાઇ કનુભાઇ ભગદેવ (ઉ.૫૭)નું શુક્રવારે ૮/૧૨ના સાંજે દુઃખદ અવસાન થયું છે. રૈયા રોડ પર હનુમાન મઢી પાસે અલ્કાપુરી-૧માં અલ્કેશ્વર મહાદેવ મંદિર પાસે 'ઓમ' ખાતે રહેતાં જયંતભાઇ ભગદેવને બ્લડપ્રેશરની બિમારી હતી જેથી સારવાર ચાલુ હતી. ગઇકાલે સાંજે સવા ચારેક વાગ્યે અચાનક તેમને ગભરામણ થવા માંડતાં પુત્રો મિતેષ ભગદેવ (૮૩૦૬૪ ૫૦૭૫૦) અને ચિંતન ભગદેવ (૯૮૨૪૪ ૨૧૨૬૯)એ તાકીદે તેમને હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

રાત્રીના અલ્કાપુરી ખાતેના તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સગા, સંબંધીઓ, મિત્રો જોડાયા હતાં.

જયંતભાઇ ભગદેવ ખુબ જ જાણીતા લેખક સ્વ. કનુ ભગદેવના સોૈથી મોટા પુત્ર હતાં. તેઓ જયશ્રીબેનના પતિ, દિનેશભાઇ, સ્વ. પ્રકાશભાઇ તથા રીટાબેન દિલીપકુમાર સોઢા અને અંજુબેન પરેશકુમાર કોટકના મોટા ભાઇ તેમજ થાનગઢવાળા લાભુભાઇ તુલસીદાસ રાજવીરના જમાઇ થતાં હતાં.

અસંખ્ય રહસ્યમયી કથાઓના લેખક કનુ ભગદેવને 'અકિલા' પરિવાર સાથે ખુબ જુનો નાતો હતો. તેમના અવસાન પછી પુત્ર જયંતભાઇએ આ નાતો જાળવી રાખ્યો હતો. જયંતભાઇ જુની ફિલ્મો અને જુની ફિલ્મોના ગીતોના જબરા ચાહક હતાં. તેમની પાસે આવા ગીતો-ફિલ્મોનું અઢળક કલેકશન હતું.

સ્વજનના અચાનક અવસાનથી ભગદેવ પરિવારના સભ્યો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં. અકિલા પરિવારના મોભી  કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા તથા સ્ટાફના હરેશભાઇ ગોંડલીયા, ઉદય વેગડા, ભાવેશ કુકડીયા, રણજીતસિંહ ચોૈહાણ, તુષાર ભટ્ટ, સુનિલ મકવાણા, અમિત જોષી, ધવલ કારીયા, મોહસીન ચૌહાણ સહિતનાએ સદ્દગતના પાર્થિવ દેહને ફુલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી. સ્વ. જયંતભાઇ કનુભાઇ ભગદેવનું ઉઠમણું સોમવારે તા. ૧૧ના સાંજે ૫:૦૦ કલાકે અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી-૧, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

 

(11:50 am IST)