Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

'આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે કયાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો' - ફાધર વાલેસ

ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ પણ મહત્ત્।મ અમદાવાદમાં ગાળ્યાં હતાં: ગુજરાત એમના માટે પોતાનું ઘર હતું : તેમણે અંગ્રેજી ભાષામાં ૭૦થી વધુ પુસ્તકો લખ્યા છે જયારે ૨૫થી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખ્યા છેઃ એમણે ગુજરાતીના ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકેની ખ્યાતિ અને રણજીતરામ સુવર્ણ ચન્દ્રક જેવા પ્રતીસ્તિષ્ઠ એવોર્ડ પણ મેળવ્યા હતા

 રાજકોટ, તા.૯: ''સવાયા ગુજરાતીથી વિશ્વનાગરિક'' સુધીના બિરૂદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીનું સન્માન પામી ચૂકેલા કાર્લોસ વાલેસ (ફાધર વાલેસ)નું આજે ૯૫ વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેમનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ તેઓને ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો. ૧૯૪૫માં઼ સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૦થી ૧૯૮૨ દરમ્યાન અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા. ફાધર વાલેસ જયારે ૧૦ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેશીન આંતરવિગ્રહના કારણે ઘર છૂટી ગયું હતું. અને તેઓ ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા હતા. ૧૫ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અને ૧૯૪૯માં તેઓ ભારત આવ્યા. ત્યારબાદ તેમણે ૧૯૭૩માં તેમણે અમદાવાદની પોળોમાં વિહારયાત્રાની શરૂઆત કરી અને પરિવારો સાથે રહીને 'રખડતા મહેમાન' તરીકે રહ્યા. તેમણે અંગ્રેજી ભાષામાં ૭૦થી વધુ પુસ્તકો લખ્યા છે જયારે ૨૫થી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખ્યા છે.

 ફાધર વાલેસ ફકત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જયાં જયાં ગુજરાતી સાહિત્ય વંચાતું હશે એ દરેક જગ્યાએ એક સન્માનીય અને પ્રિય લેખક તરીકે અનોખું વ્યકિતત્વ ધરાવતા હતા.એમનું જીવન પણ એમના સાહિત્ય જેટલું જ પ્રેરણાદાયી રહ્યું. ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ પણ મહત્ત્।મ અમદાવાદમાં ગાળ્યાં હતાં. ફાધર વાલેસ ૧૯૪૯માં એક કેથલિક મિશનરી તરીકે ભારતમાં આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ૪૦ વર્ષ સુધી ગણિતના વિષયના વિદ્યાર્થીઓમાં ખુબ જ પ્રિય પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૯માં શિક્ષણ કાર્યમાંથી નિવૃત્ત્િ। લઈને કાયમ માટે પોતાના મૂળ વતન માડ્રીડ-સ્પેન પાછા ગયા ત્યાં સુધીના પુરા ૫૦ વર્ષ પુરેપુરી રીતે પ્રવૃતિમય જીવન ગાળીને ગુજરાતીઓ સાથે સમરસ થઇ સવાઈ ગુજરાતી થઇ બધે સવાઈ ગયા હતા. દસ વર્ષ સુધી અમદાવાદની પોળોમાં વિહારયાત્રા કરી, 'રખડતા મહેમાન' તરીકે રહ્યા અને બધા સાથે ભળી ગયા. એ રીતે એમના વિદ્યાર્થીઓ અને પરિવારો સાથે કેળવેલ આત્મીયતાને લોકો હજુ પણ યાદ કરે છે.

 એમની કર્મભુમી અમદાવાદમાં સમાજની વધુ નજીક આવવા માટે ખુબ જ ખંત અને મહેનતથી ગુજરાતી ભાષા શીખી લીધી એટલું જ નહીં પણ ગુજરાતીઓને પણ શરમાવે એવી એમની આગવી સરળ,પ્રવાહી અને શુદ્ઘ ગુજરાતી ભાષામાં ૨૫ થી એ વધુ પુસ્તકો અને ૭૦ થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં લખીને કાકા સાહેબ કાલેલકરની જેમ 'સવાઈ ગુજરાતી' બનીને એક સિદ્ઘ હસ્ત લેખક તરીકે પંકાઈ ગયા હતા. વિદ્યાર્થી જગત, યુવાનોની સમસ્યાઓ, કુટુંબજીવન, વ્યકિત, સમાજ અને ધર્મ એમ વિવિધ વિષયોને આવરી લેતાં એમનાં અંતરમાં અજવાળું કરે એવાં પ્રેરણાદાયી પુસ્તકો ઘણાં લોકપ્રિય રહ્યા છે. એમણે ગુજરાતીના ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકેની ખ્યાતિ અને રણજીતરામ સુવર્ણ ચન્દ્રક જેવા પ્રતીસ્તિષ્ઠ એવોર્ડ પણ મેળવ્યા હતા.  ગુજરાતની વિદાય લીધા પછી તેઓ સપ્ટેમબર, ૨૦૦૯ મા એમણે લખેલ બિન નિવાસી ભારતીયોની પોતાની ખરી ઓળખ શું છે એ અંગેના એમના વિચારોનું દોહન કરતા અંગ્રેજી પુસ્તક ' ટુ કન્ટ્રીઝ , વન લાઈફ : એન્કાઉન્ટર ઓફ કલ્ચર્સ' ના લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ફરી ૧૮મી નવેમ્બર ૨૦૧૧ના રોજ એમના બીજા અંગ્રેજી પુસ્તક 'નાઈન નાઈટ્સ ઇન ઈન્ડિયા' ના ગુજરાતી સાહિત્ય પરીષદમાં કરવામાં આવેલ લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. આ પ્રસંગે એમણે કહેલું, 'લોકોનો ઉમંગ જોઈને એવું લાગે છે કે હું સ્પેન ગયો જ નહોતો, અહીં જ હતો.'

 ફાધર નવી પેઢીને શિખામણો ન આપતા પણ એમની સાથે પોતાના સંવેદનો / સ્પંદનોનું 'શેરિંગ'કરતા. ગુજરાતની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ બતાવતાં. ગુજરાત એમના માટે પોતાનું ઘર હતું. કવિ ઉમાશંકરને એમણે સ્પેન જતી વખતે 'એબ્રોડ' જાઉં છું કહ્યું ત્યારે કવિએ ધ્યાન દોર્યું કે તમે તમારા પોતાના સ્વદેશને પરદેશ કહી રહ્યા છો!  એમનાં લખાણોમાં સરલ ગઘની કેટલીક નોખી અભિવ્યકિતઓ એમના હાથે સહજ બની રહી. જીવન ઘડતર ના ધ્યેયથી સદાચાર (૧૯૬૦), તરુણાશ્રમ (૧૯૬૫), ગાંધીજી અને નવી પેઢી (૧૯૭૧), ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં હતા. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક (૧૯૮૭) પણ આપ્યો હતો. તેઓ સ્પેનિશ, ગુજરાતી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા.

 આજીવન પ્રાધ્યાપક, લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્ત્િ। લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો. તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું હતું કે, 'મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો. મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો. પરતું મારાં માતા જયારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું. મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો. જયારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે? એનો કાયમ જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.'

 ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા ગણનાર એમના ૫૦ વર્ષના વસવાટ દરમ્યાન સવાઈ ગુજરાતી બનીને ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો અને લેખો દ્વારા આ ભાષા પ્રેમી ફાધર વાલેસે ગુજરાતી સાહિત્યને સમૃદ્ઘ કર્યું છે. તેઓએ ગુજરાતી ભાષા વિશે ખુબ સુંદર કહેલું કે, 'આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે કયાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો.' આવા શ્રેષ્ઠ સાહિત્યકારને હ્રદયાંજલિ.

ફાધર વોલસની જીવન ઝરમર

જન્મઃ ૪/૧૧/૧૯૨૫

જન્મસથળઃ સ્પેન ના(લોગ્રોનો)માં

પિતાઃ જોસેફ

માતાઃ મારીયા

૨૪ વર્ષઃ જન્મસ્થળ સ્પેનમાં ગાળ્યાં

૧૯૪૯માં ભારતમાં આવ્યા(કેથેલિક મિશનરી)તરીકે

''રખડતા મહેમાન'' ૧૦ વર્ષ અમદાવાદની પોળોમાં ફરતાં-ફરતાં વિરાટ યાત્રા કરી.

અભ્યાસઃ એસ.એસ.સી(૧૯૪૧)માં બી.એઃ ગ્રીક વિષયસાથે(સલમાન્કા યુનિવસિર્ટી) (૧૯૪૫)માં તત્વજ્ઞાન વિષય સાથે(ગ્રેગોરિયન યુનિવસિર્ટી) (૧૯૪૦માં એમ.એ ગણિત વિષય સાથે (મદ્રાસ યુનિવસિર્ટી) (૧૯૫૩)માં ગુજરાતી ભાષા(વિદ્યાનગર)

વ્યવસાયઃ પ્રાધ્યાપઃ સેંટ ઝેવિયર્સ કોલેજ,અમદાવાદ(૧૯૬૦ થી ૧૯૮૨) સુધી

સન્માનઃ કુમારચંદ્રક(૧૯૬૬)માં

રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૭૮)માં

ગુજરાતી સાહિત્યને ખોળેઃ

નિબંધઃ સદાચાર(૧૯૬૦)/તરુણાશ્રમ(૧૯૬૫)/જીવનજીવતાં/સાધકની આંતરકથા/ લગ્નસાગર/પરદેશ/મૃગચર્ચાના લાભ/સમાજ ઘડતર/ફાધરવાલેસ લેખ સંચય-ભાગ ૧ અને ૨ /રોમ રોમ/ આત્મીય ક્ષણો/જીવનનું વળતર /ઘરના પ્રશ્નો/ગાંધીજી અને નવી પેઢી(૧૯૭૧) આત્મકથાના ટૂકડા(૧૯૫૯) ચિંતનગ્રંથઃશબ્દલોક(૧૯૮૭)

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:46 pm IST)