Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પીકનીક પોઇન્ટ ઇશ્વરીયા પાર્ક દિવાળી તહેવારોમાં ખોલવાની કલેકટરની તૈયારી : સંપૂર્ણ સાફ - સફાઇ કરાઇ

મુખ્ય ઢોળાવ ઉપર ભારે વરસાદથી માટી ધોવાઇ ગઇ તે ટન બંધ માટી ફરી પાથરવામાં આવી : બોટીંગ પણ ચાલૂ કરી દેવાશે : સીટી પ્રાંત-૧ને બોલાવતા રેમ્યા મોહન : લોકોને ભેટ અપાશે : ઇશ્વરીયા પાર્ક કઇ રીતે ખોલવું : એકઝીટ એન્ટ્રી ગેઇટ - થર્મલ ગન - સેનેટાઇઝ તથા કેટલા લોકોને એન્ટ્રી તેમજ અંદર પણ ટોળા ન થાય તે પણ ખાસ વિચારાશે

રાજકોટ તા. ૯ : રાજકોટ કલેકટર તંત્ર આજ સુધી ઇશ્વરીયા પાર્ક પીકનીક પોઇન્ટ કોરોના સામે સાવચેતી સંદર્ભે ખોલવા અંગે ના પાડી રહ્યું હતું, પરંતુ કોરોના ઓછો થયો, મૃત્યુ ઘટયા, કેસો પણ ઘટયા, પરિણામે કલેકટર તંત્ર આ બાબતે ફરી વિચારવાના મૂડમાં આવી ગયું છે, અને દિપાવલી તહેવારોમાં લોકો રાઇડ - બોટીંગ તથા આ અદ્યતન પિકનીક પોઇન્ટનો ફરવા સંદર્ભે આનંદ માણી શકે તે માટે લોકોને ઇશ્વરીયા પાર્કની દિવાળીની ભેટ આપવા તૈયારી કરી રહ્યું છે.

વિગતો મુજબ ઇશ્વરીયા પાર્ક દિવાળીના તહેવારોમાં ખોલવા અંગે કલેકટરે તૈયારી કરી લીધી છે, આ માટે શનિ - રવિમાં સંપૂર્ણ સાફ - સફાઇ - ઢોળાવ ઉપર માટી ધોવાઇ ગઇ ત્યાં ટન બંધ માટી પુનઃ પાથરી બધૂ સરખુ કરી લેવાયું છે, આ માટે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવી પોેતે દોડી ગયા હતા, બોટીંગ શરૂ કરવા અંગે પણ તંત્રે તૈયારી કરી લીધી છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, ઇશ્વરીયા પાર્ક ખોલવા અંગે અમે વિચારી રહ્યા છીએ, આ માટે કલેકટરશ્રીએ સીટી પ્રાંત-૧ને બોલાવ્યા છે, પાર્ક કઇ રીતે ખોલવો, એન્ટ્રી - એકઝીટના રસ્તા જુદા રાખવા, ગેઇટ ઉપર થર્મલ ગનથી ચેકીંગ, સેનેટાઇઝર, ફરજીયાત માસ્ક, પાર્કની અંદર ટોળા ન થાય તે માટે સાવચેતી વિગેરે બાબતો ચકાસી ઇશ્વરીયા પાર્ક અંગે ૧ થી ૨ દિવસમાં નિર્ણય લેવાશે, સંભવતઃ ધનતેરસથી પાર્ક શરૂ થાય તેવી શકયતા છે.

(3:44 pm IST)