Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સ્વચ્છતા સર્વેક્ષણના નામે વોર્ડ નં. ૩માં ઉભા કરાયેલા ટોયલેટો ખંઢેર બન્યા

માત્ર એવોર્ડ-નંબર પ્રાપ્ત કરી મ.ન.પા. તંત્ર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે તે કયાં જાય છે ? છેવાડાના વિસ્તારની ગરીબ બહેનોનો સવાલઃ દિકરીઓને સ્વચ્છ સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળઃ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ

રાજકોટ, તા. ૯ :. શહેરના ગરીબ પછાત વિસ્તારોની બહેન-દિકરીઓ માટે મ.ન.પા.ના તંત્ર વાહકોએ ટોઈલેટની સુવિધાઓ આપી દીધા બાદ તેની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવતા આ બાબતે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યુ છે. 'સ્વચ્છતા સર્વેક્ષણ'ના નામે એવોર્ડ અને ગ્રાન્ટ મેળવનારા શાસકો પાસે પછાત વિસ્તારમાં ખંઢેર બની ગયેલા ટોઈલેટ બ્લોકની જાળવણી કરતા તેના રીપેરીંગનો સમય નથી ત્યારે ગરીબ વિસ્તારની બહેન-દિકરીઓ પૂછે છે કે 'આ ગ્રાન્ટ કયાં ગઈ ?'

ગાયત્રીબાએ નિવેદનમાં જણાવાયુ છે કે, છાશવારે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવ્યાની ગુલબાંગો ફેંકતા ભાજપના શાસકો અને લાખોનો પગાર લેતા અધિકારીઓની ફોજ છાપામાં મોટા ફોટા છપાવી રાજકોટને સ્વચ્છતામાં એવોર્ડ મળ્યાનું અને તેના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજકોટ મ.ન.પા.ને મળશે તેવી વાતો કરવામાં આવે છે. રાજકોટ શહેરને ખુલ્લા શૌચથી મુકિત મળી હોય તે પ્રકારની વાતો પણ ભાજપના શાસકો દ્વારા કરવામાં આવે છે.  પરંતુ વોર્ડ નં. ૩ના કલેકટર કચેરી પાછળ આજી નદીના કાંઠે આવેલ નરસંગપરામાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત બનાવવામાં આવેલ કોમ્યુનિટી ટોયલેટની હાલત એટલી બદતર છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારો અને ખાસ કરીને ગરીબ પરિવારની બહેન દિકરીયુ આ ટોયલેટનો ઉપયોગ કરી શકતી નથી અને મજબુરીવસ ખુલ્લાાં શૌચક્રિયા માટે મજબૂર બનવુ પડે છે. મ.ન.પા.ના તંત્રને અનેક ફરીયાદો છતાં આ ટોયલેટમાં આવેલ તમામ કુંડીઓના ઢાંકણાઓ તૂટી ગયા છે. ટોયલેટના દરવાજાઓ પણ તૂટી ગયા છે. પારાવાર ગંદકી અને ખુલ્લી કુંડીઓ અનેક અકસ્માત નોતરે છે. રાત્રી દરમ્યાન જો કોઈ બહેન-દિકરીઓને આ ટોયલેટનો ઉપયોગ કરવો હોય તો લાઈટની સુવિધા પણ નથી ત્યારે આ નિંભર તંત્ર કયારે જાગશે અને ગરીબ અને પછાત વિસ્તારની બેન-બેટીઓ કયારે સલામત બનશે ? તેવો અણિયારો સવાલ ગાયત્રીબાએ નિવેદનના અંતે ઉઠાવ્યો છે.

(3:43 pm IST)