Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

લોહાણા મહાપરીષદની આવતીકાલની

વરણી સમિતિની મિટીંગ પહેલાં જ સભ્યો પાસેથી સમર્થનપત્રો લઇ લેવાયા?

વિદાય લેતા પ્રમુખ પ્રવિણભાઇ કોટક દ્વારા પોતાના જ અંગત મનાતા સતિષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખ બનાવવા ઓનલાઇન ઝૂમ મિટીંગમાં ત્રાગડો રચાશે? મનગમતાઓને બોલવા દેવાશે અને બાકીનાને 'મ્યુટ' રખાશે? : મહાપરીષદ છે લોહાણા મહાજનોની સંસ્થા, પરંતુ મહાજનોનો અવાજ કયાંય પહોંચતો જ નથી ! વરણી સમિતિ કરે તે જ ફાઇનલ? : સતીષભાઇ વિઠ્ઠલાણી મહાપરીષદમાં છેલ્લાં ૧પ વર્ષોથી એકપણ હોદા ઉપર નથી, અને અચાનક નામ ગૂંજતું કેમ થયું ?

રાજકોટ તા. ૯ :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ છેલ્લા ઘણાં સમયથી સંસ્થાના પ્રમુખપદને લઇને ભારે વિવાદમાં રહેતી આવી છે. સત્તાના મોહને કારણે તથા સત્તા છોડયા પછી પણ પોતાના અંગત અને કહ્યાગરા વ્યકિત પાસે જ યેનકેન પ્રકારે સત્તા રહે તેવું અમુક લોકો ઇચ્છી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ખમીરવંતી અને સાહસિક ગણાતી લોહાણા જ્ઞાતિની શાખ લોહાણા મહાપરીષદમાં ચાલતા હાલના વિવાદને કારણે ધૂળધાણી થઇ રહી છે. પ્રમુખપદ મેળવવા માટે થતાં અવનવા ખેલ જોઇને જ્ઞાતિશ્રેષ્ઠીઓ તથા લોહાણા સમાજના લોકો મહાપરીષદના નામથી નફરત કરવા લાગ્યા છે.

આવા બધા પરિબળો વચ્ચે આવતીકાલ તા. ૧૦ નવેમ્બર ર૦ર૦ના રોજ બપોરે ૩.૧પ વાગ્યે લોહાણા મહાપરીષદની વરણી સમિતિના ર૭ સભ્યોની ઓનલાઇન ઝૂમ મિટીંગ રાખવામાં આવી છે. આ મીટીંગમાં વિદાય લેતા પ્રમુખ પ્રવિણભાઇ કોટકનું રાજીનામુ મંજૂર કરીને નવા પ્રમુખના નામની ભલામણ કરવામાં આવશે. આ મીટીંગમાં પ્રમુખપદ માટે નકકી થયેલ નામને મધ્યસ્થ મહાસમિતીની મીટીંગમાં બહાલીરૂપે સભ્યો સમક્ષ મુકવામાં આવશે. મધ્યસ્થ મહાસમિતિની મીટીંગમાં બહુમતી સભ્યો દ્વારા પ્રમુખપદના નકકી થયેલા નામને બહાલી મળવી ફરજીયાત છે.

આજ રોજ લોહાણા સમાજના અગ્રણીઓ વચ્ચે કર્ણોપકર્ણ ચર્ચા ચાલી રહી છે કે લોહાણા મહાપરીષદની વરણી સમિતિની આવતીકાલની મિટીંગ મળે તે પહેલાં જ વરણી સમિતિના અમુક સભ્યોના સમર્થન પત્રો પ્રવિણભાઇ કોટકના ગ્રુપ દ્વારા લઇ લેવામાં આવ્યા છે. ઝૂમ મિટીંગમાં નેટવર્કનો પ્રોબ્લેમ થયો હોવાના બ્હાનાં હેઠળ આ સમર્થન પત્રોના સહારે બહુમતીથી હાલમાં પ્રવિણભાઇ કોટકના અંગત મનાતા-ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખ બનાવવા આવો ત્રાગડો રચાયો હોવાનું સંભળાઇ રહયું છે. ઉપરાંત પોતાના મનગમતાઓને મિટીંગમાં બોલવા દેવાશે અને ધર્મસંકટમાં મૂકી દેનાર સભ્યોને ફરજીયાત 'મ્યુટ' રખાશે તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.

ગુજરાતના મોટા ગજાના એક લોહાણા અગ્રણીએ તો બળાપો, વ્યથા તથા અફસોસ વ્યકત કરતા કહયું હતું કે, જ્ઞાતિની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ કહેવાય છે મહાજનોની સંસ્થા, પરંતુ આમાં મહાજનોનો અવાજ કયાંય પહોંચતો જ નથી. મહાપરીષદના પ્રમુખ દ્વારા નિમાયેલ મોટાભાગના વરણી સમિતિના સભ્યો જે નિર્ણય કરે તે જ ફાઇનલ ગણવામાં આવે છે.

હકીકતે ઘણાં બધા મહાજનો તથા તેમના હોદેદારો હાલમાં પ્રવિણભઇ કોટકની માફક જ સતીષભાઇ વિઠ્ઠલાણીને પણ મહાપરીષદના પ્રમુખ તરીકે ઇચ્છતા નથી તેવી જબરી ચર્ચા ચાલી રહી છે. જામનગર-હાલાર પંથકના અંદાજે ર૦ જેટલા મહાજનો, કચ્છ વિસ્તારના મહાજનો, સૌરાષ્ટ્રના ઘણાં બધા મહાજનો દ્વારા લોહાણા મહાપરીષદના પ્રમુખપદ માટે સક્ષમ અને સર્વસ્વિકાર્ય હોય તેવા વ્યકિતઓના નામોની ભલામણો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ આ તમામ રજૂઆતો બહેરા કાને અથડાઇ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

મહાપરીષદના આધારભુત વર્તુળો દ્વારા એવી પણ ચર્ચા સાંભળવા મળે છે કે મહાપરિષદના ભાવિ પ્રમુખ ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણી લગભગ છેલ્લા ૧પ વર્ષોથી મહાપરીષદમાં એકપણ હોદો ધરાવતા નથી. છતાં પણ તેઓને સીધેસીધું જ વૈશ્વિક સંસ્થાનું પ્રમુખપદ આપી દેવાનું ? શું અન્ય કોઇ હોદેદારો સક્ષમ જ નથી ? કે પછી મુંબઇના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હોવાના કારણે સતીષભાઇ વિઠ્ઠલાણી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઇ ગયો? સતીષભાઇ વિઠ્ઠલાણીનું અચાનક નામ કેમ ગૂંજતું થયું ? આવા અનેક સવાલો લોહાણા સમાજમાં ઉઠી રહ્યા છે.

જો કે દૂબઇ અધિવેશનમાં સતીષભાઇ વિઠ્ઠલાણીએ જ્ઞાતિની વસ્તી ગણત્રીનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યુ હતું પરંતુ  નકકી થયા મુજબ તેને પુરૂ કરવામાં પણ છ મહિનાને બદલે દોઢ વર્ષ જેવો સમય થઇ ગયો હોવા છતાં પુરૂ ન કરી શકયાની ચર્ચા છે.

(3:40 pm IST)