Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પુર્વ મેયરના ભત્રીજાઓ ઉપરના હુમલા કેસમાં પકડાયેલ ભરવાડ શખ્સોની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૯: પૂર્વ મેયરના ભત્રીજાઓ ઉપરના જીવલેણ હુમલા કેસમાં ભરવાડ આરોપીઓનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની હકીકત એવી છે કે ફરીયાદી જયદીપભાઇ દિલીપભાઇ ડાંગર લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર હવેલી પાસે આવેલ રૂપાલી પાન ખાતે ફાકી ખાવા ગયેલા અને રૂપાલી પાનવાળા ચિરાગભાઇ સાથે ખબર અંતર પૂછવાની વાતચીત કરતા હતા એટલામાં તથા ચાની કેબીન ધરાવતા જશાભાઇ ઝાપડા આવેલ અને ફરિયાદી જયદીપભાઇને કહેલ કે શું ઉંચા અવાજે વાત કરે છે? તારે બીજું કાંઇ નથી ને? એમ કહી ફરિયાદી જયદીપભાઇને દાટી મારવા લાગેલા જેથી તે બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી ફરિયાદી જયદીપભાઇએ પોતાના કાકાના દીકરાના રાજુભાઇ તથા સંદીપભાઇને ત્યાં આવવા માટે ફોન કરેલ તેથી આરોપી જશાભાઇ જાપડાએ ફોન કરતા તુરંત જ જશાભાઇના ત્રણ દીકરાઓ ઉમેશ, ઉદય, મેહુલ તથા જશાભાઇના ભત્રીજો જનક નાગજીભાઇ જાપડા તથા અજાણ્યા ત્રણ ઇસમો તલવાર, પાઇપ તથા ધોકા લઇને આવી ગયેલ અને જોત જોતામાં ફરીયાદી જયદીપભાઇ તથા તેના બંને પિતરાઇ ભાઇઓ કઇ કહે તે પહેલા તેઓની ઉપર તૂટી પડેલ.

આ કામે જશાભાઇએ ફરીયાદી જયદીપભાઇને માથામાં છરીનો ઘા મારી દીધેલ તથા ઉમેશ તલવારનો ઘા મારવા જતા તેઓએ તલવાર પકડી લીધેલ જેથી તેઓને જમણા હાથે પણ ઇજા થયેલ અને ઉદયે તલવારનો ઘા કરતા ડાબા હાથની આંગળીમાં ઇજા થયેલ તથા મેહુલે તલવારનો ઘા કરતા જયદીપભાઇને કોણીના ભાગે ઇજા થયેલ તથા જનક પાસે પાઇપ હતો તેણે જયદીપભાઇને માથાના ભાગે તથા પીઠના ભાગે મારીને ઇજા કરેલ તથા બીજા અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ પણ પાઇપ તથા લાકડાના ધોકાથી ઇજા કરેલ અને બધા આરોપીઓ એવું કહેતા હતા કે આને જાની મારી જ નાખો. તેવામાં જયદીપભાઇના કાકાના દીકરાઓ રાજુભાઇ તથા સંદીપભાઇ આવી જતા આરોપીઓએ તેઓ ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડેલ.

આ કામના આરોપીઓને પોલીસ દ્વારા અટક કરી કોર્ટમાં રજુ કરતા આરોપીઓ વતી જામીન અરજી તબકકે કરવામાં આવેલ દલીલ તથા ના. સર્વોચ્ચ અદાલતના તથા જુદી-જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી જશાભાઇ જાપડા, ઉદય જાપડા, મેહુલ જાપડા, ઉમેશ જાપડા, જનક જાપડા ને જામીન મુકત કરેલ છે.

આરોપીઓ વતી એડવોકેટ નીલેશ સી. ગણાત્રા, આદીલ એ. માથકિયા તથા અમિત એમ. મેવાડા રોકાયેલા હતા.

(2:55 pm IST)