Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હતાશ થઇ 'જિંદગીનો દિપ' બુઝાવી નાખવા ઘરેથી નીકળી ગયેલા 'પ્રકાશ'ને કુવાડવા પોલીસે બચાવ્યો

સમગ્ર પરિવારની જવાબદારી માથે, પણ શ્વાસની તકલીફને લીધે મહેનતનું કામ થતું નહિ : લોકડાઉન ખુલ્યા પછી પણ કામ મળતું નહોતું: ગાંધીગ્રામનો યુવાન ગવરીદળ પાસે અત્યંત ચિંતાતુર નજરે પડતાં પોલીસે પુછતાછ કરી તો કરૂણ કથની ખુલીઃ ટ્રક નીચે ઝંપલાવી દેવાનો ઇરાદો હતો

રાજકોટ તા. ૯: પ્રકાશનું પર્વ દિવાળી નજીક છે ત્યારે ગાંધીગ્રામ અક્ષરનગર-૯ ૨૫ વારીયામાં રહેતો પ્રકાશ મહાદેવભાઇ નકુમ (ઉ.વ.૩૨) નામનો સતવારા યુવાન ઘરેથી નીકળી જઇ પોતાની જિંદગીનો દિપ બુઝાવી નાંખવાના ઇરાદા સાથે ગવરીદળ પાસે પહોંચ્યો હતો. અહિ તે ટ્રક નીચે ઝંપલાવી મોત મેળવી લે એ પહેલા કુવાડવા પોલીસની નજરે ચડી જતાં તેનો જીવ બચી ગયો હતો અને સમજાવીને તેના પરિવારજનોને સોંપ્યો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ.આર.ટંડેલની સૂચનાથી કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળા, હેડ કોન્સ. હમીરભાઇ સબાડ, હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, કોન્સ. અજીતભાઇ લોખીલ, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ તથા જીઆરડી મનવીરભાઇ સહિત કોમ્બીંગ નાઇટ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે મોડી રાત્રે ગવરીદડ ગામના બસ સ્ટેશનમાં એક યુવાન ચિંતાતુર હાલતમાં બેઠેલો હોઇ અને કંઇ કરશે તેવા હાવભાવ સાથે નજરે પડતા પોલીસે તુરંત જ તેની પાસે જઇ પૂછતાછ કરતા તેણે પોતાની કરૂણ કથની વર્ણવી હતી અને પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશ મહાદેવભાઇ નકુમ (ઉ.૩૨ા (રહે. ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં. ૯માં ૨૫ વારીયા કવાર્ટરમાં) જણાવ્યું હતું. પ્રકાશે જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા પોતે એક ઓફિસમાં ઓફિસબોય તરીકે નોકરી કરતો હતો. લોકડાઉનના લીધે નોકરી પણ છૂટી ગઇ અને પોતાને શ્વાસની તકલીફને લીધે મહેનતનું કામ પણ કરી શકતો નહી, પોતે માતા અને બે નાના ભાઇ સાથે રહે છે અને સમગ્ર પરિવારની જવાબદારી પણ પોતાની માથે હોઇ, કામ ધંધો ન મળતા આર્થિક ખેંચના લીધે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. લોકડાઉન ખુલ્યા પછી પણ કંઇ કામધંધો ન મળતા હતાશ થઇ પોતે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું અને ગઇકાલે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ટ્રક નીચે ઝંપલાવી દેવાનો ઇરાદો કરી લીધો હતો. પોલીસે આ યુવાનની કથની સાંભળી તેને આપઘાત ન કરવા માટે સમજાવીને કુવાડવા રોડ પોલીસ મથકે લઇ આવ્યા બાદ તેને ભોજન કરાવ્યું હતું અને આ યુવાન ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હોઇ, તેથી તેના પરિવારજનો યુવાનની શોધખોળ કરતા હતા ત્યારબાદ પોલીસે યુવાનના નાના ભાઇનો સંપર્ક કરી જાણ કરતા પરિવારજનો કુવાડવા રોડ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પરિવાર સાથે મીલન કરાવતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(2:53 pm IST)