Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોરોના કાળમાં ત્રણ - ત્રણ વખત પ્લાઝમા ડોનેશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતી રાજકોટની વિધિ ખોયાણી

જુડો, રેસલિંગ અને બોકિસંગના ગોલ્ડ મેડલીસ્ટ છે : સ્પોટસ ટીચર તરીકે કાર્યરત

રાજકોટ તા. ૯ : કહેવાય છે કે શુધ્ધ ભાવના સાથે કરેલા કાર્યનું પરિણામ હંમેશા સારૃં જ મળતું હોય છે, અને એ પરિણામ વ્યકિતને ગૌરવ પણ અપાવતું હોય છે. કોરોનાની મહામારીના સમયમાં આવું જ ગૌરવ રાજકોટના સ્પોટર્સ ટીચર અને જુડો, રેસલિંગ તેમજ બોકિસંગ જેવી રમતોમાં રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા વિધિ ખોયાણીને પ્રાપ્ત થયું છે.

વિધિએ ત્રણ - ત્રણ વખત પ્લાઝમાનું દાન કરી માનવતાના ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. જુડો, રેસલિંગ અને બોકિસંગમાં સ્ટેટ તેમજ જુડોમા નેશનલ રમી ચુકેલી વિધિ મજબૂત મનોબળ ધરાવતી સ્પોટર્સ ટીચર છે. સ્કૂલ સમયથી જ ચેમ્પિયન રહેલી વિધિ બાળકોને ખડતલ બનાવવાનું કામ કરે છે. ૧૧ મી ઓગસ્ટના વિધિને કોરોના પોઝિટિવ આવતા તેણે ૧૪ દિવસ હોમ કોરેન્ટાઇન રહીને જ કોરોનાને પટકાવી દીધો હતો. એ સમયે જ તેણે દ્રઢ નિર્ધાર કર્યો હતો કે, મારે પ્લાઝમા દાન કરવું છે, અને તેના નિર્ધારને મૂર્ત સ્વરૂપ આપ્યુ પણ ખરૂ. પછી તો એક વાર નહીં ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ. એટલું જ નહી મહિલાઓમાં પ્લાઝમાનું સર્વાધિક દાન આપી અનેક જિંદગી બચાવવામાં નિમિત્ત બનવાનું ગૌરવ પણ તેને પ્રાપ્ત થયું છે.

શારીરિક શિક્ષણ માસ્ટર ડિગ્રીમાં પણ ગોલ્ડ મેડલ અને ડોકટરેટની પદવી ધારક રાજકોટની વિધિ પ્રથમ મહિલા છે કે જેઓએ સતત ત્રણ વખત પ્લાઝમા આપી ચુકી હોવાનું ડો. કૃપાલ જણાવે છે.

(2:51 pm IST)