Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ખાનગી હોસ્પિટલો કોરોના સારવારના ભાવ વધુ પડાવે તો કલેકટરને જાણ કરવી : બે ફોન નંબર જાહેર કરાયા

ફોન નંબર : ૯૩૨૮૯ ૭૧૧૫૫ તથા ૯૪૮૪૬ ૦૮૫૧૪ જાહેર

રાજકોટ તા. ૯ : કોરોના મહામારી સંબધે રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓની કોરોના સારવાર માટે જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજીયાત છે.

ખાસ કરીને હોસ્પિટલમાં કોરોના સારવારના દર નિયત કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલ્સમાં  સારવાર અર્થે  દાખલ દર્દીઓને કોઈ ફરિયાદ હોઈ, હોસ્પિટલ્સ દ્વારા નિયત દર કરતા વધારે રકમ ચુકવણી કરવાનું કહેવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્રને હેલ્પલાઇન નંબર ૯૩૨૮૯ ૭૧૧૫૫, ૯૪૮૪૬ ૦૮૫૧૪ ઉપર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-જુની કલેકટર કચેરીને રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવારના દર રાજકોટ મહાનગરપાલિકા સાથે થયેલ એમ.ઓ.યુ.(MOU) પ્રમાણે નિયત કરવામાં આવેલ છે. જેમાં જનરલ વોર્ડના રૂ. ૮૪૦૦ પ્રતિ દિવસ, એચ.ડી.યુ. ઓકિસજન સાથે રૂ. ૧૧૫૦૦ તેમજ આઈ.સી. યુ. ના ૧૭૮૦૦  અને આઈ.સી.યુ. વેન્ટિલેટર સાથે રૂ. ૨૧૫૦૦ નિયત કરાયા છે,. જેમાં તમામ ટેક્ષ સામેલ છે. આ દરમાં ભોજન, પી.પી.ઈ. કીટ તેમજ દવાઓ સામેલ છે.

પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ ના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલ્સમાં કોરોના સારવાર લીધા બાદ ખર્ચ બાબતે કોઈ ફરિયાદ હોઈ તો ઉપરોકત દર્શાવેલ હેલ્પલાઇન નંબર અથવા કચેરી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે.

(1:06 pm IST)