Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રેસકોર્ષ રીંગ રોડ પર કર્કશ હોર્ન સાથે ધૂમ બાઇક ચાલકોની ધણધણાટીઃ પાંચ બાઇક ડિટેઇન થયા

રાજકોટ તા. ૯: દિવાળીના તહેવાર અંતર્ગત લોકો મોડે સુધી બજારોમાં હોય છે. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ પર પણ લોકો વધુ સંખ્યામાં નીકળી પડે છે. રવિવારે રાતે રેસકોર્ષ રીંગ પર લોકો ફરવા નીકળ્યા હોઇ અને અવર-જવર વધુ હોઇ આવા સમયે પાંચેક શખ્સો ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારી કર્કશ હોર્ન વગાડીને રીંગ રોડ પર ધણધણાટી બોલાવતાં હોઇ પેટ્રોલીંગમાં નીકળેલી પ્ર.નગર પોલીસની ટીમે આવા પાંચ બાઇક ડિટેઇન કરી ચાલક સામે એમવીએકટ ૨૦૭ મુજબ કાર્યાવહી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શનમાં પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસની ઓચિંતી કાર્યવાહીથી અન્ય કેટલાક ધૂમ બાઇક ચાલકો ભોંભીતર થઇ ગયા હતાં. તહેવારના દિવસોમાં પોલીસ ઓચિંતા આ રીતે ચેકીંગ કરી ધૂમ બાઇક ચાલકોને કાયદાનું ભાન કરાવશે.

(1:03 pm IST)