Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

લોકોને શુધ્ધ તેલ મળે તે માટે પ્રયાસો થશે : રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી ચાલુ રાખે

સીંગતેલમાં ભાવ વધારા પાછળ ચીન ફેકટર જવાબદાર છે : ઉકાભાઇ પટેલની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૯ : સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનનું ૧૮ વર્ષ સુધી સુકાન અગાઉ સંભાળી સંસ્થાનું નામ ગાજતુ કરનાર ઉકાભાઇ પટેલની સંસ્થાના ચેરમેન તરીકે પુનઃ વરણી કરવામાં આવી છે. લડાયક નેતા તરીકેની છાપ ધરાવતા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સતત અગ્રેસર રહેલા ઉકાભાઇ પટેલે આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમાની કારોબારીએ મારા ઉપર મુકેલા વિશ્વાસને હું સાર્થક કરી બતાડીશ અને સંસ્થાને ફરી ધમધમતી કરવામાં આવશે એટલું જ નહિ ખેડૂતો અને ઓઇલ મિલરોનો અવાજ ઉપલા લેવલ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે.

તેમણે અકિલા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, મારા આ ક્ષેત્રના વર્ષો જુના અનુભવ અને મારા સંપર્કોને કારણે ઓઇલ મિલરો અને ખેડૂતોને હું કદી અન્યાય થવા નહિ દઉ. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાના સભ્યોમાં વધારો થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ મારી સૌ પહેલી માંગણી છે કે, રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી ચાલુ જ રાખે એટલું જ નહિ ખેડૂતોને મગફળીના વધુ ઉંચા ભાવ મળે એ માટે પ્રયાસો કરવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વધુમાં વધુ મગફળીનું ઉત્પાદન થાય, નવા નવા બિયારણો થકી મગફળીની નવી જાત વિકસે, સીંગતેલમાં ભેળસેળ ન થાય અને લોકોને શુધ્ધ સીંગતેલ ખાવા મળે તે માટે અમારી સંસ્થા મહત્તમ પ્રયાસો કરશે.

મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સીંગતેલના ભાવ શા માટે ઉંચા છે એવા સવાલના જવાબમાં ઉકાભાઇ પટેલે જણાવ્યું હતું કે, આની પાછળ ચીન ફેકટર જવાબદાર છે. ભાવ વધવાનું મુખ્ય કારણ ચીનમાં ૫૦ ટકાથી વધુ પાક નિષ્ફળ ગયો તે છે. એટલું જ નહિ ચીન મહત્તમ ખરીદી કરી રહ્યું છે જ્યાં સુધી ચીન ખરીદી કરતુ રહેશે ત્યાં સુધી લોકોને સસ્તુ સીંગતેલ ખાવા નહિ મળે તેવું મારૃં સ્પષ્ટ માનવું છે. તેમણે કહ્યું હતું કે ખાનારને અત્યારે મોંઘુ સીંગતેલ મળી રહ્યું છે પરંતુ ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે.

(11:43 am IST)