Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જિલ્લા પંચાયતમાં ૧૫મીએ કારોબારી બેઠકઃ ગઈ બેઠકમાં રસ્તાના કામો રોકી દેવાયેલ

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતની ખાસ કારોબારી બેઠક તા. ૧૫મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે બોલાવવા માટે સમિતિના સચિવે એજન્ડા બહાર પાડયો છે. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાયા પછી પ્રથમ વખત કારોબારી બેઠક મળી રહી છે. કારોબારી સમિતિમાં પણ આંતરિક અસંતોષનું વાતાવરણ હતુ પરંતુ પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત આવી તેના કારણે આ પ્રકરણ ધીમુ પડી ગયુ હતું.

છેલ્લે તા. ૧૫ સપ્ટેમ્બરે કારોબારી સમિતિની બેઠક મળી ત્યારે રસ્તા સહિતના વિકાસ કામોની એક ડઝનથી વધુ દરખાસ્ત અચાનક પેન્ડીંગ રાખી દેવામાં આવી હતી. જે તે વખતે આ નિર્ણયથી વિકાસ કામો પર ગંભીર અસર પડશે તેવુ ધ્યાન અધિકારીઓએ દોરેલ પરંતુ દરખાસ્તમાં મુદત વધારાના વ્યાજબી કારણો દર્શાવાયા ન હોવાથી પેન્ડીંગ રાખવા માટે ચંદુભાઈ શીંગાળા અને કે.પી. પાદરીયાનો આગ્રહ હતો. હવે ફરી કારોબારી મળતા આ પ્રશ્ન ફરીથી સામે આવશે. અધિકારીઓ કારોબારીમાં કોઈ જવાબ આપે તો તેનાથી સભ્યોને સંતોષ થશે કેમ ? તે પ્રશ્ન છે. લોકોના હિતના નામે કારોબારીમાં શું નિર્ણય થાય છે ? તે જોવાનુ રહ્યું.

(4:04 pm IST)