Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કાલે ઈદે મીલાદઃ અમન શાંતિના પૈગામ સાથે ઝુલુસ નિકળશે

તમામ મસ્જીદોમાં મોડીરાત સુધી મિલાદના કાર્યક્રમોઃ ધંધા- રોજગાર બંધ રાખવા અપીલ : સફેદ વસ્ત્રોમાં અમામા સાથે મુસ્લિમ ભાઈઓ જોડાશેઃ ગૌશાળાઓમાં ઘાસચારો દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકિય કાર્યોઃ રેસકોર્ષ મેદાનમાં તૈયારીઓને અપાતો આખરી ઓપઃ યુસુફભાઈ જુણેજા

રાજકોટ,તા.૯: ઈદે મીલાદુન્નબી કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઈ જુણેજાની યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વને પ્રેમ-શાંતી-અમન-ભાઈચારાનો સંદેશ આપનાર ઈસ્લામના મહાન પયગમ્બર જગતમાં માનવતાના ઉચ્ચ મુલ્યોનું સિંચન કરી વિશ્વ બંધુત્વની ભાવના જગાડનાર નબી કે જેમણે વતનની મહોબ્બતને ઈમાનનો હિસ્સો કહેલ છે એવા રેહમતુલ્લલિલ આલમીનનો ૧૨ રબીઉલ અવ્વલ રર એપ્રિલ ૫૭૧ ના રોજ જન્મ થયેલ. દુનિયામાં ઉંચ-નીચ, કાળા-ગોરાના ભેદભાવને મિટાવી ભાઈચારનો સબક આપનાર નબી કે જેમણે અજ્ઞાનતાના અંધારામાં માનવ જાતના દિલોમા જ્ઞાનના દીપ પ્રગટાવનાર એવા નબીના જન્મ દિવસની ખુશીમાં દુનિયાભરમાં ઈદે મીલાદ ઉજવવામાં આવે છે.

રાજકોટ શહેરમાં પણ પયગમ્બર સાહેબની મિલાદનની ઉજવણી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેરની તમામ મસ્જીદોને રોશનીથી સુશોભીત કરવામાં આવી છે. તેમજ ઘણી જગ્યાએ ૧૨ દિવસ  જલ્સાનું આયોજન કરવામા આવે છે.

આજે શનિવારે  તમામ મસ્જીદોમાં મોડી રાત સુધી મીલાદના કાર્યક્રમ  રાખવામાં આવેલ છે તેમજ કાલે રવિવારે વહેલી સવારે પયગમ્બર સાહેબના જન્મ સમયે મસ્જીદોમાં સલાસ પેશ કરવામાં આવશે.

આવતીકાલે તા.૧૦ના રવિવારના રોજ દરેક લતામાંથી સવારે ૮ વાગ્યે આલીમ તેમજ સાદાતની રેહબરીમાં જુલુસ નીકળી પોત પોતાના રૂટ પર થઈ રેસકોર્સ ગ્રાઉન્ડ પર પહોંચશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર ૧૧ વાગ્યે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના મશહુર નાતખ્વાં નબીપાકના ગુણ ગાન ગાઈ નાતે રસુલ પેશ કરશે તેમજ ૫૦ હજાર લોકો માટે વેજીટેરીયન ન્યાજનું આયોજન કરવામાં આવેલ છે જેના માટે મીલાદુન્નબી , કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઈ જુણેજાના માર્ગટર્શન હેઠળ ૨૫૧ કાર્યકરોની ટીમ, ન્યાઝ મંડપ, વાએઝ, પાણી, સ્ટોલ વ્યવસ્થા વિ. માટે જહેમત ઉઠાવી રહેલ છે.

 ગૌશાળામાં ગાયોને ઘાસચારા, હોસ્પીટલના દર્દીઓને ફ્રુટ વિતરણ, મધર ટેરેસ આશ્રમમાં' ચીકી વિતરણ તેમજ મંદબુદ્ઘિ બાળકોને ભોજન કરવવામાં આવેલ. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સંસ્થાઓ કમિટીઓ તરફથી સ્ટોલમા શીરની- ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેનું વિતરણ કરવામાં આવશે.  જેના માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

કમિટીના પ્રમુખ તેમજ સામાજીક આગેવાનો તરફથી જુલુસમાં જોડાનાર ભાઈઓને અપીલ કરાઈ છે કે, સફેદ વસ્ત્રોમાં અમામા સાથે ઈસ્લામના રીત પ્રમાણે અદબ- એહતરામ સાથે જુલુસમાં  જોડાવવા તેમજ  શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે જુલુસમાં  શાંતિ સાથે જોડાવવા અનુરોધ કરાયો છે.

આ ભવ્ય જુલુસમા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે જંગલેશ્વર, દુધની ડેરી, ખોડીયારપરા, બાબરીયા કોલોની, ગોકુલનગર, થોરાળા, કોઠારીયા સોલવન્ટ, મનહરપરા, ભગવતીપરા, રામનાથપરા, ઘાંચીવાડ, બાપુનગર વિસ્તાર તેમજ રૈયા ગામ, નહેરૂનગર, લક્ષ્મીનગર, સદર બજાર, મોચી બજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્તીવાડ વગેરે લતાઓમાંથી સુશોભિત વાહનો સાથે તમામ મુસ્લીમ બિરાદરો બહોળી સંખ્યામા જોડાશે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઔરતો માટે અલાયદી વ્યવસ્થા

જશ્ને ઈદે મીલાદુન્નબીના પર્વની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઔરતો માટે વિશાળ શમીયાણામાં પરદા સાથે વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમાં રાજકોટની આલીમાઓ દ્વારા નબીપાકની શાન બયાન કરવામાં આવશે તેમજ નાતે રસુલ પેશ કરવામાં આવશે. બહેનનો એ જુલુસમાં ન જોડાઈ, સીધા રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઈદે મીલાદુન્નબી કમિટીએ અપીલ કરેલ છે.

રાજકોટ આહિર સમાજના ઘનશ્યામભાઈ હેરભા, મુકેશભાઈ ચાવડા, પ્રદિપભાઈ ડવ, શૈલેષભાઈ ડોગટ, પ્રવિણભાઈ સેગલીયા, દિલીપભાઈ બોરીચા, પ્રવિણભાઈ મૈયડા, વિજયભાઈ ઘૈયા, ભરતભાઈ બોરીચા, વિક્રમભાઈ હુંબલ અને હેમતભાઈ લોખીત રેસકોર્ષ મેદાનની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.

સિવિલ હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ, પાંજરાપોળમાં ઘાસચારો વિતરણ કાર્યક્રમમાં હાજી યુસુફભાઈ જુણેજા, યુનુસભાઈ જુણેજા (લકકી હોટલવાળા), હનીફભાઈ જુણેજા, હારૂનભાઈ શાહમદાર, હાજી આશીફભાઈ સલોત, હાજી ઈસ્કબાલભાઈ ભાણુ, બાબભાઈ ગુડલક, ઈસ્માઈલભાઈ પારેડી, રાજુભાઈ દલવાણી, ઈલુભાઈ શમા, ફારૂકભાઈ કટારીયા, દિલાવરભાઈ જસરાયા, ઈબ્રાહીમભાઈ, એજાજબાપુ બુખારી, રજાકભાઈ જામનગરી, તારીફભાઈ સુમરા, મહમદભાઈ હાલા, હાજીભાઈ ઓડીયા, હાજી મહંમદભાઈ લાખાણી, સૈયદ મુન્નાબાપુ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)