Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

શહેરોમાં હેલ્મેટ માથાના દુઃખાવારૂપ : સામાન્ય લોકોને રોટલાના માંડ થાય છે, આકરો દંડ કેમ ભરે?

શહેરી ક્ષેત્રમાં ટ્રાફીકના નવા કાયદામાંથી મુકિત આપવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૮ : સરકારે નવા જાહેર કરેલ ટ્રાફીક નિયમોથી સામાન્ય લોકોને પારાવાર પરેશાની થતી હોય હેલ્મેટના કાયદામાં ફેરવિચારણા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવેલ છે કે ગંભીર કાયદાની અમલવારી તથા દંડાત્મક જોગવાઇઓ તાત્કાલીક લાગુ કરવી તે મધ્યમ લોકો માટે અસંતોષકારક છે. શહેરોમાં ટ્રાફીકનું પ્રમાણ વધુ અને સીગ્નલ પોઇન્ટ તથા સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થા ઘણી જગ્યાએ હોય વાહનચાલકોની ગતિ ૩૦ કિ.મી.ની જ રહેતી હોય છે. એટલે અકસ્માતના સંજોગો નહીવત રહે છે. તેમછતા હેલ્મેટનો આગ્રહ થોડો અકળાવનારો બની રહે છે.

ઉનાળાના દિવસોમાં હેલ્મેટ અસહ્ય બની રહેશે. તેમજ ડાયાબીટીસ, બી.પી., અસ્થમાના દર્દીઓ માટે પણ હેલ્મેટ જીવલેણ સાબીત થઇ શકે છે.

ગરીબ તથા બેકાર માણસો જે રોજબરોજ મજુરી કામ કરી પોતાનું ગુજરાન  માંડ માંડ ચલાવતા હોય ત્યાં આવા આકરા નિયમોના કારણે તગડા દંડ કેમ કરીને ભરી શકે? આકરા દંડને સ્થગીત કરવાની જરૂર છે.

સમગ્ર ગુજરાત રાજયમાં નોન મેટ્રો સીટીમાં હેલ્મેટ તેમજ સીટ બેલ્ટને મુકિત આપવામાં આવે અને હાઇવે પર ભલે ફરજીયાત બનાવવામાં આવે. તેવુ સુચન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પત્રના અંતમાં કરવામાં આવેલ છે.

(4:06 pm IST)