Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આવાસ યોજનામાં ફલેટનો કબ્જો નહી સંભાળનારા પ૯૩ની ફાળવણી રદઃ અન્યને ફાળવી દેવાયા

૧ અને ર બીએચકે ફલેટની યોજનામાં હવે ૪ થી ૬ મહિના સુધી કબ્જો નહી સંભાળનારાની ફાળવણી રદ કરી વેઇટીંગ લીસ્ટવાળાને ફાળવી દેવાશે

રાજકોટ તા. ૯ :.. મ.ન.પા.ની આવાસ યોજનાઓમાં જે લોકો તેઓનાં ફલેટનો કબ્જો સંભાળતા નથી. તેવા લોકોનાં ફલેટ અન્યને એટલે કે વેઇટીંગમાં રહેલા અરજદારોને ફાળવી દેવાનાં નિર્ણય અંતર્ગત પ૯૩ જેટલાં લાભાર્થીઓની ફાળવણી રદ કરી અને વેઇટીંગમાં રહેલા અરજદારોને ફાળવી દેવાયા છે. જેનો ડ્રો ગઇકાલે સંપન્ન થયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહીતી મુજબ મ.ન.પા. દ્વારા ૧-ર-૩ બીએચકે ફલેટની આવાસ યોજનાનાં જે લાભાર્થીઓ તેઓનાં ફલેટનો કબ્જો સંભાળતા નથી તેવા લાભાર્થીઓની ફાળવણી રદ કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧, ર, ૩, બીએચકેનાં કુલ ૧૩૦૯ ફલેટ ફાળવાયા છે. જેમાંથી ૭૧૬ લોકોએ જ પોતાનાં ફલેટનો કબ્જો મેળવ્યો હતો. બાકીનાં પ૯૩ લાભાર્થીઓને અવાર-નવાર નોટીસો આપવા છતાં ફલેટનો કબ્જો સંભાળવા નહી આવતાં આ તમામ પ૯૩ લાભાર્થીઓની ફાળવણી રદ કરી અને વેઇંટીંગમાં રહેલા પ૯૩ અરજદારોને ફાળવી દીધા હતાં. જેનો ફાળવણીનો ડ્રો પણ ગઇકાલે થઇ ગયો છે. આમ હવે ૪ થી ૬ મહીનામાં જે કોઇ લાભાર્થી તેઓનાં ફલેટનો કબ્જો નહી સંભાળે તેની ફાળવણી રદ કરી અને વેઇટીંગનાં અરજદારોને ફાળવવામાં આવશે. તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

(4:00 pm IST)