Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગૌવંશ બળદને સદ્દભાવના વૃધ્ધાશ્રમ જીવનભર નિઃશુલ્ક આશ્રય આપશે

હાલ વૃધ્ધાશ્રમમાં ૩૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યા છેઃ પર્યાવરણની સાથે પશુ સેવા- જીવદયા તરફ કદમ

રાજકોટઃ વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનશીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્ર ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃધ્ધાશ્રમ છે. આ વૃધ્ધાશ્રમમાં નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધશ્રમમાં હાલ ૩૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યાં છે. જેમાંથી ૧૨૦ વડીલો તો પથારીવશ છે. એટલું જ નહીં વડીલોની સેવા કરવાની સાથે સાથે સદ્દભાવના વૃધ્ધાશ્રમ માનવ સેવા અને પર્યાવરણ સેવાની અન્ય ઘણી પ્રવૃતિઓમાં પણ પ્રવૃત રહે છે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ પોતાના અન્ય ઉત્કૃષ્ટ કાર્યો માનવ સેવા, પર્યાવરણની સાથે સાથે વધુ એક કદમ પશુ સેવા, જીવદયા તરફ લઈ રહ્યું છે.

સદ્દભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા બળદોની જિંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતવાડીમાં કકરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીનકાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ ન હોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તે તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય. ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌ વંશ બળદને સદ્દભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતનાં કોઈપણ ગામ- શહેર, હાઈવે પર બળદ છુટા, રખડતા, લાચારી- બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ જોવા મળે  તો તરત જ સદ્દભાવના વૃધ્ધાશ્રમને જાણ કવરા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રિત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ- તરસ- બિમારીથી કમોતે મરતાં ૨૦૦૦ જેટલાં બળદોને સદ્દભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા આજીવન, નિઃશુલ્ક આશરો આપવામાં આવશે.

જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સંસ્થાને મો.૭૬૨૧૦ ૫૮૯૪૯ ઉપર જાણ કરવા સદ્દભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાની યાદીમાં જણાવાયું છે.

(3:20 pm IST)