Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મંત્રી જીતુભાઇ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા નર્યુ તૂત : નાગરિકો ફરકયા નહી : કોંગ્રેસ

કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત પ્રજાએ ભાજપના કાર્યક્રમોથી અળગા રહી મૂક : વિરોધ દર્શાવ્યો : રમેશ તલાટિયા, ચંદ્રેશ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલાના પ્રહારો

રાજકોટ તા. ૯ : ભાજપની ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા ગઇકાલે યોજાઇ હતી પરંતુ તેનાથી સામાન્ય નાગરિકો અળગા રહેતા આ જન આશિર્વાદ યાત્રા નર્યુ તૂત સાબિત થયાના આક્ષેપો શહેર કોંગ્રેસના આગેવાનો રમેશ તલાટિયા, ચંદ્રેશ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, હિમતભાઇ લાબડિયા સહિતના આગેવાનોએ કર્યા છે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, રાજકોટ શહેર જિલ્લા વાલીમંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, લોક સંસદ વિચાર મંચના ધીરૂભાઈ ભરવાડ, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ફરિયાદ શહેર કોંગ્રેસના ભાવેશ પટેલ ની એક સંયુકત યાદી જણાવે છે કે સૌરાષ્ટ્રમાં ગઈકાલે જામનગર, જૂનાગઢ, મોરબીમાં ભાજપના મંત્રીઓ સહિત નેતાઓની લોકોના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ રેલીઓ અને સન્માન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાયા હતા પરંતુ આ કાર્યક્રમો જે જનસમૂહ સ્વયંભૂ ઊમટી પડવો જોઇએ એ ઉમટેલ ન હોવાથી જન આશીર્વાદ યાત્રાનુ સૂરસૂરિયું થઈ ગયું હતું. અને ઠેર ઠેર મંત્રીઓના સન્માન સમારંભના સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો રહ્યો હતો. લોકો આશીર્વાદ દેવા આવ્યા ન હતા.

ભાજપની જન આશીર્વાદ યાત્રાએ નર્યું ડીંડક અને નર્યું તૂત છે. રાજકોટમાં કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન છે અને રાજકોટ એ શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં હજારો વાલીઓ અને અનેક નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ હોવા છતાં શિક્ષણ મંત્રીના કાર્યક્રમથી અળગા રહ્યા હતા. કારણકે લાંબા સમયથી ગુજરાતમાં શિક્ષણમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર, ખાનગી શાળાઓની દલાલી, કોરોનાના કપરા કાળમાં વાલીઓ પાસે ફી ના નામે કરાતી ઉઘાડી લૂંટ, ફી નિર્ધારણ સમિતિનો કાયદો મજાક બની ગયો છે, એફ.આર. સી. એ સરકારની કઠપુતળી સમાન થઇ છે. વિદ્યાર્થીઓના હિતને બદલે ખાનગી શાળાઓના હિતને ધ્યાનમાં રાખીને લેવાતા નિર્ણયો ને પગલે આજે રાજકોટમાં હજારો વાલીઓ હોવા છતાં શિક્ષણ મંત્રીના કાર્યક્રમ અને સન્માન સમારંભમાં અળગા રહી મુક રીતે વિરોધ નોંધાવી બહિષ્કાર કર્યો હતો.

એટલું જ નહીં. સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, રાજકોટ સહિત શહેર-જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના સતત રોજબરોજ સળગતા બેફામ ભાવમાં રાજકોટ, જામનગર, ભાવનગર સહિતનાં શહેરોમાં પેટ્રોલમાં રૂપિયા ૧૦૦ અને ડીઝલ રૂપિયા ૧૦૦ ની નજીક પહોંચતા પેટ્રોલ અને ડીઝલ સદી એ પહોંચતા તેમજ રાજયમાં સીંગતેલ કપાસિયાના ભાવમાં સતત રોજબરોજ તોતિંગ ઉછાળા અને કઠોળ, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માં બેફામ ભાવ વધારોથી કારમી અને કાળઝાળ મોંઘવારીમાં પીસાતી પ્રજા જન આશીર્વાદ યાત્રામાં જોડાયેલ ન હતી. જન આશીર્વાદ યાત્રામાં જનસમૂહને બદલે ભાજપના જ કાર્યકરો નજરે પડયા તેમ નિવેદનના અંતે જણાવાયું છે.

(3:19 pm IST)