Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વિજયભાઇએ એક આંખમાં ખુમારી, બીજી આંખમાં દયા દ્રષ્ટી રાખી શાસન કર્યુ

વિજયભાઇ ગઇકાલે, આજે અને આવતીકાલે પણ વડીલ છે અને રહેવાના છેઃ જીતુભાઇ વાઘાણી : ગુજરાતમાં આ પહેલો કાર્યક્રમ એવો છે જેમાં વિદાય સમયે આટલી મોટી જનમેદની છેઃ વજુભાઇ વાળા : દરેક કામ ઇમાનદારી, પરીશ્રમની પરાકાષ્ટાથી કર્યુ, ખુરશી કયારેય માથે નથી બેઠી, સતા સેવાનું સાધન છે : વિજયભાઇ રૂપાણી : વિજયભાઇ હંમેશા વિજય પામે છે તેમનામાં ધૈર્યશકિત છે, તેેમના ગુણનો સ્વીકાર કરવો જોઇએઃ પૂ. પરમાત્માનંદજી સરસ્વતી : વિજયભાઇ સંવેદના, સેવા, સમર્પણ, સેવા જેવા શકિતના વિજેતા છેઃ પૂ.અપૂર્વમુનિ સ્વામી : વિજયભાઇનો ઋણ સ્વીકાર નહિ, સદગુણ સ્વીકાર ઉત્સવ ઉજવવો જોઇએઃ જય વસાવડા

રાજકોટઃ તા.૯, રાજકોટને એઈમ્સ, એરપોર્ટ, બસપોર્ટ, આધુનિક ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, સૌની યોજના, નવું રેસકોર્ષ, અટલ સરોવર, આવાસ યોજના, મલ્ટીસ્પેશ્યાલીટી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર હોસ્પિટલ, નવી ઝનાના હોસ્પિટલ, નવી કોર્ટ, નવી જીઆઈડીસી, સ્માર્ટ સીટી પ્રોજેકટ વગેરે જેવી વૈશ્વિક કક્ષાની સુવિધા આપવા બદલ રાજકોટ નગર અને રાજકોટના નાગરિકો માટે સદા કાર્યરત રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યકત કરવા અને તેઓના ઋણ સ્વીકાર અર્થે  ઋણ સ્વીકાર ઉત્સવનું આયોજન પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના શાસનકાળમાં રાજકોટનો સર્વાંગી વિકાસ શક્ય બનાવતી અનેક યોજનાઓ અને પ્રકલ્પોની ભેટ મળી સાથે જ સૌરાષ્ટ્રને પણ સૌની યોજના, ગિરનાર રોપ-વે, ખેતીવાડી માટે રાત-દિવસ વીજળી-પાણી, અંતરિયાળ વિસ્તારને જોડતા રોડરસ્તા વગેરે વિકાસકામોની ભેટ મળી છે. અધૂરામાં પૂરું સમગ્ર ગુજરાતમાં પણ જનસુવિધામાં વધારો કરતા અને રાજ્યની વિકાસયાત્રાને વણથંભી રાખતા અઢળક નિર્ણયો અને સહાય મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યા છે જેનો પણ લાભ રાજકોટ-સૌરાષ્ટ્રને મળ્યો છે ત્યારે રાજકોટની અગ્રણી સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા રાજકોટ નાગરિક ઋણ સ્વીકાર સમિતિનું નિર્માણ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું.

 પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઋણ સ્વીકાર ઉત્સવની શરૂઆતમાં હાસ્યકાર ધીરુભાઈ સરવૈયાએ લોકોને ખડખડાટ હસાવતું મનોરંજન પીરસ્યું હતું. ત્યાર બાદ વિજયભાઈ તથા સાધુસંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. 

વકતા જય વસાવડાએ વિજયભાઈ સાથેનાં પ્રસંગો વાગોળતાં તેમને જમીન સાથે જોડાયેલા વિનમ્ર વ્યકિત ગણાવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી અપૂર્વમુનિ સ્વામીએ વિજયભાઈ રૂપાણીની પ્રવૃત્તિ નહીં પરંતુ વૃત્તિની વાત કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ પાસે કશું નથી એવું નથી. ઘણું બધું છે. વિજયભાઈ સંવેદનાં, સેવા, સમર્પણ, સેવા જેવા સપ્તશકિતના વિજેતા છે. ગુજરાતે આજ સુધી જોયા ન હોય એવા મુખ્યમંત્રી રાજકોટે આપ્યા છે. ગુજરાત આખાનું સારું કરનારા મુખ્યમંત્રી રાજકોટે આપ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ પણ વિજયભાઈને એકપણ માણસ નાનો નથી લાગ્યો. સરદાર પટેલ જેવો સમર્પણભાવ વિજયભાઈએ દાખવ્યો છે. વિજયભાઈની શ્રદ્ધાશકિત ગજબનાક છે. તેમને સાધુસંત માટે પણ સવિશેષ લાગણી અને પ્રેમ છે. વિજયભાઈનો ઋણ સ્વીકાર નહીં સદ્દગુણ સ્વીકાર ઉત્સવ ઉજવવો જોઈએ. રાજકોટ વસ્તુની સાથે વ્યકિતત્વ ભેટ આપી છે.

આ સાથે પરમાત્મા નંદસરસ્વતીએ જણાવ્યું હતું કે, વિજયભાઈમાં નામ જેવા ગુણ છે. વિજય હંમેશા વિજય પામે છે. તેમનામાં ધૈર્ય શકિત છે. તેમના આ ગુણનો સ્વીકાર કરવો જોઈએ. આપણે તેમને રિટાયર્ડ થવા દેવા નથી. પક્ષ પણ તેમનો લાભ લેશે.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કેશુભાઈ, વજુભાઈ અને વિજયભાઈ વિશે વાત કરતા જણાવ્યું તું કે, જ્યારે જે કીધું તે પાર્ટી માટે તેમણે કર્યું છે. આ ભાજપના સંસ્કારો, વ્યકિતના સંસ્કારો છે. વિજયભાઈ ગઈકાલે, આજે અને આવતીકાલે વડીલ છે અને રહેવાના છે. રાજકોટ અને રાજ્યને ઉણપ આવવા નહીં દઈએ. ઋણ સ્વીકાર કરવો એ આપણા સંસ્કાર છે. આ ગૌરવ અને ગર્વની વાત છે.  

 વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, માણસ મુખ્યમંત્રી બને તેનું સ્વાગત કરવા માટે હરખપદુડા થાય. માણસ સત્તાથી વિચલિત થાય ત્યારે તેના કાર્યક્રમમાં કોઈ ન આવે. ગુજરાતમાં આ પહેલો કાર્યક્રમ એવો છે. વિદાય સમયે આટલી જનમેદની છે. વિજયભાઈના મનની અંદર પાર્ટી જે કામ સોંપશે એ કરવા તૈયાર હોવાની ભાવના છે. આરએસએસના સંસ્કાર તેમણે જીવનમાં ઉતર્યા છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, વિજયભાઈ માટે સત્તાએ ઉપભોગ નહીં ઉપયોગ કરવાનું સાધન છે. ૧૯૭૬માં વિજયભાઈ વીસ વર્ષની ઉંમરે સાબરમતી જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર્તા હતા. બીએની પરીક્ષા પણ જેલમાં રહી આપી. તેઓ મુખ્યમંત્રી બન્યા એ પહેલાથી સેવા કરતા આવ્યા છે. પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ચલાવે છે. તેમાં અભ્યાસ કરી ૩૦૦ વિદ્યાર્થીઓ ડોકટર અને એન્જીનીયર બન્યા છે. કરુણા, લાગણી સંસ્કાર વિજયભાઈમાં પહેલેથી જ છે. તેમણે મર્દાનગીથી શાસન કર્યું છે. તેમણે એક આંખમાં ખુમારી ખામીરી અને બીજી આંખમાં દયા દૃષ્ટિ રાખી શાસન કર્યું છે. વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રાય સ્વાહા ઈદ ન મમ મુજબ રાષ્ટ્રને સમર્પિત થયા છે.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વાગત સન્માન શુભકામનાઓ બદલ ઋણ સ્વીકાર કરું છું. રાજકોટમાં નાનેથી મોટો થયો છું. રાજકોટનાં ખોળે ઉછેર્યો છું. શિશુ સ્વયંસેવકથી મુખ્યમંત્રી સુધીની કારકિર્દીમાં રાજકોટના  લોકોનો સહયોગ મળ્યો છે. ઘડતર થયું છે. એક કાર્યકર્તા તરીકે રાજકોટના અનેક વડીલોએ ઘડતર કર્યું છે. અરવિંદભાઈ મણીયાર, ચીમનકાકા, કેશુભાઈ, વજુભાઈએ વ્યકિતગત રસ દાખવી ઘડતર કર્યું છે. પાર્ટીએ અનેક જવાબદારીઓ સોંપી. રા.સ્વ.સે. ભા.જ.પ.માં પદ ગૌણ છે. અટલજીની પંકિત છે. પદ નહીં જીમ્મેદારી હૈ. પ્રતિષ્ઠા નહીં ચૂનૌતી હૈ. પદ કરતા તપનું મહત્વ છે. સમય સમય બળવાન છે. પદની અપેક્ષા રાખી નથી. મુખ્યમંત્રી બનવાનું સપનું પણ ક્યારેય આવ્યું નહતું. મેં અંજુને કીધું હતું આપણા જીવનમાં ધારાસભા પદ નથી. પદ માટે મેં ક્યારેય કાલાવેલાં કર્યા નથી. જે સોંપ્યું તે કર્યું છે. ભાજપ આરએસએસ ભારત માતા જગત જનની બને તે માટે કાર્ય કરે છે. પદ ગૌણ છે. ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામુ આપી દીધું. દેશ આત્મનિર્ભર બને, વિશ્વમાં ભારતપ્રતિષ્ઠા પ્રાપ્ત બને એ ભાવ સાથે કામ કર્યું છે. અટલજી કવિતા છે - હાર મેં ક્યા જીત મે કંચિત નહીં ભયભીત મેં કર્તવ્ય પથ પર જો મીલે યે ભી સહી ઔર વો ભી સહી.

મારુ સદભાગ્ય છે પાર્ટીએ મને બધું આપ્યું. મેયર, ચેરમેન, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી.. દરેક કામ ઈમાનદારી, પરિશ્રમની પરાકાષ્ટાથી કર્યું. ખુરશી ક્યારેય માથે નથી બેઠી. સત્તા સેવાનું સાધન છે. પહેલા પણ સીએમ હતો, આજે પણ સીએમ છું. કોમન મેન. મુખ્યમંત્રી તરીકે રાજકોટ માટે કામ કરવાનું સૌભાગ્ય છે. હું ટી૨૦ રમવા આવ્યો  હતો. સમયની મર્યાદા હોય છે. પાંચ વર્ષ અડધી પીછે આવી બેટિંગ કરી ત્યારે પાછળ ક્રિઝની ચિંતા નથી કરી. દડા પર ધ્યાન હતું. રાજનીતિમાં પણ મૂલ્ય સ્થાપિત કરવા પ્રયાસ કર્યો છે. રાજકોટના ઘણા કામો સૌના સાથ સૌના વિકાસ કર્યા. વિકાસને ધ્યાનમાં રાખી સર્વાંગી વિકાસ, સંતોલિત વિકાસની ચિંતા નરેન્દ્રભાઈ શરૂ કરેલી વિકાસ યાત્રા આગળ લઈ ગયા. ઉત્તમથી સર્વોત્તમ બનવવા પ્રયત્ન કર્યો છે. મને આનંદ છે પદ પરથી દૂર થયા પછી પ્રજાનો જે પ્રેમ મળ્યો છે તે ભૂલાશે નહીં. ભાગ્યશાળી સમજુ છું. પદ છોડ્યા પછી લોકોનો એ જ ભાવ દેખાડે છે કે આપણે સાચા માર્ગે છીએ. રાજકોટે હંમેશા પ્રેમ અને પરંપરા દેખાડયા છે. રાજકોટ ભાજપ-સંઘનું પાવરહાઉસ છે. અંતમાં વડીલો મારાથી ખુશ છે એનો મને આનંદ છે.

આ સમગ્ર કાર્યક્રમમાં વિવિધ વકતાઓએ વિજયભાઈ રૂપાણીના સમર્પણ, સ્થિરત્વ, સહનશીલતા, સરળતા, સૌમ્યતા અને સંબંધો વિશેની વાત કરી હતી. સરપંચો, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો, રાજ્યકક્ષાના મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ નાગરિક ઋણ સ્વીકાર સમિતિના સભ્યો મુકેશભાઈ દોશી, ગુણવંતભાઈ ડેલાવાળા, રમેશભાઈ ટીલાળા, વી.પી. વૈષ્ણવ, પરેશભાઈ ગજેરા, ડી.વી, મહેતા, કિરીટભાઈ આદ્રોજા, હસુભાઈ ભગદેવ, મહેન્દ્રભાઈ ફળદુ, જયેશભાઈ ઉપાધ્યાય, ડો. અતુલભાઈ પંડ્યા, અંશભાઈ ભારદ્વાજ, ઉપેનભાઈ મોદી, ધનસુખભાઈ વોરા, પી. ટી. જાડેજા, વિજયભાઈ ડોબરિયા, ડો. મયંકભાઈ થક્કર, સંજયભાઈ હિરાણી, ભરતસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, ધ્રુવિકભાઈ પટેલ, દિનેશભાઈ કારિયા, સુનીલભાઈ વોરા, પ્રવીણભાઈ નિમાવત, યશભાઈ રાઠોડ, ડો. જયેશભાઈ રાજ્યગુરુ, મનીશભાઈ દોશી, પ્રફુલભાઈ ગોસ્વામી, શૈલેશભાઈ જાની, કમલેશભાઈ ડોડીયા વગેરેએ  કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રાજકોટનાં જાહેર જીવનનાં ઈતિહાસમાં એક જ મંચ પર આટલાં મહાનુભાવો અગાઉ કદી એકઠાં થયાં નથી. રાજકીય ક્ષેત્રમાંથી મંત્રી જીતુભાઈ વાઘાણી, વજુભાઈ વાળા, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર પ્રદીપ ડવ, શહેર પ્રમુખ કમલેશ મિરાણી તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, જયોતિન્દ્ર મામા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર અને રા.લો. સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઇ ગજેરા, હસુભાઇ ભગદેવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ઉદ્યોગ જગતમાંથી મૌલેશ પટેલ, અરવિંદ પટેલ, બિપિન હદવાણી, પરાક્રમસિંહ જાડેજા  તથા પરમાત્માનંદજી, અપૂર્વમુનિ સ્વામી, ઘનશ્યામજી મહારાજ, સહિત અનેક સંતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લગભગ તમામ સહકારી બેન્કોનાં ચેરમેન તથા અન્ય ક્ષેત્રનાં અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.

(3:18 pm IST)