Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૫૦ ફુટ રીંગ રોડ શિતલ પાર્ક પાસેથી ઓરિસ્સાના મજૂરને બે કિલો ગાંજા સાથે એસઓજીએ પકડ્યો

ઓરિસ્સા સુધી કનેકશન ખુલવાની શકયતાઃ યુનિવર્સિટી પોલીસે વિશેષ તપાસ આદરીઃ પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી. બી. પંડ્યા, હેડકોન્સ. મોહિતસિંહ અને રણછોડભાઇ આલની બાતમી

રાજકોટ તા. ૯: શહેરના ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચાર રસ્તાથી આગળ આર કે વર્લ્ડ ટાવરવાળી શેરીમાં એનિમલ હોસ્ટેલ પાસેથી મુળ ઓરીસ્સાના અને હાલ રાજકોટ રહી સેન્ટીંગ કામની મજૂરી કરતાં શખ્સને શહેર એસઓજીની ટીમે રૂ. ૨૦૧૫૦ના ૨.૦૧૫ કિલોગ્રામ ગાંજા સાથે પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાની સપ્લાયમાં ઓરિસ્સાનું કનેકશન ખુલવાની શકયતા છે.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ટી. બી. પંડ્યા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, હિતેષભાઇ પરમાર અને રણછોડભાઇ આલને બાતમી મળતાં શિતલ પાર્ક ચાર રસ્તા પાસે એનીમલ હોસ્ટેલ નજીક ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર પાસેથી એક શખ્સને સકંજામાં લીધો હતો. તેની પાસે ગાંજો હોવાની પાક્કી બાતમી હોઇ તેના હાથમાં રહેલા પદાર્થની ચકાસણી કરતાં ગાંજો જણાતાંએફએસએલ અધિકારી પાસે ખાત્રી કરાવતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું સ્પષ્ટ થતાં કબ્જે કરી શખ્સને પકડી લઇ પુછતાછ કરતાં પોતાનું નામ રાજીબા બનસીંગ ક્ષત્રીયા (ઉ.૪૬-રહે. હાલ શિતલ પાર્ક ચોકડી ભગવતી રેસિડેન્સીની બાજુમાં પાણીપુરીવાળાના ડેલા પાસે કુંવરજીભાઇ ભરવાડના મકાનમાં, મુળ ગામ કનકપુર તા. નારલા જી. પણહાંડી ઓરીસ્સા) હોવાનું કહેતાં તેની સામે યુનિવર્સિટી પોલીસમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના તથા પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી. બી. પંડ્યા, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, હેડકોન્સ. મોહિતસિંહ, ડી. જી. ઝાલા, કૃષ્ણસિંહ, હિતેષભાઇ, રણછોડભાઇ અને કૃષ્ણદેવસિંહે આ કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ બી. જી. ડાંગર ચલાવી રહ્યા છે. ઝડપાયેલો શખ્સ ઓરિસ્સાથી આ ગાંજો લાવ્યાની શકયતા સાથે તપાસ હાથ ધરાઇ છે. 

(12:04 pm IST)