Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કાલથી નવરાત્રીઃ એક નોરતુ ઘટે છેઃ કારતક માસમાં લગ્નના મુહુર્તો જ નહિ, માગસરમાં માત્ર ૩ મુહુર્તો

આગામી વ્રતો-તહેવારોનું શાસ્ત્રોકત માર્ગદર્શન આપતા શાસ્ત્રી અનિલપ્રસાદજી જોષી : મકરસંક્રાંતિ પછી લગ્નોત્સવની મોસમ જામશેઃ પોષ માસમાં ૧૩ દિવસ લગ્નના મુહુર્તો

રાજકોટ, તા. ૯ :. માતાજીની આરાધનાના પુનિત પર્વ નવરાત્રીનો આવતીકાલે તા. ૧૦થી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે એક નોરતુ ઓછુ છે. કાલે પહેલા નોરતા બાદ નવમા દિવસે તા. ૧૮મીએ વિજયા દશમી છે. શાસ્ત્રોકત બાબતોના નિષ્ણાંત સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદ જોષી (મો. ૯૯૧૩૫ ૩૦૦૪૭)એ સંવત ૨૦૭૪-૨૦૭૫ના આગામી વ્રત-તહેવારોના મહિમા સાથે રસપ્રદ માહિતી આપી છે.

શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ આવતીકાલથી નવરાત્રી પ્રારંભ થાય છે. બીજનો ક્ષય છે. બુધવારથી નવરાત્રી પ્રારંભ થતો હોવાથી નર્વાણ મંત્રના અનુષ્ઠાનનો મહિમા વિશેષ છે. બે છઠ્ઠ છે. બીજી છઠ્ઠે તા. ૧૫મીએ દુર્ગા સપ્તમી છે. જેમાં સવારે ૯ થી ૧૦.૩૦, સાંજે ૬ થી ૭.૧૫ અને રાત્રી ૧૦.૩૦ થી ૧૨ સરસ્વતી પૂજનનો શુભ સમય છે. શ્રીયંત્ર પૂજા, મહાપૂજા, પાદુકા પૂજા થઈ શકે. તા. ૧૭મીએ બુધવારે હવન અષ્ટમીએ નૈવેદ માટે ઉત્તમ દિવસ છે. તા. ૧૮મીએ મહાનવમી અને દશેરા છે. અસ્ત્ર, શસ્ત્ર પૂજનનો દિવસ છે. તા. ૨૪મીએ બુધવારે શરદપૂર્ણિમા છે. આંખના તેજ માટે ચંદ્રદર્શન શ્રેષ્ઠ છે. ઠાકોરજીની ફુલમાળાઓ બનાવાય. ખુલ્લા વાતાવરણમાં ચંદ્રની અમૃતવર્ષાનો લાભ લેવો જોઈએ. તા. ૩ નવેમ્બરે આસો વદી અગિયારસ છે. સવારે અથવા બપોરે ઠાકોરજીને ઘી-કેળાનું નૈવેદ ધરી પ્રસાદ લેવો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય...ના જાપ કરવા. તા. ૪ નવેમ્બરે રવિવારે વાઘ બારસ છે. તે દિવસે ગૌપૂજન અને ગૌસેવાનો અને ગૌદાનનો મહિમામાં છે. તા. ૫ નવેમ્બરે ધન તેરસ છે. આ માત્ર ધન પૂજાનો દિવસ નથી. હસ્ત નક્ષત્ર છે. રાત્રે લક્ષ્મીનારાયણની પૂજા થઈ શકે. તાંબા-પિત્તળના વાસણો અને સોના-ચાંદીની ખરીદી ઉત્તમ ગણાય.

તા. ૬ નવેમ્બર મંગળવારે કાળી ચૌદશ છે. તે દિવસે હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડના પાઠ કરી શકાય. માતાજી તથા હનુમાનજીને પ્રિય કાળા ગુલાબ જાંબુ, જલેબી, કાળી દ્રાક્ષનું નૈવેદ ધરી શકાય. રાત્રે વડાના નૈવેદ બનાવી શકાય. તા. ૭ નવેમ્બરે બુધવારે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન અને સરસ્વતી પૂજનનો મહિમા છે. જેને કલમ સાથે વિશેષ કામ રહે છે તેણે કલમ (પેન) પૂજા કરવી જોઈએ. સફેદ મિઠાઈનો ભોગ ધરાવવો. બ્રાહ્મણોને દાન કરવાનો શ્રેષ્ઠ સમય છે. તા. ૮ નવેમ્બરે નૂતન વર્ષ છે. નવા વર્ષનો આરંભ ગુરૂવારથી થાય છે તે બધા માટે લાભકર્તા રહેશે. તા. ૯ નવેમ્બરે ભાઈબીજના દિવસે ભાઈએ બહેનના ઘરે પ્રસાદ લઈ દાન કરવુ અને બહેનની સુરક્ષાની ખાત્રી આપવી. તા. ૧૨ નવેમ્બરે લાભ પાંચમ છે. તે વણજોયુ શુભ મુહુર્ત છે. ધંધાર્થીઓ તે દિવસે ધંધાનો શુભારંભ કરે છે. તા. ૧૫ નવેમ્બરે ગુરૂવારે જલારામ જયંતિ છે. તા. ૧૯મીએ તુલસી વિવાહ અને પ્રબોધીની એકાદશી છે. તા. ૨૩મીએ શુક્રવારે દેવદિવાળીના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવી.

લગ્નના શુભ મુહુર્તો

શ્રી અનિલપ્રસાદજી જોષીના જણાવ્યા મુજબ નવા વર્ષમાં કારતક મહિનામાં લગ્નના મુહુર્તો નથી. માગસર મહિમામા માત્ર ૩ મુહુર્તો છે. તા. ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ સુધી કમુહુર્તા છે. આવતા માર્ચ માસ સુધીના લગ્નોના મુહુર્તો નીચે મુજબ છે.

માગસર માસ

સુદ-૩ તા. ૧૦ ડીસેમ્બર

સુદ-૫ તા. ૧૨ ડીસેમ્બર

સુદ-૬ તા. ૧૩ ડીસેમ્બર

પોષ માસ

સુદ-૧૧ તા. ૧૭ જાન્યુઆરી

સુદ-૧૨ તા. ૧૮ જાન્યુઆરી

સુદ-૧૩ તા. ૧૯ જાન્યુઆરી

વદ-૨ તા. ૨૨ જાન્યુઆરી

વદ-૨ તા. ૨૩ જાન્યુઆરી

વદ-૪ તા. ૨૪ જાન્યુઆરી

વદ-૫ તા. ૨૫ જાન્યુઆરી

વદ-૬ તા. ૨૬ જાન્યુઆરી

વદ-૭ તા. ૨૭ જાન્યુઆરી

વદ-૮ તા. ૨૮ જાન્યુઆરી

વદ-૯ તા. ૨૯ જાન્યુઆરી

વદ-૧૧ તા. ૩૧ જાન્યુઆરી

વદ-૧૨ તા. ૧ ફેબ્રુઆરી

મહા માસ

સુદ-૩ તા. ૮ ફેબ્રુઆરી

સુદ-૪ તા. ૯ ફેબ્રુઆરી

સુદ-૫ તા. ૧૦ ફેબ્રુઆરી (વસંત પંચમી)

સુદ-૧૦ તા. ૧૫ ફેબ્રુઆરી

સુદ-પૂનમ તા. ૧૯ ફેબ્રુઆરી

વદ-૬ તા. ૨૪ ફેબ્રુઆરી

વદ-૭ તા. ૨૫ ફેબ્રુઆરી

વદ-૮ તા. ૨૬ ફેબ્રુઆરી

વદ-૧૨ તા. ૩ માર્ચ

ફાગણ માસ

સુદ-૨ તા. ૮ માર્ચ

સુદ-૩ તા. ૯ માર્ચ

સુદ-૪ તા. ૧૦ માર્ચ

સુદ-૭ તા. ૧૩ માર્ચ

(4:00 pm IST)