Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સ્‍વચ્‍છતા માટે ‘ક્‍લીનેથોન' ૪૦૦ શાળા - કોલેજના શિક્ષકોને ૧૫મીથી તાલીમ અપાશે

૧૫ થી ૩૦ નવેમ્‍બર વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાના પાઠ ભણાવવા પ્રેકટીકલ કરાવાશે : ૧૦મી ડીસેમ્‍બરે ૫૦ હજાર વિદ્યાર્થીઓ ‘સ્‍વચ્‍છતા'ની પરિક્ષા આપશે : શાળા - કોલેજ સંચાલકો સાથે બેઠક યોજતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૯ : શહેરને દેશનું સ્‍વચ્‍છ શહેર બનાવવાની નેમ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કાર્યોનું આયોજન થઇ રહયું છે જે અંતર્ગત એક નવી પહેલ રૂપે ક્‍લીનેથોન'નું ભવ્‍ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં શાળા અને કોલેજોના હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવરી લેવામાં આવશે. આજે આ મેગા ઇવેન્‍ટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર બિનાબેન  આચાર્યના અધ્‍યક્ષ સ્‍થાને શહેરના સ્‍કૂલ-કોલેજોના સંચાલકો સાથે એક મહત્‍વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્‍ય હતું. જેમાં ડેપ્‍યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમિટીનાં ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તેમજ ડેપ્‍યુટી કમિશનરશ્રીઓ ચેતન ગણાત્રા તથા શ્રી ચેતન નંદાણી, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલ, મંત્રી  અવધેશભાઈ કાનગડ, ઉપરાંત સર્વશ્રી રાજકુમાર ઉપાધ્‍યાય, હાજીભાઈ, તેજસભાઈ પટેલ, હારૂનભાઈ નાકરાણી, અજયભાઈ રાજાની, વિનુભાઈ લોખિલ, કેતનભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ ટાંક વગેરે મહાનુભાવો સહિત મોટી સંખ્‍યામાં સંચાલકો ઉપસ્‍થિત રહયા હતાં.

મેયરશ્રી અને કમિશનરશ્રીએ એમ જણાવ્‍યું હતું કે, ‘ઘન કચરા વ્‍યવસ્‍થાપન અને સ્‍વચ્‍છ ભારત મિશન' અંગેનો અભ્‍યાસક્રમ તૈયાર કરવામાં આવ્‍યો છે. આ અભ્‍યાસક્રમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે માસ્‍ટર ટ્રેનર્સ શિક્ષકોને આગામી તા. ૧૫ ઓક્‍ટોબર સુધીમાં તાલીમબધ્‍ધ કરવામાં આવશે. તેઓ દ્વારા રાજકોટની અંદાજે ૪૦૦ જેટલી શાળા તેમજ કોલેજોમાં ધોરણ પાંચ કે તેથી ઉપરના વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાનો પથ અને સ્‍વચ્‍છતાનો સંદેશ તા. ૧૫ નવેમ્‍બર સુધીમાં પહોંચાડવામાં આવશે. જે બાદ તા. ૧૬ નવેમ્‍બર થી ૩૦ નવેમ્‍બર દરમ્‍યાન આ તમામ શાળા તેમજ કોલેજો દ્વારા સ્‍વચ્‍છમંચ થાકી વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાનું પ્રેક્‍ટીકલ જ્ઞાન મળી રહે તે માટે Anti Plastic Drive, Park Cleanup, River Cleanup, Printing at Different Awas  Yojana, Litter free street, Green neighborhood જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. ત્‍યારબાદ ૧૦ ડિસેમ્‍બરને સોમવારના એટલે કે હ્યુમન રાઈટ્‍સ ડે' ના એક જ દિવસે એકી સાથે ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓની ૩૦ મિનિટની નાની પરીક્ષા લઇ તેઓને મળેલ તાલીમ મજબુત બનાવવામાં આવશે અને આમ રચાશે સ્‍વચ્‍છતાની મેરેથોન - ક્‍લીનેથોન'.

મેયર બિનાબેન આચાર્યએ એમ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનાં સૂચન મુજબ રાજકોટનાં લોકો અને મહાનગરપાલિકા સાથે મળીને શહેરને દેશનું નંબર વન શહેર બનાવે તેવી અપીલ કરૂ છું. આગામી ૧૦ ડિસેમ્‍બરને સોમવારના એટલે કે હ્યુમન રાઈટ્‍સ ડે'ના એક જ દિવસે એકી સાથે ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓની ૩૦ મિનિટની નાની પરીક્ષા લઇ તેઓના સ્‍વચ્‍છતા અંગેના જ્ઞાનની ચકાસણી કરી તેઓને સ્‍વચ્‍છતા અને વધુ ને વધુ પ્રોત્‍સાહિત કરવામાં આવશે.  શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલે સ્‍વચ્‍છતા અંગે બાળકોને જાગૃત કરવા માટેના આ આયોજનમાં એક લાખ જેટલા છાત્રો ભાગ લેશે તેવી મહાનગરપાલિકાને ખાતરી આપી હતી. તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)