Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મેયરનાં વોર્ડમાં પાણીનો વેડફાટવોર્ડ નં-૧૦માં આખી રાત પાણીની નદી વહી

કોન્ટ્રાકટરની બેદરકારીઃ વાલ્વ ચાલુ રહી જતાં ઘનશ્યામનગર-પુષ્કરધામનું પાણી છેક એ.જી. ચોક પહોંચ્યું: લાખો લીટર કિંમતી પાણીના બગાડ કરનારા સામે પગલા લ્યોઃ વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયાની માંગ

રાજકોટ તા.૯: શહેરને પાણી પુરૂ પાડતા આજી-ન્યારી- ભાદર ડેમમાં આ વર્ષે અપુરતો જળજથ્થો સંગ્રહ થયો છે. ત્યારે નર્મદાનું પાણી ખરીદીને શહેરીજનોને દરરોજ ૨૦ લીટર પાણી અપાઇ રહયું છે. ત્યારે કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે મેયરનાં જ વોર્ડમાં આ કિંમતી પાણીનો વેડફાટ થતાં આ બાબતે જવાબદારો સામે પગલા લેવા વિપક્ષ કોંગ્રેસનાં ઉપનેતા મનસુખભાઇ કાલરિયાએ માંગ ઉઠાવી છે.

આ અંગે મનસુખભાઇ કાલરિયાની યાદીમાં જણાવાયું છે કે મેયર બીનાબેન આચાર્ય જે વોર્ડમાંથી ચૂંટાયા છે તે વોર્ડનં-૧૦માં ઘનશ્યામ નગર મેઇન રોડ તથા પુષ્કરધામ વિસ્તારમાં ગઇ આખી રાત પાણી વિતરણ ચાલુ રહી ગયેલ પરિણામે વિસ્તારવાસીઓનાં પાણીનાં ટાંકાઓ ઓવરફલો થઇ જવા પામતાં રોડ ઉપર પાણીની નદી વહી હતી અને આખીરાત આ પ્રકારે પાણી ચાલુ રહેતા પાણીની નદી કાલાવડ રોડ ઉપર થઇને છેક એ.જી. ચોક સુધી પહોંચી હતી. દરમિયાન વહેલી સવારે આ બાબતે આ વિસ્તારનાં કોર્પોરેટર મનસુખ કાલરિયાએ એન્જીનિયરોનું ધ્યાન દોરતા તેઓએ દોડધામ કરી પાણી બંધ કરાવેલ. પરંતુ આખી રાત લાખો લીટર કિંમતી પાણી વહી ગયું તે માટે બેદરકારી દાખવનાર જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલા લેવા જોઇએ તેવી માંગ શ્રી કાલરિયાએ આ તકે ઉઠાવી છે.

(3:40 pm IST)