Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નાટ્ય અને નૃત્યના અદકેરા કલાકાર સ્વ.ઇલાબેન માંકડ

એક વખતના (૧૯૫૫-૬૦) પ્રખ્યાત નાટક 'ધન્ય સૌરાષ્ટ્ર ધરણી'માં વેગડાજી ભીલની ભૂમિકામાં અમૃત જાની તથા રાજલની ભૂમિકામાં ઈલા માંકડ

તે વખતે, મનોરંજનનું ફિલ્મ સિવાયનું હાથવગું એક માત્ર સાધન હતુ રેડિયો. રાજકોટ રેડિયોના કાર્યક્રમોમાં નાટકો અગ્રસ્થાને હતા અને એ નાટકોના સ્ત્રી કલાકારોમાં શિખર સ્થાને ગણાવાયેલ તા. ૩૦-૯ના જેમનું દેહાવસાન થયુ તે ૮૩ વર્ષીય ઇલાબેન માંકડ. રાજકોટ રેડિયો શરૂ થયાના ટુંકા ગાળામાં જ તેના નાટય કલાકારની માન્યતા મેળવી એ ગ્રેડ તેઓએ પ્રાપ્ત કર્યો. ગીજુભાઇ વ્યાસ, હરસુખ કિકાણી, હેમુ ગઢવી, હસમુખ રાવલ વિ.જેવા વિદ્વાન નાટય નિષ્પાદકોના કવળા સાસરિયા જેવા સેંકડો નાટકો ઓપેરા અને સંગીતીકાઓમાં ચિરંજીવ સ્વરાભિનયની કમાલ તેઓએ શ્રોતાઓને અનુભૂત કરાવી.

તેઓ દોઢેક દશક, અંદાજીત ૧૯૫૫ થી ૬૫-૭૦ દરમિયાન સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી (જૂની વિરાણી હાઇસ્કૂલ) સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર જેવી તે વખતની ખ્યાતી પ્રાપ્ત સંસ્થાઓના સંખ્યાબધ્ધ રંગભૂમિ નાટકોમાં દર્શનિય અભિનેત્રી તરીકે પણ તખ્તાની શોભા વધારી. અમૃત જાની, બાપાલાલ રાવલ તથા અરવિંદ ધોળકીયા જેવા બળુકા રંગકર્મીઓ સાથે તેઓ સવિશેષ જોડાયેલ હતા. તે વખતના પ્રખ્યાત નાટક ધન્ય સૌરાષ્ટ્ર ધરણીમાં અમૃત જાની (વેગડાજી ભીલ) સાથેની તેની પુત્રી રાજલની ભૂમિકા ખૂબ જ સરાહાઇ. આ નાટકે મુંબઇમાં પણ વાવટા લહેરાવ્યા હતા.

ઇલાબહેને તે સમયે (લગભગ ૫૫-૬૦ વર્ષ પૂર્વે) પ્રાચીન સાથોસાથ અર્વાચિન (શાસ્ત્રીય) નર્તન સ્વરૂપેના બહેનોના રાસ ગરબા ગૃપના અવિષ્કારની ભેટ આપી હતી. મૃદુલ મંઝુલ નામનુ તેમનું આ નર્તન વૃંદ, ખૂબ જ ખ્યાતીને વર્યુ. તેમની દરેક અર્વાચીન નૃત્ય કૃતિઓ બિલકુલ નાવિન્યસભર, તે સમયે સૌને ફીલ થતી હોઇ, પ્રેક્ષકો પર જાદુઇ અસર ઉપજાવતી. પછીના વર્ષોમાં આ મૃદુલ મંઝલ વૃંદના નર્તનોમાંથી પ્રેરણા લઇ, ઠીકઠીક નર્તન વૃંદો બહેનોના સ્થપાયા અને એ પ્રકારના પ્રાચીનની સાથોસાથ અર્વાચીન (શાસ્ત્રીય) પ્રકારના રાસ ગરબા રજૂ કરતા થયા.

ઇલા બહેનના નાના બહેન સ્વ.હર્ષાબેન પણ ત્રણેય માધ્યમોના જોમવંતા કલાકાર હતા. આ લખનાર તથા ઇલાબહેન, રેડીયો નાટકના સહ સ્વરાભિનયકાર તથા જમીન વિકાસ બેંકના સાથી કર્મચારી નાતે નજીકથી જોડાયેલ હતા. બેંકના તે વખતના ચેરમેન ઉદયભાણસિંહજી પોતે કલા આર્ષદ્રષ્ટા, જ્ઞાતા અભ્યાસુ પ્રોત્સાહક હતા. એટલુ જ નહી સૌરાષ્ટ્ર સરકારની સાંસ્કૃતિક સંસ્થા, સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીના ચેરમેન પણ હતા. ઉદયભાણસિંહજી પર કલાકાર તરીકેનો પોતાના ભાવનો ઉપયોગ કરી ઇલાબહેને જ.વિ.બેંકના કોઇપણ કર્મચારી કલાકાર તથા રમતવીરને પોતાની કલા રમત ઇવેન્ટ માટે બહારગામ જવાનુ થાય ત્યારે સ્પેશ્યલ લીવ (ખાસ રજા) આપવાનો ઠરાવ કરાવ્યો હતો.

જેનો લાભ તેઓ સાથોસાથ મને સૌથી વધુ મારી રંગકર્મ પ્રવૃતિ વખતે મળતો રહ્યો. નાની બહેનો, ભાઇ ભાંડરડાની દુન્યવી જવાબદારી નિભાવવા આજીવન અપરણીત રહીને પણ પોતાના કલા કર્મને અદકેરો દરજજો અપાવનાર એક વખતના બહુમુખી પ્રતિભા ઇલાબહેન હેટ્સ ટુ યુ !!

કૌશિક સિંધવ મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:33 pm IST)