Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુલાબનગરના બે મિત્રો યશ અને રાજના ડેમમાં ડૂબી જતાં મોતઃ બાવાજી અને ગઢવી પરિવારજનોમાં કલ્‍પાંત

યશ એક બહેનથી મોટો અને રાજ ત્રણ બહેનનો એક જ ભાઇ હતોઃ બંને સરદાર સ્‍કૂલમાં ધો-૧૦માં ભણતા હતાં: એક ન્‍હાવા પડતાં ડુબ્‍યો, બીજો બચાવવા કૂદતાં તે પણ ડૂબી ગયો

રાજકોટ તા. ૯: કોઠારીયા સોલવન્‍ટ પાસે ગુલાબનગરમાં રહેતાં અને સરદાર સ્‍કૂલમાં ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતાં બે મિત્રો યશ દિપકભાઇ દાણીધારીયા (બાવાજી) (ઉ.૧૫) અને રાજ રાજેશભાઇ દાતી (ગઢવી) (ઉ.૧૬) ગઇકાલે બપોર બાદ ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્‍યા બાદ નજીકના લાપાસરી રોડ પરના રોટરી ડેમમાં ન્‍હાવા પડતાં ડુબી જતાં બંનેના મોત નિપજતાં પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો છે. બંને તેના માતા-પિતાના એકના એક પુત્ર હતાં. યશને એક બહે છે અને રાજને ત્રણ બહેનો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગઇકાલે બપોરે શાળાએથી છુટીને આવ્‍યા બાદ યશ અને રાજ બંને રમવા નીકળ્‍યા હતાં. તેની સાથે ત્રીજો એક મિત્ર પણ હતો. ત્રણેય લાપાસરી રોડના રોટરી ડેમે પહોંચ્‍યા હતાં. જ્‍યાં રાજ ન્‍હાવા પડયો હતો અને તરતા ઓછુ આવડતું હોઇ ડુબવા માંડતા મિત્ર યશ તેને બચાવવા જતાં તે પણ ડૂબવા માંડયો હતો. આ જોઇ ત્રીજો મિત્ર ગભરાઇ ગયો હતો અને નીકળી ગયો હતો. દરમિયાન ગુલાબનગરના કેટલાક યુવાનો ડેમ પાસે ફોટા પાડવા આવતાં તેણે બે છોકરાઓને ડૂબતા જોતાં ચંદુભાઇ નામના જાગૃત યુવાને ફાયર બ્રિગેડને જાણ કરતાં જવાનોએ પહોંચી બંંનેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજ્‍યા હતાં.

યશ એક બહેનથી મોટો હતો. તેના પિતા સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં વેલ્‍ડીંગનું કારખાનુ ધરાવે છે. જ્‍યારે રાજ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના પિતા મજુરી કરે છે. બંને મિત્રો સરદાર સ્‍કૂલમાં સાથે જ ધોરણ દસમાં ભણતા હતાં. બનાવથી બાવાજી અને ગઢવી પરિવારોમાં ગમગીની છવાઇ ગઇ છે. આજીડેમ પોલીસ મથકના હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ચાવડા અને દિગુભા રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)