Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુજરાતમાં જેટલા પરપ્રાંતિઓ વસે છે તેનાથી વધુ ગુજરાતીઓ અન્‍ય પ્રાંતોમાં વસે છે એ ન ભૂલો !

બંધારણની વિરૂદ્ધ જઇ કાયદો હાથમાં લેનારાઓ સામે કડક પગલાની જરૂરઃ મનરેગા ડીરેકટર ગીરીશ પરમારનો ધ્રુજારો

રાજકોટ, તા. ૯ : ૧૪ માસની બાળકી ઉપર થયેલ દુષ્‍કર્મનો આશરો લઇ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી પરપ્રાંતિ મજૂર લોકો ઉતર થતા સતત અનેક શહેરો-ગામોમાં થતા હુમલા માલ-મિલ્‍કતને નુકશાન કરવાની ઘટના વખોડનીય હોવાનું મનરેગાના ડરીકેરટ ગીરીશ પરમારે જણાવ્‍યું છે.

તેમણે જણાવ્‍યું છે કે આ દેશમાં દરેક લોકોને સમાન અધિકારો મળેલા છે. દેશનો કોઇપણ નાગરિક દેશમાં કોઇપણ રાજયમાં, કોઇપણ શહેર-ગામમાં જઇ શકે છે, રહી શકે છે. સંપત્તી ધારણ કરી શકે છે, સતા ધારણ કરી શકે છે, આવી આપણી લોકતાંત્રીક, બંધારણીય વ્‍યવસ્‍થા છે.

પરંતુ ગણ્‍યા ગાઠયા લોકો બંધારણની વિરૂદ્ધ જઇ કાયદો હાથમાં લઇ ફાંસીવાદી પ્રવૃતિ કરી પરપ્રાંતિ આપણા રાષ્‍ટ્રબાંધવોને જે દુઃખ આપી રહ્યા છે જે ખૂબજ દુઃખદ ઘટના છે. આવી ઘટનાથી સમગ્ર ગુજરાતના સવા છ કરોડ ગુજરાતીઓની આબરૂનું દેશમાં અને દુનિયામાં ધોવાણ થઇ રહેલ છે જે નીંદનીય અને અફસોસજનક બાબત છે.

આવા બંધારણની વિરૂદ્ધ જનારા લોકોએ ગુજરાતની શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કરેલ છે. જેની સામે કાયદાકીય કડકમાં કડક કાર્યવાહી કરી દેશદ્રોહી પ્રવૃતિ કડક હાથે ડામી દેવી અત્‍યંત આવશ્‍યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જેટલા પરપ્રાંતિઓ વસે છે તેના કરતા વધારે ગુજરાતીઓ દેશના અન્‍ય પ્રાંતોમાં વસે છે તેઓ તથા પરપ્રાંતિ જ છે એ યાદ રાખવું, તેમની સલામતી અંગે વિચારવું પણ ખૂબ જ જરૂરી છે.

ગુજરાત પરપ્રાંતિ વગર અધુરૂ છે કારણે કે જો ૧૦૦% પરપ્રાંતિઓ ગુજરાતમાંથી જતા રહે તો ગુજરાતના ધંધા-રોજગાર ઉપર ખૂબજ વિપરીત અસર પડે એમ છે અને ગુજરાતને ખૂબજ મોટુ નુકશાન પણ થઇ શકે. જયારે કોઇ અન્‍ય પ્રાંતમાંથી રોજગાર-ધંધા અર્થે જયારે ગુજરાતમાં આવે ત્‍યારે એ ગુજરાત ઉપર, ગુજરાતી ઉપર વિશ્વાસ મૂકીને આવતા હોય છે. તેઓને તેમની સલામતી અને રોજગાર અને આપણા ઉપર વિશ્વાસ હોય છે.

ત્‍યારે આપણી ગુજરાતી તરીકે ફરજ બને છે કે દરેક આવનાર પરપ્રાંતિ ભાઇ બહેનની સંપૂર્ણ સુરક્ષા જળવાઇ, શોષણ ના થાય, તેઓના જાન-માલને કોઇપણ પ્રકારનું નુકશાન ના થાય તેઓ ભયના માહોલમાં ના રહે તેમની સ્‍વતંત્રતા જળવાઇ રહે એ ધ્‍યાન રાખવું. આપણી ફરજ છે તેમ અંતમાં મનરેગા ડીરેકટર ગીરીશ એચ. પરમાર (મો. ૯૯રપ૬ ૧૯ર૧૮) એ જણાવેલ છે.

(2:40 pm IST)