Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રઝાનગરના ૪૧ તાજીયા કયાંય નહીં ફરે

જંગલેશ્વર વિસ્તારમાં ૭૫ જેટલી સબિલો દ્વારા શહીદોની યાદમાં ખાણીપીણીનું ભરપૂર વિતરણ : ઝળહળતી રોશની સહિત તાજીયાના દર્શનાર્થે પધારવા હિન્દુ-મુસ્લિમોને આમંત્રણ આપતા અગ્રણીઓ

રાજકોટ, તા. ૯ :. રઝાનગર (જંગલેશ્વર)માં બનાવવામાં આવેલ ૪૧ તાજીયા તેમજ આ વિસ્તારની ૭૫થી વધુ સબિલો તથા દુલદુલ તથા ૧૫ ડોલીસેજ. આજે સાંજે ૬.૦૦ વાગ્યે તમામ તાજીયા પોતપોતાના માતમમાં આવી જશે જેથી ઈમામ હુશેનની યાદમાં બનાવવામાં આવેલ હુશેની જન્નતના દિદાર કરવા સમસ્ત રઝાનગરના મુસ્લિમ બીરાદરો દ્વારા રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી હિન્દુ-મુસ્લિમ જનતાને પધારવા અને હુશેની યાદમાં સામીલ થવા આમંત્રણ આપવામાં આવેલ છે.

સમસ્ત રઝાનગર (જંગલેશ્વર)માં દરેક હુશેની કમીટીના ભાઈઓ તરફથી સુંદર લાઈટ ડેકોરેશન દ્વારા કલાત્મક રીતે સજાવેલ છે. જેમાં હસનશાપીરની દરગાહ પાસે હાજીઅલીની દરગાહ તથા ગોકુલનગર પાસે સુંદર સુશોભીત ગેઈટ તથા લાઈટ ડેકોરેશન નુરાની ચોકમાં સુંદર ડેકોરેશન તથા તવક્કલ ચોકમાં ઈલેકટ્રીક લેમ્પ તથા લાઈટની સીરીજો તથા અંકુર સોસાયટીમાં સુંદર સુશોભન કરવામાં આવેલ છે. તેમજ મહાત્મા ગાંધી સોસાયટી, ગ્રીન પાર્ક, અંકુર સોસાયટી તથા ભરતવન તેમજ રઝાનગર સોરઠીયા વે બ્રીજથી ૫૦ ફુટના ઢાળીયેથી શરૂ કરી એકતા કોલોની, શાળા નં. ૭૦, ગોકુલનગર, હુશેની ચોક, કનૈયા પાર્ક, બગદાદ ચોક, નુરાની ચોક, જંગલેશ્વર, હુસેની ચોક ત્યાંથી તવક્કલ ચોક અને આઝાદ ચોકથી હઝરત બિલાલ ચોક, મ્યુ. આવાસ યોજનાના કવાર્ટર, અંકુર સોસાયટીથી ભવાની ચોક અને પ્રણામી ચોકથી મદ્રેસા-એ-રઝાએ નૂર સુધી લાઈટ ડેકોરેશન અને વિવિધ સુશોભિત છબીલો અને આજ રાત્રે તમામ માતમમાં રહેતા તાજીયાના દિદાર કરવાનો અનેરો લ્હાવો છે.

સમગ્ર રઝાનગર વિસ્તારમાં આશરે ૭૦થી વધુ ગ્રુપો દ્વારા પાણીપુરી, ચણા-બટેટા, ભેળ, રગડો, વડાપાંઉ, ખમણ ઢોંકળા, ભજીયા, ઘુઘરા, ફાફડા ગાંઠીયા વગેરે ખાણીપીણીના સ્ટોલો દ્વારા ફ્રી ન્યાઝના રૂપમાં વેજીટેરીયન નાસ્તા કોઈપણ જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે.

તેમજ દૂધ, કોલ્ડ્રીંકસ, સરબત, દુધપાક, ગરમ દૂધ, ચા-કોફી, બોર્નવીટા વગેરે સાથે ગરમા ગરમ કાવો તદ્દન ફ્રી હુસેની ન્યાઝના રૂપમાં આપવામાં આવે છે.  ખાસ કરીને રાજકોટ શહેરમાંથી 'હુશેની જન્નત'ના દિદાર કરવા અને તાજીયા જોવા આવતા ભાઈઓ-બહેનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા નીચે મુજબ છે.

(૧) ૮૦ ફુટ રોડ સોરઠીયા વે બ્રીજ તરફથી આવતા વાહનો માટે શાળા નં. ૭૦ના મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા, (૨) દેવપરા ૮૦ ફુટ રોડથી આવતા વાહનો હશનશાપીરની દરગાહ પહેલા નિલકંઠ પાર્કના મેદાનમાં પાર્ક કરવા, (૩) નિલકંઠ ટોકીઝથી આગળ આવતા વાહનો હશનશાપીરની દરગાહ પહેલાના ચોકમાં પાર્કિંગ વ્યવસ્થા રાખેલ છે, (૪) આહીરવાસ તથા હુડકો કવાટર્સ તરફથી આવતા વાહનો તથા ભવાની ચોક તરફથી આ વતા વાહનો અંકુર સોસાયટી, બીલાલ ચોક તેમજ ભવાની ચોક પાસે કરવાની વ્યવસ્થા છે.

મંગળવાર પુરો દિવસ ખાસ કરીને સાંજના ૪.૦૦ વાગ્યાથી રઝાનગરમાં હુશેની શાનમાં દિદાર કરવા આવતા તમામ શ્રધ્ધાળુ ભાઈ-બહેનોએ પોતપોતાના વાહનો પાર્કિંગ કરીને જ આ વિસ્તારમાં પગપાળા આવવા હુશેની ગમમાં સામીલ થવા સાથ અને સહકાર આપવા રહીમભાઈ સોરા, હાજી બાબુભાઈ વિસળ, બાબુભાઈ ઠેબા, હનીફભાઈ જેસાણી, હાજી રહેમાનભાઈ ડાકોરા, હાજીભાઈ ઓડીયા, હાસમભાઈ મેતાજી, સૈયદ મુન્નાબાપુ, સૈયદ જુમ્માબાપુ, આમેદભાઈ નાય, ઈબ્રાહીમભાઈ સોરા, ઈકબાલભાઈ લીંગડીયા, હબીબભાઈ સોઢા, નાસીરભાઈ ઠેબા, અમીનભાઈ સમા તેમજ અલરઝા સોશ્યલ ગ્રુપ, ચીશ્તીયા ગ્રુપ, પંજેતન સબીલ કમીટી તેમજ દરેક સબીલ કમીટી તથા ન્યાઝ કમીટીના હુશેની સૈનિકો તરફથી જણાવાયુ છે.

તથા સાંજે ૮.૦૦ વાગ્યાથી મહોરમ પર્વની પૂર્ણાહુતિ સુધી દેવપરા, નિલકંઠ પાર્ક, ૮૦ ફૂટ રોડના છેડે, જંગલેશ્વર મેઈન રોડ ઉપર ચિશ્તીયા ગ્રુપ દ્વારા નાત શરીફનો જલ્સો અને સલામો પેશ કરવામાં આવશે.

(4:16 pm IST)