Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પૂ.રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના કરકમલમાં મુમુક્ષ હિરલબેનની દિક્ષા આજ્ઞા અર્પણઃ ૧૮ નવેમ્બરે દીક્ષા

રાજકોટ,તા.૯:  કોલકત્તાની ધરા પર, રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજમાં  ૩૨૨ થી વધારે તપસ્વી ભાવિકોના બહુમૂલ્ય સન્માન સાથે એક આત્માને સંયમ પંથ પર પ્રયાણ કરવા માટે માતા-પિતા તરફથી દીક્ષાની આજ્ઞા અર્પણ કરવામાં આવી હતી.

શ્રી પારસધામ સંઘ કોલકત્તાના ઉપક્રમે છત્રીસ છત્રીસ સંત-સતીજીઓના સાંનિધ્યે વ્યતીત થઈ રહેલાં શ્રી જ્ઞાનગંગામય ચાતુર્માસમાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના સાંનિધ્યે કોલકત્તાના પારસધામ, શ્રી કામાણી સંઘ, શ્રી ટોલીગંજ સંઘ, શ્રી બડા બજાર સંઘ,તેમજ શ્રી લીલવા સંઘ આદિ શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ પર્વાધિરાજ પર્વ દરમ્યાન અનેક અનેક ભાવિકોએ કરેલી ઉગ્ર તપશ્યર્યાની અનુમોદના કરતી પદયાત્રા પર્વાધિરાજમાં ૩૭ ઉપવાસની ઉગ્ર તપશ્યર્યા કરનારા શ્રી જયેશભાઈ વસાણીના નિવાસસ્થાનેથી પ્રારંભ થઈને તપશ્ચર્યાના અનુમોદના ગાન ગુંજવતી શ્રી ડુંગર દરબારના વિશાળ પ્રાંગણમાં પહોંચી હતી.

આ પદ યાત્રાના વિરામ સાથે જ આ અવસરે પૂજય ગુરૂ ભગવંતની પ્રેરણાથી છેલ્લા એક મહિનાથી દ્રવ્ય તપ કરીને કર્મ ક્ષય કરનાર એવા ૪ વર્ષથી ૧૫ વર્ષના ૮૦ બાલ તપસ્વીઓના અહોભાવની સલામી સાથે થયેલાં પ્રવેશ વધામણાં સાથે સમગ્ર સ્થાનકવાસી સમાજમાં એક નવી પ્રેરણાં આપતાં માસક્ષમણ તપના ૨૫ ભાવિકો, ધર્મચક્ર તપ કરનારા ૬૦ ભાવિકો, સિદ્ધિતપ કરનારા ૮ ભાવિકો, ૧૬ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૧૧ ઉપવાસ, તેમજ અઠ્ઠાઈ-નવાઈ તપ મળીને ૩૨૨થી વધારે તપસ્વી આરાધકોના મસ્તકે ગૌરવવંતી પાઘડી પહેરાવીને એમના અહોભાવથી પ્રવેશ વધામણાં કરાવવામાં આવ્યાં હતાં. એ સાથે જ, દરેક બાલ તપસ્વીને તપસ્વીના મેડલ અને જીવનભરની તપસ્મૃતિ સ્વરૂપ ફોટોફ્રેમ અર્પણ કરીને એમની તપસ્યાને સન્માનિત કરવામાં આવી હતી.

માતુશ્રી તારાબેન મોદી પરિવાર તેમજ શ્રી ભાવિનીબેન ગોસલીયા પરિવાર તરફથી કરવામાં આવેલાં દરેક તપસ્વીઓના આ સન્માન બાદ આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના ચરણ- શરણમાં સંયમ ગ્રહણ કરીને ગોંડલ સંપ્રદાયના આદ્ય ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના પરિવારમાં પ્રવેશવા માટે થનગનાટ કરી રહેલા મુમુક્ષુ કુમારી  હિરલબેન કેતનભાઈ જસાણીનો શ્રી ડુંગર દરબારના પ્રાંગણે પ્રવેશ થયો હતો.

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ સહુને પ્રેરિત કરતા બોધવચન ફરમાવતાં કહ્યું હતું કે, આ પંચમકાળમાં સંયમ ગ્રહણના ભાવ એવા જ આત્માને જાગતાં હોય છે. જેણે પૂર્વના જનમ જનમમાં સંયમ ધર્મની આરાધના કરી હોય આ સંસારમાં ગૃહલક્ષ્મી બનવા માટે સર્જાતી અનેક અનેક દીકરીઓ વચ્ચે કોઈક જ પરમ પુણ્યશાળી દીકરી શાસનલક્ષ્મી બનવા માટે સર્જાતી હોય છે. ધન્ય બની જતાં હોય છે એ માતા-પિતા જે પોતાનો સ્વાર્થ ત્યજીને સંતાનને શાસનના શરણમાં અર્પણ કરી દેતાં હોય છે. સિધ્ધક્ષેત્રમાં બિરાજતાં આજ સુધીના જેટલાં પણ આત્મા પરમાત્મા બન્યાં છે તે મહેલોમાં રહીને મોક્ષ નથી પામ્યા પરંતુ સંયમ ધર્મને ગ્રહણ કરીને મોક્ષ પામ્યાં છે. વધુમાં, મુમુક્ષુનાં માતા-પિતાના ભાવોની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, કન્યાદાન કરનારા લાખો માતા-પિતા વચ્ચે કોઈક જ સદ્દભાગી 'માતા-પિતા દીકરીનું' કલ્યાણદાન કરતાં હોય છે.

વિશેષમાં, મુમુક્ષુ  હિરલબેનના ભાવિને ભવ્ય બનાવનારા દીક્ષા આજ્ઞા અર્પણ પત્રના મુમુક્ષુનાં સ્વજનો દ્વારા સજાવેલી પાલખીમાં અત્યંત અહોભાવ પૂર્વ આ વધામણાં કરવામાં આવ્યાં હતાં અને એ સાથે જ, પૂજય ગુરુ ભગવંત તેમજ છત્રીસ છત્રીસ સંત-સતીજીઓની પાવન ઉપસ્થિતિ, હજારો ભાવિકો અને ચતુર્વિધ સંઘ સમક્ષ મુમુક્ષુનાં માતા-પિતાએ આંખમાં હર્ષના અશ્રુ સાથે સર્વ સંમતિથી દીક્ષા આજ્ઞા પત્ર પર મંજુરીના હસ્તાક્ષર કરીને પૂજય ગુરૂ ભગવંતના કર કમલમાં અહોભાવથી આજ્ઞા પત્ર અર્પણ કરેલ. મુંબઈના અનન્ય ગુરૂ ભકત  માનસીબેન પરાગભાઈ શાહએ આ અવસરે મુમુક્ષુ બેનના કરકમલમાં શ્રીફળ અર્પણ કરવાનો મહા મંગલકારી લાભ લીધો હતો.

મુમુક્ષુ  હિરલબેને આ સંસારને વ્યર્થ અને તુચ્છ ગણાવીને આ સંસારમાંથી તરવાની આપનારા પૂજયગુરૂ ભગવંતને તારણહાર તરીકે ઓળખાવીને અને ધર્મના સંસ્કાર આપનારા માતા-પિતાને પરમ ઉપકારી તરીકે ઓળખાવીને સ્વયંના આંતરિક વૈરાગ્યના દર્શન કરાવ્યાં હતાં.

એ સાથે જ, મંગલ મુહૂર્તે, શુભ ઘડીએ, રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી આગામી નવેમ્બરની તા. ૧૮ સોમવારના દિને મુમુક્ષુ હિરલબેનની દીક્ષાના કલ્યાણ અવસરનું મંગલમુહૂર્તની ઉદ્ઘોષણા કરવામાં આવતાં સમગ્ર કોલકાતા સ્થાનકવાસી જૈન સમાજમાં ૩૮ વર્ષના સુદીર્ઘ સમય બાદ આવી રહેલાં દીક્ષા મહોત્સવનો અનેરો આનંદ પ્રસરાઇ ગયો હતો.

અંતમાં કલકત્તાના શ્રી નવલખા સંઘ, શ્રી કમાણી જૈન સંઘ, શ્રી પારસધામ, શ્રી ટોલીગંજ સંઘ આદિ સંઘોએ મુમુક્ષુ હિરલબેનના દીક્ષા મહોત્સવનો લાભ લેવાની ભાવભીની વિનંતી કરતાં શ્રી કોલકાતા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન ગુજરાતી સંઘ, પોલોક સ્ટ્રીટના નેતૃત્વમાં સહર્ષ આ દીક્ષા મહોત્સવની ઉજવણીનો કળશ ઢોળવામાં આવતાં હર્ષનાદ સાથે આ કાર્યક્રમ  સમાપન કરવામાં આવ્યું હતું.

(4:07 pm IST)