Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જીવન ઉત્કર્ષ માટે ઉત્તમ શિક્ષણ ચાવીરૂપ : નરેન્દ્રબાપુ

ઓનલાઈન હાજરી પ્રથમ ક્રાંતિકારી પરિવર્તન લાવશે : મોરબીમાં શિક્ષણ દિનની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન

રાજકોટ : રાજય સરકાર દ્વારા શિક્ષણદીનની ઉજવણી નિમિતે જીલ્લાવાર કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં મોરબી ખાતે જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્ર બાપુ) શિક્ષણ એ જીવન ઉત્કર્ષની ચાવી હોવાનુ જણાવી શિક્ષણનો મહિમા વર્ણવ્યો હતો.

શિક્ષકો, વિદ્યાર્થીઓ,અધિકારીઓ વગેરે ના સમુદાયને સંબોધતા જણાવ્યુ કે પ સપ્ટેમ્બર ૧૮૮૮ના દિવસે તામિલનાડુમાં જન્મેલા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષણદિન ઉજવાય છે.તેઓ પ્રખર તત્વચિંતક હતા. શિક્ષણ એ જીવન ઉત્કર્ષની ચાવી છે. શિક્ષણ થકી સમાજનો સર્વાંગી વિકાસ શકય છે. રાજય સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણની ગુણવતા વધારવા માટે અનેક પગલા લીધા છે. દર વર્ષ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ યોજાય છે. આ વખતે પ્રથમ વખત રાજયના શ્રેષ્ઠ ૯પ શિક્ષકોને એસ્કોર્ટ વાહન સાથેનું વીઆઈપીની સમકક્ષ સન્માન કરવામા આવ્યુ છે ધો. પ થી ૭માં ૭૫%થી વધુ ગુણ મેળવનારા ૩૦ હજાર વિદ્યાર્થીઓ ને મેડલ આપી સન્માન કરવામા આવ્યું છે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરીને ધ્યાને રાખી ઓનલાઇન હાજરી પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે.શિક્ષણ સુધારણા ક્ષેત્રે આ પગલુ ક્રાંતિકારી બનશે. શિક્ષણ ક્ષેત્રે સુવિધા વધારવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થઇ રહયો છે.વિદ્યાર્થી અને શિક્ષકો તેનો લાભ ઉઠાવી રાષ્ટ્રસેવા યજ્ઞમાં સહયોગી બને તે જરૂરી છે.

નરેન્દ્રબાપુ એ આજના વિદ્યાર્થીઓને આવતી કાલનું દેશનું ભવિષ્ય ગણાવી શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને તેજસ્વી વિધાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે પડધરી ટંકારાના ધારાસભ્ય લલિતભાઇ કગથરા મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, શ્રી કીશોરભાઇ ચીખલીયા-પ્રમુખશ્રી જીલ્લા પંચાયત મોરબી, શ્રી પરશોતમભાઇ સાબરીયા- ધારાસભ્ય શ્રી હળવદ, શ્રી કેતનભાઇ વીલપરા-પ્રમુખ શ્રી મોરબી નગરપાલીકા, શ્રી એસ.એમ ખટાણા-જીલ્લા વિકાસ અધિકારી શ્રી મોરબી,શ્રી મયુરભાઇ પારેખ-જીલ્લા પ્રાથમીક અધિકારી શ્રી મોરબી,શ્રી બી.એમ.સોલંકી-જીલ્લા શિક્ષણ અધિકારી મોરબી વિ. ઉપસ્થિત રહેલ.

(3:46 pm IST)