Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કોઠારીયા ગ્રામ પંચાયતની ઓફિસમાં તસ્કરના પગલાઃ કબાટો-ફાઇલો વેરવિખેરઃ ચોરીનો પ્રયાસ

પાછળ આવેલી જર્જરીત શાળાના મકાનમાં રખાતી ચાવીનો ઉપયોગઃ જાણભેદૂની શંકા

રાજકોટ તા. ૯: કોઠારીયા ગ્રામ પંચાયત બિલ્ડીંગમાં બેસતા રાજકોટ મ્યુ. કોર્પોરેશનના વોર્ડ નં. ૧૮ (બ)ની ઓફિસમાં તસ્કરો ત્રાટકતાં અને રેકર્ડ, કબાટ વેરવિખેર કરી નાંખી ચોરીનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજીડેમ પોલીસે આ બારામાં મવડી ઉમિયા ચોક જશરાજનગર-૬માં વિજય મકાનની બાજુમાં રહતાં અને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં મહેસુલી તલાટી મંત્રી તરીકે નોકરી કરતાં દર્શકભાઇ જેન્તીભાઇ હરિયાણી (ઉ.૨૪)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૫૧૧ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં તલાટીમંત્રીએ જણાવ્યું છે કે મારે કોઠારીયા ગામના રેવન્યુ કામ અને તેમાં અધ્યયન રેકર્ડ જાળવી રાખવાની કામગીરી કરવાની હોય છે. વર્ષ ૨૦૧૫ થી  કોઠારીયા ગામ રાજકોટ મહાપાલિકામાં ભળી જતાં કોઠારીયા પંચાયતનું નામ નમુના નં. ૬ હક્કપત્રકની નોંધના કાગળો તથા જમીન મહેસુલ અને શિક્ષા ઉપકરની પહોંચો તથા જે તે સમયના તલાટી મંત્રીશ્રીઓએ ઉપલી કચેરીમાં જમા કરેલી ફાઇલો, સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમોનું રેકર્ડ કોઠારીયા ગ્રામ પંચાયત બિલ્ડીંગમાં રાજકોટ વોર્ડ નં. ૧૮ (બ)ની ઓફિસ કાર્યરત છે તેમાં રાખવામાં આવ્યું હતું.

રવિવારે સવારે હું ઘરે હતો ત્યારે તલાટી મંત્રી સરફરાજભાઇએ ફોન કરી જણાવ્યું હતું કે કોઠારીયા ગ્રામ પંચાયતના તાળા તુટ્યા છે. આથી હું અને મારા મોટા ભાઇ દિવ્યેશભાઇ કોઠારીયા જતાં લોખંડની ગ્રીલ ખુલ્લી હતી અને તેનું તાળુ ગ્રીલમાં ટીંગાળેલુ દેખાયુ હતું. ડાબી બાજુના રૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતાં. જમણી બાજુના રૂમના દરવાજાનો કાચ તૂટેલો હતો. કબાટના દરવાજા પણ ખુલ્લા હતાં. તપાસ કરતાં રેકર્ડની ચોરીનો પ્રયાસ થયાની ખબર પડી હતી.

વોર્ડ ઓફિસનું કામ જયદિપભાઇ મારૂ સંભાળતા હોઇ તેને પુછતાં તેણે જણાવેલ કે ઓફિસની એક ચાવી પાછળની જુની જર્જરીત શાળાના રૂમમાં રાખતા હતાં. શનિવારે સાંજે સવા છએક વાગ્યે પટાવાળા કિશોરભાઇએ ઓફિસનું તાળુ મારી ઓફિસ બંધ કરી હતી. રવિવારે સવારે પોતે ઓફિસે આવતાં ચોરી થયાની ખબર પડી હતી. પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. તસ્કરો પાછળની જર્જરીત શાળાના રૂમમાંથી ચાવી મેળવી ત્યાંથી ઓફિસમાં આવી તાળુ ખોલી ચોરીનો પ્રયાસ થયો હોઇ જાણભેદૂની શંકાએ એએઅસાઇ નરેન્દ્રભાઇ એમ. ચાવડાએ તપાસ શરૂ કરી છે.

(1:13 pm IST)