Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પેન્શન માટે લાખો ખેડૂતો નોંધાયા, યોજનાનો ટૂંક સમયમાં વિધિવત પ્રારંભઃ રૂપાલા

ખેડૂતોને પાછલી જિંદગીમાં સ્વમાનભેર જીવવાનું બળ આપતી પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનાઃ કેન્દ્રીય કૃષિ મંત્રી અકિલાની મુલાકાતેઃ ૧૮ થી ૪૦ વર્ષ સુધીના નાના અને સીમાંત ખેડૂતો અરજદાર બનવા પાત્રઃ ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. ૩૦૦૦ મળશે

સુસ્વાગતમ્: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોતમ રૂપાલા ગઈકાલે અકિલાની મુલાકાતે આવતા અકિલા પરિવાર વતી પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષ ગણાત્રા તેમજ અકિલા પરિવારના સભ્ય ડો. અનિલ દશાણી અને જાણીતા ઘોડેશ્વાર જનકભાઈ ત્રિવેદીએ તેમને ઉમળકાભેર આવકારેલ. શ્રી રૂપાલાએ કૃષિ ક્ષેત્રની ચર્ચા ઉપરાંત અકિલા પરિવાર સાથેના સંભારણા વાગોળેલ. આ પ્રસંગે તેમના અધિક અંગત સચિવ શ્રી વિવેક ભટ્ટ, શહેર ભાજપના ઉપપ્રમુખ મનિષ ભટ્ટ, સામાજિક કાર્યકર યોગેશ પાંચાણી, અજિત ભીમજીયાણી વગેરે સાથે રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૯: ભારત સરકારના કૃષિ તથા પંચાયત વિભાગના રાજયમંત્રી અને ગુજરાત ભાજપના અગ્રીમ નેતા શ્રી પરસોતમ રૂપાલાએ ગઇકાલે અકિલા પરિવારની મુલાકાત અકિલાના આંગણે ખેડૂતલક્ષી યોજનાઓની વિશદ છણાવટ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ખેડુતોને વૃધ્ધા અવસ્થામાં માનભેર જીવવા માટેની પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાનો ટુંક સમયમાં વિધિવત પ્રારંભ થશે. આ યોજના માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે કુલ પાંચ લાખથી વધુ ખેડુતો નોંધાઇ ગયા છે. દેશના ૨ કરોડ ખેડૂતો લાભાર્થી બનવાની ધારણા છે ૯ ઓગષ્ટથી અરજી સ્વીકારવાનું શરૂ થઇ ગયું છે.

મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ કે તારીખઃ ૧-૮-૨૦૧૯ના રોજ કે ત્યારબાદ જેઓની ઉમર ૧૮ થી ૪૦ વર્ષ સુધીની હોય, ર હેકટર સુધીની ખેતીલાયક/ખેડાણ લાયક જમીનધારક એવા નાના અને સીમાંત ખેડુતો આ પેન્શન યોજનામાં વિનામૂલ્યે અરજી કરીને દાખલ થઇ શકશે. (રૂ.૩૦/ની અરજી ફીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે) મહેસૂલી રેકર્ડ ઉપર નામ ધરાવતા એક જ કુટુંબના દરેક સભ્ય ખેડૂત (પતિ અને પત્ની બંને હોય તો, તે દરેકને અલગ અલગ પણ) આ યોજના નીચે અરજી કરી શકશે.

યોજનામાં દાખલ થતી વખતની અરજદારની ઉમરને ધ્યાને લઇને પ્રતિ માસ રૂ.૫૫ થી ૨૦૦ સુધીનો ફાળો પ્રીમિયમ પેટે ભરવાનો રહેશે. સરકાર તરફથી તેટલી જ રકમનો ફાળો અરજદારના ખાતામાં જમા કરાવશે.

આ યોજના હેઠળ ખેડૂત પોતાના PM-KISAN અથવા અન્ય બેન્ક ખાતામાંથી દર માસે ઓટો ડેબીટ પધ્ધતિએ સીધો ફાળો જમા કરાવવાનો રહેશે.ખેડુત પોતાનો ફાળો ૩/૪/૬ માસનો એક સાથે ભરવાનો વિકલ્પ આપી શકશે.

આ યોજનામાં દાખલ થતાં દરેક ખેડૂતોને ''પેન્શન કાર્ડ'' આપવામાં આવશે. અરજદારની ઉમર ૬૦ વર્ષની થાય ત્યાં સુધી નિયમિત ફાળો જમા કરાવવાનો રહેશે. અરજદારની ઉમર ૬૦ વર્ષ થયા બાદ, તેને પ્રતિ માસ રૂ.૩૦૦૦ની રકમ, તે જીવે ત્યાં સુધી પેન્શન રૂપે મળશે. આ યોજના હેઠળ દાખલ થયેલ ખેડુતનું અવસાન થવાના કિસ્સામાં, જો ૬૦ વર્ષ પછી ચાલુ પેન્શને અવસાન થાય તો, અવસાન બાદ તેઓના પતિ/પત્ની (જો તેઓ આ યોજનાના સભ્યના હોય તો (માસીક રૂ.૧,૫૦૦નું ''કૌટુંબિક પેન્શન''મળશે.

શ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ જો ખેડૂતનું અવસાન ૬૦ વર્ષ પહેલા થાય તો, ૬૦ વર્ષ પછી બાકીના સમય માટે જો પતિ/પત્ની જીવીત હોય અને તે આ યોજનાના સભ્યના હોય તો અને જો તેઓ ઇચ્છે તો, બાકીના વિમિત સમય માટે ૬૦ વર્ષની ઉમર સુધીનું પ્રીમિયમ/ફાળો ભરે તો, પતિ/પત્નીને તે જીવે ત્યાં સુધી રૂ.૩૦૦૦ના દરે પેન્શન મળશે. જો જીવીત પતિ/પત્નીઆ યોજનામાં ચાલુ રહેવાનુના ઇચ્છે તો, તેઓને ખેડૂતે ભરેલી રકમ વ્યાજ સહિત પરત મળશે. જો ખેડૂતનું અવસાન ૬૦ વર્ષ પહેલા થાય તો અને તેઓના પતિ/પત્ની જીવીત ના હોય તો, ખેડુતે નક્કી કરેલા નોમીનીને ખેડૂતે ભરેલી રકમ વ્યાજ સહિત પરત મળશે.   

આ યોજનામાંથી કોઇપણ ખેડુત, યોજનામાં દાખલ થયાના પ વર્ષ બાદ બહાર નીકળી જવાનું નક્કી કરે તો, તેઓને ભરેલ રકમ બેન્ક બચત ખાતાના વ્યાજ સહીત પરત મળી શકશે. આ યોજના હેઠળ ખેડૂતે ભરવાના ફાળાની રકમ પૈકીની કોઇ પણ રકમ,રાજ્ય સરકારે કે કેન્દ્ર શાસિત પ્રદેશ,ખેડૂત વતી ભરવા માટે નિર્ણય કરી શકશે.

યોજનાનો લાભ

સરકારશ્રી આવી જ અન્ય પેન્શન યોજનાઓનો લાભ મેળવતા ખેડૂતો, સંસ્થાકીય ખેડૂતો, પૂર્વ અને વર્તમાન બંધારણીય હોદ્દો ધરાવતા. પૂર્વ કે વર્તમાન મંત્રીશ્રીઓ, ધારાસભ્યો,સંસદ સભ્યો, મ્યુ. કોર્પોરેશનના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, સરકારી કે સરકાર સહાયિત/નીચેની સંસ્થાઓના પૂર્વ કે ચાલુ કર્મચારીઓ, ઇન્કમટેકસ ભરતા ખેડૂતો, ડોકટર,એન્જીનીયર, વકીલ,ચાર્ટર્ડ એકાન્ટન્ટ, આર્કીટેકટ, જેવા વ્યવસાયિક સંસ્થાઓમાં નોંધાયેલા વ્યવસાયકારો, હોય એવા ખેડુતોને મળવાપાત્ર થશે નહી.

આ યોજનાનું અમલીકરણ ભારતીય વીમા નિગમ દ્વારા કરવામાં આવશે. તેનું મોનીટરીંગ અને નિયંત્રણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી કરશે. તેમ કૃષિ મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યુ હતુ

રાજકોટ યાર્ડની સબસીડીનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાશે

રાજકોટઃ બેડી માર્કેટયાર્ડને સરકાર તરફથી મળેલી સબસીડીની રીકવરીની નોટીસ અને બાકી સબસીડી અટકવાના મુદ્દે શ્રી રૂપાલાએ પ્રશ્નના જવાબમાં જણાવેલ કે આ માટેની કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ નીકળે તે માટે પ્રયત્નશીલ છીએ.

૯૯ યોજનાઓ લટકતી હતી, તે  પૈકી મોદી સરકારે ૩૨ પૂરી કરી

રાજકોટઃ શ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો તે વખતે અગાઉની સરકારોએ શરૂ કરેલી ૯૯ યોજનાઓ ૫ થી ૨૫ વર્ષ સુધીના સમયમાં મોડી ચાલતી હતી. યોજનાના આરંભ પછી તેને ગતિશીલ રાખવા અગાઉની સરકારે કાળજી રાખેલ નહિ. નરેન્દ્રભાઈએ આ તમામ યોજનાઓ હાથ ઉપર લીધી. અત્યાર સુધીમાં તેમાની ૩૨ યોજનાઓ પુરી કરી દેવામાં આવી છે. ગુજરાતની નર્મદા યોજનાનો પ્રારંભ જવાહરલાલ નહેરૂના વખતમાં થયેલ. નરેન્દ્રભાઈના વખતમાં તે પુરી થઈ છે. જો આ યોજના સમયસર પુરી થઈ હોત તો આજે ગુજરાતની તસ્વીર અલગ હોત.

નવી પેઢીને ખેતી તરફ વાળવાના પ્રયાસોઃ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન

અગાઉની સરકારમાં ખેડૂતો માટે સરકારની જોગવાઈ ૮ લાખ કરોડ હતી, અત્યારે ૧૪ લાખ કરોડઃ રૂપાલાઃ કૃષિ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત સક્ષમઃ પરસોતમ રૂપાલા

રાજકોટ, તા. ૯ :. કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ કે નવી પેઢીને ખેતી તરફ વાળવાની પ્રેરણા મળે તે પ્રકારે વિવિધ પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. દુનિયામાં આજે ઓર્ગેનિક વસ્તુઓની માંગ વધી રહી છે. સરકાર ઓર્ગેનિક (દેશી પદ્ધતિ આધારીત) ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. વિશ્વની ઓર્ગેનિક માંગને પુરી કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે જ છે. તેના માટે જરૂરી હવામાન અને માનવીય શકિત ભારત ધરાવે છે.

(11:56 am IST)