Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રેલવેએ વિકાસની વ્હીસલ વગાડી ઃ ગુજરાતના ૩૨ સ્ટેશનો પર સુશોભન

સંસદમાં નરહરિ અમીને પ્રશ્ન પૂછતા રેલ મંત્રીએ આપી માહિતી ઃ રાજકોટના ભકિતનગર, જામનગર, ખંભાળિયા, લાલપુર, ઓખા વગેરે સ્ટેશનોનો સમાવેશ

રાજકોટ તા. ૯ ઃ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા 'રેલવે સ્ટેશનોનાં બ્યુટીફીકેશન' બાબતે પ્રશ્ન પૂછતા મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનોના અપગ્રેડેશન - સુંદરતા માટે મોડેલ, આધુનિક અને આદર્શ સ્ટેશન યોજના જેવી ઘણી યોજનાઓ ઘડી કાઢી છે. હાલમાં સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધાઓ પૂરી પાડવાની જરૃરીયાતને આધારે 'આદર્શ સ્ટેશન યોજના' હેઠળ રેલવે સ્ટેશનોને અપગ્રેડ - સુશોભિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વિકાસ માટે ૧૨૫૩ સ્ટેશનો તારવ્યા છે, જે પૈકી અત્યાર સુધી ૧૨૧૫ સ્ટેશનો સુશોભિત કરવામાં આવ્યા છે અને બાકીના સ્ટેશનોને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં વિકસાવવાનું લક્ષ્યાંક છે. ઉપરાંત રેલવે સ્ટેશનોના મુખ્ય અપગ્રેડેશન માટેની એક નવી યોજના તાજેતરમાં શરૃ કરવામાં આવી છે, આ યોજના હેઠળ અપગ્રેડેશન માટે ૫૨ સ્ટેશનો તારવી કાઢયા છે.

'આદર્શ સ્ટેશન યોજના' હેઠળ ગુજરાતનાં આંબલી રોડ, બેચરાજી, ભકિતનગર, ભાણવડ, ભટારીયા, દાહોદ, ગાંધીધામ, ગાંધીગ્રામ, હિંમતનગર, જામનગર, કડી, ખંભાળીયા, કીમ, કોસંબા, લાલઘુર જામ, મણિનગર, નવસારી, નવુ ભુજ, ઓખા, પાલનપુર, સાબરમતી, સિધ્ધપુર, ઉધના, ઉના, ઉંઝા, વડનગર, વિજાપુર, વિસનગર, વ્યારા, ગાંધીનગર, સાબરમતી બ્રોડગેજ અને પાટણ એમ કુલ ૩૨ સ્ટેશનોનો વિકાસ કરવામાં આવ્યો છે. તદઉપરાંત 'સ્ટેશનોમાં મુખ્ય અપગ્રેડેશન યોજના' હેઠળ ગુજરાતમાં પાંચ સ્ટેશનો ઉધના, સુરત, સોમનાથ, સાબરમતી બ્રોડગેજ અને મીટર ગેજ તથા નવા ભુજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ રેલ મંત્રીએ સાંસદ શ્રી નરહરિ અમીનને પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી.

(3:58 pm IST)