Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રોગચાળાનો ઉપાડોઃ મચ્‍છર જન્‍ય રોગના ૧૨ - ઝાડા - ઉલ્‍ટી - તાવના ૫૫૦ કેસ

ગત સપ્‍તાહે શહેરમાં ડેન્‍ગ્‍યુના ૧૨, મેલેરીયા તથા ચિકનગુનિયાના ૧ દર્દી તંત્રના ચોપડે નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૯૨ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍યને પડકારને પહોંચી વળવા મનપાની આરોગ્‍ય શાખા દ્વારા ગત સપ્‍તાહે વિવિધ વિસ્‍તારમાં ૭૯ હજાર ઘરોમાં પોરાનાશક તથા ૨૩૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે તે વખતની તસ્‍વીર.

રાજકોટ તા. ૮ : ચોમાસાની ઋતુ દરમ્‍યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્‍યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્‍ગ્‍યૂ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.
શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૫૬ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના ૧૨ દર્દીઓ નોંધાયા છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧ થી ૭ ઓગષ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છજન્‍ય રોગચાળાના ૧૨ કેસ
અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૧૦ તથા ચિકનગુનિયાનો ૧ સહિત કુલ ૧૨ કેસ નોંધાયા છે. જ્‍યારે સીઝનના મેલેરિયાના ૧૫, ડેન્‍ગ્‍યુના ૩૬ તથા ચિકનગુનિયાના ૧૩ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૫૫૬ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૫૯ તેમજ સામાન્‍ય તાવના ૯૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૦૧ સહિત કુલ ૫૫૬ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૯૨ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૯,૭૧૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૩૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૬૯૨ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

 

(4:10 pm IST)