Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રતનપરનો મેળો નહિ યોજાય-ચાર દિવસ રામ મંદિર પણ બંધઃ ગવરીદળ પણ ચાર દિવસ બંધ

રતનપર મંદિર અને ગવરીદળમાં પોલીસનો બંદોબસ્તઃ માસ્ક ન પહેરે તેને ૫૦૦નો દંડ

રાજકોટ તા. ૧૦: ગઇકાલથી શરૂ થયેલા સાતમ-આઠમ-જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત રાજકોટની તહેવારપ્રિય પ્રજા કોરોનાની મહામારીમાં પણ બહાર હરવા-ફરવા નીકળી પડશે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઇ જશે એ ભયને કારણે કલેકટર અને પોલીસ તંત્રએ પહેલેથી જ જાહેરનામા બહાર પાડી લોકોને જરૂર વગર બહાર ન નીકળવા અને હરવા ફરવાના સ્થળોએ પણ નહિ જવા ચેતવી દીધા છે. જન્માષ્ટમીના તહેવાર પર લોકો રાજકોટ આસપાસના અન્ય સ્થળોની સાથો સાથ જ્યાં સોૈથી વધુ ઉમટી પડે છે એ સ્થળોમાંથી એક મોરબી રોડ પરના રતનપર રામમંદિરનો પણ સમાવેશ થાય છે. અહિ દર વર્ષે મેળો પણ યોજાય છે.    પરંતુ આ વર્ષે અહિ મેળો નહિ યોજાય અને શ્રી રામ મંદિર પણ બંધ રહેશે. સાથો સાથ વચ્ચે આવતા ગવરીદળ ગામના મુખ્ય બજારોની દૂકાનો-ગલ્લા-લારીઓ પણ ચાર દિવસ બંધ રહેશે.

રતનપર અને ગવરીદળના સરપંચ અમિતભાઇ જનકભાઇ ચાવડા, શ્રી દક્ષાબા કિશોરસિંહે કુવાડવા પોલીસને સાથે રાખી ગામના આગેવાનો અને વેપારીઓ સાથે તથા મંદિરના સંચાલકો સાથે બેઠક યોજી ગઇકાલે મંદિર અને ગામની દૂકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.તા. ૧૦-૮ થી ૧૪-૮ સુધી રતનપરના શ્રી રામ મંદિરે દર્શન પણ થઇ શકશે નહિ. જેથી કોઇપણ લોકોએ અહિ આવવું નહિ તેવી અપિલ કરવામાં આવી છે. આ ઉપરાંત રતનપર જતાં વચ્ચે ગવરીદળ ગામ આવતું હોઇ અહિ પણ મોટી ભીડ થતી રહે છે. આ ગામની મુખ્ય બજારની દૂકાનો, લારી, ગલ્લા પણ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું અને તસ્વીરો પણ તેણે મોકલી હતી. કુવાડવા પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં બંને ગામમાં અને મંદિર ખાતે બંદોબસ્ત મુકી દેવાયો છે. કોઇપણ લોકો આ વિસ્તારમાં માસ્ક વગર દેખાશે તો રૂ. ૫૦૦નો દંડ વસુલવામાં આવશે. લોકોને ઘરે જ રહેવા કુવાડવા પોલીસ અને સરપંચશ્રીઓએ અનુરોધ કર્યો છે.

(12:02 pm IST)