Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ પોલીસના દરોડા

તહેવારો પહેલાં બૂટલેગરો પર પોલીસનો સપાટો : સાતમ-આઠમના તહેવારની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ

રાજકોટ, તા.૯ :  જે રીતે તહેવારો ની મોસમ ચાલી રહી છે અને તેમાં પણ ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ બુટલેગરોના પ્લાન પોલીસે નાકામ કરી દીધા છે. રાજકોટ પોલીસ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ હાઇવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને શંકાસ્પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પણ પેટ્રોલીંગ વધારે કરવામાં આવી રહ્યું છે.શહેરના ભક્તિનગર વિસ્તારમાં શ્રીનગર મેઈન રોડ પર શેરી નમ્બર ૨ માં ઉભેલી એક કારમાં દારૂનો મોટો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી અને જેના આધારે પોલીસે ત્યાં પહોંચી દરોડો પાડતા વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર જપ્ત કરી હતી. પોલીસે અમદાવાદ પાસિંગની સેન્ટ્રો કાર અને વિદેશી દારૂનો બોટલ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

તો બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે શહેરના ડીમાર્ટ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ નીચે પડેલી ઇનોવા કારમાં વિદેશી દારૂ હોવાની માહિતી ને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં ઇનોવા કાર તેમજ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પોલીસે ૫ લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ તહેવારો પણ શરૂ થયા છે આવા સમયે પોલીસ પણ ખાસ ધ્યાન રાખી રહી છે અને આવા ગેરકાનૂની કાર્યવાહી કરતા શખ્સો સામે આકરા પગલાં ભરી રહી છે.

(10:06 pm IST)