Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કોર્પોરેશનના ૪ કર્મચારીઓને ફરી નોકરીમાં લેવા હુકમ

રાજકોટ તા. ૯: રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ભરતીના એક વિવાદમાં ૪ કર્મચારીઓની તરફેણમાં લેબર કોર્ટે ચુકાદો આપ્યાનું અને કર્મચારીઓને ફરી મૂળ જગ્યાએ ફરજ પર લેવા અને વળતર ચૂકવવા હુકમ કર્યાનું સામે આવ્યું છે.

આ અંગે વકીલ કરથીયા મહેન્દ્રભાઇએ જણાવ્યું કે મહાપાલિકામાં વર્ષ ર૦૧૪માં એન્ફોર્સમેન્ટ રીમુવલ ઓફિસર, ઇન્સ્પેકટરની જગ્યાઓ ૬ માસ માટે ફિકસ પગારથી ભરવામાં આવી હતી. કરાર આધારીત આ ભરતીમાં ૪ કર્મચારીઓ પ્રવિણ પરમાર, ખુશાલ ગઢીયા, ભરતસિંહ સોલંકી તથા જેજુર હુસેન લોટીયાને ૬ માસ બાદ કરાર પુર્ણ થયા બાદ છૂટા ન કરી નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા હતા. કર્મચારીઓનો હુકમ રિન્યુ ન કરી નોકરીએ રાખ્યા બાદ નવી ભરતી કરવા માટે જૂના કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતાં આ મામલે લેબર કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.

બન્ને પક્ષકારોએ કોર્ટમાં રજુ કરેલી દલીલો બાદ લેબર કોર્ટે હુકમ કર્યો છે કે અરજદારોને તા. ર૧ એપ્રિલ-ર૦૧૭થી નોકરીમાંથી છુટા કરવાનું પગલું ગેરકાયદે છે. અરજદારોને ૩૦ દિવસમાં નોકરીની મૂળ જગ્યાએ પુનઃસ્થાપીત કરવામાં આવે અને ખાલી પડેલા દિવસોનો ૩૦ ટકા મુજબ પગાર અને રૂ. રપ૦૦ રેફરન્સ ખર્ચના અલગથી ચૂકવવામાં આવે. કોર્ટનો આવો હુકમ છતાં હાજર થયેલા કર્મચારીઓને નોકરીમાં લેવા પૂર્વગ્રહ દાખવી મહાપાલિકાએ હુકમનું પાલન ન કર્યાનો આક્ષેપ લગાવાયો છે. (૭.૧૭)

 

(11:49 am IST)