Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

શિવભકિતનો પરમ શ્રાવણ માસ

આમ તો ભલે આખુ  વર્ષ આપણે શિવ ભકિત કરતા હોઇએ છતાં આપણા ઋષિમુનિઓ સંતોએ આપણા જીવનમાં એવી વ્યવસ્થા કરી છે કે જે તે ખાસ સમય દરમિયાન તે ભગવાનનું સ-વિશેષ સ્મરણ થાય. ભકિત - આરાધના થાય તો એના આ એકાગ્રપણા થકી તેનું સવિશેષ ફળ પ્રાપ્ત થાય. આથી નવરાત્રીની રચના કરાઇ તો શિવજીની આરાધના વિશે એક આખો શ્રાવણ માસ નિરૂપ્યો છે. આ તો દેવોના દેવ મહાદેવ છે. આથી તેને માટે તો આખો એક મહિનો જોઇએ ને ! આ આરાધના સાથે લોક કલ્યાણી, દાન પુણ્ય, ગરીબોને દાન વગેરેના કાર્યો તો કરવાના રહે જ. આથી જયારે પ્રભુ સેવા એ જ માનવ સેવા કહેવામાં આવે છે તે વાતની સાર્થકતાને સ્વીકારીને તેનો લાભ પણ ઉઠાવી શકાય.

શિવજી તો કરૂણામુર્તિ છે. આપણા પરમ તાત છે. તાપને હરનારા હરિ છે શિવજી. મૃત્યુંજય છે. આથી મહામૃત્યુંજયના મંત્રનો જાપ રોજ છેવટે ૨૧ વખત તો કરવો જરૂરી. શિવજી તો અમૃતમય છે. ભોળાભંડારી છે, વિશ્વંભર ઉદારી છે. શિવજી આપણું શરણ છે. આપણુ તારણ - તરણ છે. આપણે તેના ચરણે જઇ તેનુ હંમેશ રટણ ઓમ નમઃ શિવાયના મંત્રથી કરતા રહેવાનુ છે.

આપણે આ શ્રાવણ માસમાં સવિશેષ શિવજીમાં ભળી જવાનુ છે. આ શિવ- જીવનો સંબંધ છે. શિવજી ખુદ આપણામાં આત્મારૂપે વસે જ છે માત્ર આપણે તેની અનુભુતિ કરવાની છે તો વાળે એ કણકણમાં પણ વસે છે. તેના આ સુક્ષ્મ - અદ્રશ્ય અસ્તિત્વને માણવાનું છે. આ સર્વે તેની ભાવપુર્વક ફળની આશા રાખ્યા વિનાની નિઃસ્વાર્થ ભકિત વડે અભિભૂત કરવાનુ છે.

આ સર્વે અર્થે આપણે આ શ્રાવણ માસમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનુ છે. શિવ એટલે કે કલ્યાણ થશે. આજે પણ બધા પેલા નરસિંહ કે મીરાબાઇ જેવી પ્રભુમાં શ્રધ્ધા પ્રવર્તે છે. માત્ર તેના જેવી શ્રધ્ધા શકિત બળ અને ઉત્કૃષ્ટતા હોવી જરૂરી છે. એ ભકિત અને શ્રધ્ધાની પરમ સીમા પરાકાષ્ઠા છે. જીવ શિવમાં કોઇ હકીકતે આમ ભેદ નથી. આ માટે આપણે આપણા સ્વાર્થ અહંકારને ત્યજવા પડશે જ. આપણા મન દર્પણમાં શિવજીનું પ્રતિબિંધ હંમેશા પડેલુ છે જે ખાસ ભકિતના શ્રાવણ માસમાં તેને ઉજાગર કરવાનો જે મોકો છે તે ગુમાવવાનો નથી.  એમ કહેવાય છે પ્રેમથી શ્રવણ થાય. શ્રવણથી સત્સંગ થાય અને સત્સંગથી ગુરૂ પ્રાપ્ત થાય અને આ ગુરૂ દ્વારા સદા શિવ નજીક જવાય તો આ શ્રાવણ માસમાં આ સમીકરણનો ખૂબ જ ભકિતભાવ વડે તર્કને બાજુમાં મુકીને હૃદયના દ્વાર ખોલીને લાભ લેવો જરૂરી છે.

શિવજીનુ રટણ કરીએ એટલે શિવજી આપણા રક્ષણની બાહેંધરી લે. શિવજી તો દેવોની ઉત્પતિ અને તેના ઐશ્વર્યનું કારણ છે. તેઓ સર્વના અધિપતિ રૂદ્ર અને મહર્ષિ છે. તેમણે જ હિરણ્યગર્ભ ઉત્પન્ન કર્યા છે. આપણે તેની સાથે આપની સદભાવનાને જોડીને સમર્પિત કરી દેવાની છે. આ જ જીવનુ શિવમયપણુ છે અને આ સર્વે અર્થે શ્રાવણ માસનું ઘણુ ઘણુ મહાત્મય છે. વળી સુક્ષ્મથી પણ અત્યંત સુક્ષ્મ અનેક રૂપો ધારણ કરનારા વિશ્વના દ્રષ્ટા અને વિશ્વમાં વ્યાપી રહેલા શિવને જાણી અનુભવીને જીવએ પરમ શાંતિ પ્રાપ્ત કરવાની છે. આવી બાબત શ્વેતાંબર ઉપનિષદ અધ્યાય ૪ મંત્ર ૧૨ અને ૧૪ દ્વારા દર્શાવવામાં આવી છે. તો વળી શિવપુરાણના પ્રથમ શ્લોકનો ભાવાર્થ જોઇએ તો જે આડી અને અંતમાં મંગલરૂપ છે. જે સમાન કોઇ પદાર્થ નથી. જે અજર અમર આત્મારૂપે પ્રકાશે છે અને પાંચ મુખવાળા હોવાથી પાંચ મહાપાપોને દૂર કરવાના સ્વભાવવાળા છે તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઇશ્વર મહેશ્વર શંકરનું મનમાં હું ધ્યાન ધરૂ છુ. આવા શિવજીની આરાધના માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ છે. ઓમ નમઃ શિવાય

જસમીનભાઇ દેસાઇ 'દર્પણ' રાજકોટ મો. ૯૪૨૮૩ ૪૯૮૧૨

(11:34 am IST)