Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કેકેવી ચોકમાં ૪ ઓફિસમાં ચોરના પગલા

શ્રી શ્રેય ફાયનાન્સમાંથી ૫૭ હજારની રોકડ ગઇઃ ત્રણ બિલ્ડરની ઓફિસના તાળા તોડી ચોરીનો પ્રયાસ

જ્યાં ચોરી થઇ એ ઓફિસો અને વેરવિખેર ચીજવસ્તુઓ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: તસ્કરોએ કેકેવી ચોક નજીક કેવલમ કોર્નર કોમ્પલેક્ષમાં હુન્ડાઇના શો રૂમના ઉપરના માળે આવેલી એક ફાયનાન્સની ઓફિસનું શટર ઉંચકાવી તસ્કરો રૂ. ૫૭ હજારની રોકડ ચોરી ગયા છે. જ્યારે ત્રણ બિલ્ડરની ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેકેવી ચોકમાં આવેલા કેવલમ કોર્નર કોમ્પલેક્ષમાં ચાર ઓફિસના તાળા તુટ્યાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ડી.વી. દવે, સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઓફિસનં. ૨૦૨માં આવેલી શ્રી શ્રેય ઇકવીપમેન્ટ ફાયનાન્સ નામની ઓફિસમાંથી તસ્કરો રૂ. ૫૭ હજારની રોકડ ચોરી ગયાની ખબર પડી હતી. આ મામલે મેનેજર તરીકે નોકરી કરતાં જુનાગઢના મુકુંદભાઇ જયંતિભાઇ બુટાણી (ઉ.૩૩)એ પોલીસને માહિતી આપી હતી. શટર ઉખેડીને તસ્કરો અંદર ઘુસ્યા હતાં.

તસ્કરોએ દિવાલમાં ફીટ કરેલી તિજોરી ઉખેડી કાઢી તેમાંથી રોકડા રૂ. ૫૭૦૪૦ ચોરી લીધા હતાં. તેમજ બીજા કબાટો વેરવિખેર કરી નાંખ્યા હતાં. પીએસઆઇ ડોડીયા, ઇકબાલભાઇ, હરેશભાઇ, સંજયભાઇ, પ્રદિપભાઇ, રાવતભાઇ ડાંગર સહિતે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી.આ ઉપરાંત બાજુમાં આવેલી ત્રણ બિલ્ડરોની ઓફિસ નં. ૩૦૩, ૩૦૨ અને ૩૦૧માં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. ગિરીશભાઇ નારણભાઇ ગોરીયા, હિતેષભાઇ દામોદરભાઇ ગામી અને રમણિકભાઇ હરિભાઇ ગામીની આ ઓફિસો છે. તેમાં કબાટ-ખાનાઓ વેરવિખેર કર્યા હતાં. પરંતુ કોઇ રોકડ હાથ લાગી નહોતી. (૧૪.૧૦)

તસ્કરો રાત્રે અઢીથી ત્રણ વચ્ચે આવ્યાઃ ચોકીદાર ઉંઘી ગયો'તો

. સીસીટીવી ચેક કરવામાં આવતાં ત્રણ-ચાર તસ્કરો રાત્રે અઢીથી ત્રણ વચ્ચે આવ્યા હોવાનું જણાયું હતું. જો કે ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. ચોર આવ્યા એ વખતે નેપાળી ચોકીદાર નીચે નિરાંતે ઉંઘી રહ્યો હતો.

(4:18 pm IST)