Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રેસકોર્સ મેદાનમાં ૨૫ ફૂટના રૂદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ

ટીમ ઈન્દ્રનીલ દ્વારા આઠ દિવસીય શિવોત્સવનું ભવ્ય આયોજન : તા. ૧૨થી તા. ૨૦ સમસ્ત સમાજ આયોજિત ઉત્સવઃ દરરોજ સાંજે મહાઆરતી, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટઃ શિવજીના વિવિધ રૂપનું પ્રદર્શનઃ ૧૫ ઓગષ્ટે શિવોત્સવમાં ધ્વજવંદન

રાજકોટ, તા. ૯ :. શિવજીની સાધનામાં સરી જવાનો શ્રાવણ માસ આવી રહ્યો છે. રાજકોટમાં ભવ્ય-દિવ્ય શિવોત્સવનું આયોજન થયું છે. ટીમ ઈન્દ્રનીલ દ્વારા તા. ૧૨થી તા. ૨૦ રાજકોટના રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમો આયોજિત થયા છે.

આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ હતુ કે, આ આયોજન સમસ્ત સમાજનું છે. રેસકોર્સ મેદાનમાં રૂદ્રાક્ષના ૨૫ ફૂટના શિવલિંગનું નિર્માણ કરવામાં આવનાર છે. ઉપરાંત ૩૦૦ બાય ૧૫૦ ફૂટનો ડોમ બનશે.

અગ્રણીઓ તથા ઈન્દ્રનીલભાઈએ કહ્યું હતુ કે, શિવલિંગને અભિષેક કરવા માટે સીડી ગોઠવવામાં આવશે. જેના પર ચઢીને ભકતો અભિષેક કરી શકશે. શિવોત્સવ દરમિયાન દરરોજ રાત્રે દેવ ભટ્ટ અને અન્ય કલાકારોના ગાયન-નૃત્યના કાર્યક્રમો યોજાશે.

શિવોત્સવ સ્થાને દરરોજ હવન થશે. ઉપરાંત શિવલિંગ પાસે હિમાલય જેવો માહોલ સર્જવામાં આવશે. ઈન્દ્રનીલભાઈ કહે છે કે, દરેક સમાજના લોકો ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. દરરોજ વિવિધ સમાજના લોકો આરતી ઉતારશે. સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહેશે.

કોઈ જ ફંડ-ફાળા વગર આયોજિત શિવોત્સવમાં શિવજીના વિવિધ રૂપને પ્રદર્શિત કરતુ પ્રદર્શન યોજાશે. ઈન્દ્રનીલભાઈએ કહ્યું હતું કે, ૧૫ ઓગષ્ટે શિવોત્સવ રાષ્ટ્રભકિતના રંગે રંગાશે. ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું છે. પૂર્વ સૈનિકોના હસ્તે મહાઆરતી થશે. ગયા વર્ષે પણ આવું આયોજન થયું હતું. આ વર્ષે અતિ ભવ્ય-દિવ્ય આયોજન થયું છે. દરરોજ ૨૦,૦૦૦થી વધારે ભાવિકો ઉમટે તેવી ધારણા છે.

ઈન્દ્રનીલભાઈ કહે છે કે, શિવજીના સાનિધ્યમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ સર્જાય અને કોમ-ધર્મો વચ્ચે એકતાની ભાવના સર્જાય તેવો ધ્યેય છે. અલૌકિક ઉત્સવને માણવા ભાવિકોને જાહેર આમંત્રણ છે.

પત્રકાર પરિષદમાં ભાવેશભાઈ બોરિચા, મિતુલ દોંગા, અભિષેક ત્રાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)