Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળીકાંડમાં મગરમચ્છોને બદલે માછલીઓ તરફ તપાસ!

મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાની ઉપરની એટલે કે રાજકીય ગોડફાધરોની તપાસ કરવાના બદલે પોલીસ નીચેની ચેનલોમાં જ તપાસમાં જ વ્યસ્ત ! :પોલીસ કહે છે હવે તપાસ પુર્ણતાના આરે... કૌભાંડ ગુજકેટના અધિકારીઓ, મંડળીના સંચાલકો અને મગન ઝાલાવડીયા વચ્ચે જ હતું! ઉચ્ચકક્ષાએથી 'હવે બસ' ની સુચનાઓ અપાયાની કાન ફાડી નાખે તેવી લોક ચર્ચાઓ :મગફળી કૌભાંડ મામલે હોબાળો મચાવનાર કોંગ્રેસના ૩ જુથોનું ભેદી મૌનઃ એક જુથ લડી લેવાના મુડમાં :મગન ઝાલાવડીયાના બેન્કીંગ વ્યવહારો જાહેર કરતી પોલીસ તેના મોબાઇલ કોલ ડીટેઇલ જાહેર કેમ કરતી નથી? જાણકાર વર્તુળોમાં પુછાતો પ્રશ્ન

રાજકોટ, તા., ૯: ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચાવનાર જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસે મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા સહીત ર૯ આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ આ મગફળી કૌભાંડમાં પોલીસ તપાસ ઉપરની ચેનલના બદલે નીચેની ચેનલમાં જ વ્યસ્ત રહેતા એટલે કે મગરમચ્છોને બદલે માછલીઓ તરફ જ પોલીસ તપાસનું નાળચું રહેતા અનેક તર્ક-વિતર્કો થઇ રહયા છે.

જેતપુરના પેઢલા ગામે ગોડાઉનમાં વેપારીઓ મગફળી ખરીદ કરવા જતા  મગફળીમાં ધૂળ, ઢેફા અને પથ્થરો નજરે પડતા મગફળીમાં ભેળસેળનું  કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ અંગે ગુજકેટના એરીયા મેનેજર મગન ઝાલાવડીયાની ફરીયાદ પરથી રૂરલ પોલીસે ગુન્હો દાખલ કરી મોટી ધાણેજ સહકારી મંડળીના ૩ સભ્યોની ધરપકડ કરી હતી. તેની પુછતાછમાં આ કૌભાંડમાં મંડળીના હોદેદારો અને અન્ય સભ્યોની તેમજ ખુદ ફરીયાદી જ મગન ઝાલાવડીયા સામેલ હોવાનું ખુલતા રૂરલ પોલીસે ર૧ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પુર્વે ગોંડલ તથા શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની  ઘટનામાં પોલીસ મુખ્ય સુત્રધારો સુધી પહોંચે તે પહેલા જ તપાસ સીઆઇડી ક્રાઇમને સુપ્રત કરાઇ હતી. સીઆઇડી ક્રાઇમે આગની ઘટનામાં બેરદકારી દાખવનાર વેલ્ડરોની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય આરોપીઓ હાથમાં આવ્યા ન હતા. આ આગની ઘટનામાં પણ કંઇક રંધાઇ ગયાની ચર્ચાઓ જાગી હતી.

દરમિયાન પેઢલાના મગફળી કૌભાંડમાં પોલીસ તપાસમાં મુખ્ય સુત્રધાર તરીકે મગન ઝાલાવડીયા તથા રોહીત બોડાના નામો સપાટી પર આવ્યા હતા. ગઇકાલે પોલીસે મગન ઝાલાવડીયાના બેેન્કીંગ વ્યવહારો પણ જાહેર કર્યા હતા. જો કે આ કૌભાંડમાં પોલીસ મગરમચ્છોને બદલે માછલીઓ તરફ જ તપાસ કેન્દ્રીત કરતી  હોવાનું જાણકાર લોકોમાં ચર્ચાઇ રહયું છે. એવું કહેવાય છે કે, પોલીસ મગન ઝાલાવડીયાની ઉપરની ચેનલ એટલે કે રાજકીય ગોડફાધરની તપાસ કરવાને બદલે નીચેની ચેનલોમાં જ તપાસ કરી રહી છે. સમગ્ર કૌભાંડ પાછળ કોઇ રાજકીય ગોડ ફાધર તો હશે ને? તેવી લોકોમાં કાન ફાડી નાખે તેવી લોકોમાં ચર્ચાઓ થઇ રહી છે.

મગફળી કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં ર૯ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કહે છે કે હવે તપાસ પુર્ણતાના આરે છે. આ કૌભાંડ ગુજકેટના અધિકારીઓ , મંડળીના સંચાલકો અને મગન ઝાલાવડીયા વચ્ચે જ હતું. અને તે વિગતો જાહેર થઇ ચુકી છે. જો કે બીજી બાજુ ઉચ્ચ કક્ષાએથી મગફળી કૌભાંડની તપાસમાં 'હવે બસ'ની સુચનાઓ અપાયાની લોક ચર્ચાઓ થઇ રહી છે.

જાણકારો વર્તુળોમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે મગફળી કૌભાંડની તપાસ કરતી પોલીસ મગન ઝાલાવડીયાના બેન્કીંગ વ્યવહારો  જાહેર કરે છે. પરંતુ પોલીસ તેના મોબાઇલ કોલ્સની ડિટઇલ કેમ જાહેર કરતી નથી?  મગન ઝાલાવડીયાના કોલ ડીટેઇલ્સ જાહેર કરાય તો રાજકીય વર્તુળોમાં ભુકંપ મચી જાય તેવા રાજકીય ગોડફાધરોના નામ સપાટી પર આવી શકે તેમ છે.

દરમિયાન મગફળી કૌભાંડના પગલે હોબાળો મચાવનાર વિપક્ષ કોંગ્રેસમાં પણ ૩ જુથોના ભેદી મૌન અંગે અનેક-તર્ક વિતર્કો જાગ્યા છે. કોંગ્રસના ૪ જુથો પૈકી ૩ જુથ મૌન છે. જયારે એક જુથ લડી લેવાના મુડમાં છે. મગફળી કૌભાંડનો મામલો રફે-દફે થઇ જાય તે માટે એક જુથને દિલ્હી સુધી દોટ મુકવી પડી હતી. મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસના જુથમાં પણ અનેકવિધ ચર્ચાએ જોર પકડયું છે. (૪.૨૩)

 

(3:55 pm IST)