Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

દેશમાં સૌ પ્રથમ રાજકોટમાં ઈઝરાયેલી ટેકનોલોજી લવાશેઃ મનોજ અગ્રવાલ

મારૂ સ્વપ્ન, ગુન્હેગાર અને દબાણમુકત શહેર બનાવવા સાથે સલામતીના અહેસાસનું: પોલીસ કમિશ્નરે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે મનની વાતો કરી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટમાં ખાસ પ્રકારની ટેકનોલોજી લાવવા ઉત્સુકઃ પોલીસનું 'મોરલ' ઉંચુ રહે તે જોવાની સાથોસાથ પોલીસ પ્રજા સાથે અણછાજતુ વર્તન ન કરે તે પણ તેટલું જ જરૂરીઃ શકમંદ પ્રવૃતિ-ગુન્હાહીત પ્રવૃતિઓને રોકવા લોકો પોલીસને સાથ આપે તો સોનામાં સુગંધ ભળે

અકિલાના આંગણે નવનિયુકત પોલીસ કમિશ્નર અગ્રવાલજીએ અભ્યાસપૂર્ણ ચર્ચાઓ કરી : રાજ્ય પોલીસ તંત્રમાં સંવેદનશીલ વિસ્તારોમાં પ્રસંશનીય કામગીરી બદલ રાજ્ય સરકાર તરફથી પ્રશિસ્ત પત્રો, એવોર્ડ મેળવી ચુકેલા અને ટેકનીકલ જ્ઞાન માટે ગુજરાતના પોલીસ તંત્રમાં ખૂબ જ જાણીતા એવા અનુભવી નવનિયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે 'અકિલા'ના અતિથિ બની અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે હળવી પળોમાં નિખાલસ અભ્યાસપૂર્ણ સંવાદો યોજ્યા તે પ્રસંગની તસ્વીરોમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાનું બુકેથી અભિવાદન કરતા શ્રી મનોજ અગ્રવાલ. વાતચીત દરમિયાન મુકતપણે હાસ્ય વેરતા અગ્રવાલજી તથા અન્ય તસ્વીરોમાં અકિલાના વિવિધ વિભાગોની મુલાકાત સમયની તસ્વીરોમાં ઈન્ટરનેટ વિભાગ, અકિલાના ક્રાઈમ ડીપાર્ટમેન્ટની મુલાકાત સમયની તસ્વીરમાં અકિલા પરિવારના જગદીશભાઈ ગણાત્રા તથા ક્રાઈમ રીપોર્ટર ભાવેશ કુકડીયા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. મુલાકાત સમયે પૂ. પિતાશ્રી બાબુભાઈ (ગુણવંતભાઈ) દ્વારા એન્ટીક પ્રકારના તે સમયની ટેકનોલોજીવાળા મશીનની યાદગીરી નિહાળી તેઓ સાહજીક રીતે બોલી ઉઠેલા કે અદ્યતન ટેકનોલોજી સાથે પુરાની યાદેનો સંગમ કાબીલેદાદ છે. તેઓએ કાચની પેટીમાં સચવાયેલ અભૂતપૂર્વ સંભારણા બદલ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રાને અભિનંદન પાઠવ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ :. રાજકોટ શહેરને ઈઝરાયેલ જેવી વિકસીત અને અદ્યતન ટેકનોલોજી ધરાવતા શહેરની હરોળમાં મુકવાનો મારો અભિગમ અને સ્વપ્નુ પણ છે. મારા આ અભિગમને ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આવકારી મને સમર્થન આપવા સાથે રાજકોટમાં વહેલામા વહેલી તકે ઈઝરાયલની અદ્યતન ટેકનોલોજી આવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યાનું 'અકિલા'ના અતિથિ બનેલા નવનિયુકત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથેની લંબાણપૂર્વકની વાતચીતમાં વિચારોની આપ-લે કરતા જણાવેલ.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રા સાથેની પોલીસ કમિશ્નરની અભ્યાસપૂર્ણ વિસ્તૃત વાતચીત દરમિયાન શહેરના વિકાસ માટે તેઓએ જોયેલ સ્વપ્નરૂપી મનની વાતો આગળ ચલાવતા જણાવેલ કે, મારે રાજકોટ શહેરને ગુન્હેગારમુકત અને દબાણગ્રસ્તમુકત શહેર બનાવવું છે. આ માટે પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની સાથે સાથે લોકોનો સહકાર પણ ખૂબ જરૂરી છે. કેટલાક પગલા કડવા લાગશે પણ ભવિષ્યમાં તે ગુણકારી બનશે તેવુ જણાવી લોકોને મદદરૂપ થવા અકિલાના માધ્યમથી અપીલ કરી હતી. તેઓએ પ્રજાજોગ સંદેશમાં વિશેષમાં એવુ પણ જણાવેલ કે, શહેરના લોકો ગુન્હાહીત પ્રવૃતિઓ અને શકમંદ પ્રવૃતિઓ અંગે પોલીસને માહિતગાર કરશે તો આપણી કલ્પના મુજબનું શહેર બનશે.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઈઝરાયેલની મુલાકાત સમયે જેઓના અભૂતપૂર્વ ટેકનોલોજી જ્ઞાનને કારણે ખાસ ઈઝરાયલ પ્રવાસમાં સામેલ કરવામાં આવેલ તેવા તત્કાલીન સંયુકત સચિવ (ગૃહ) અને હાલના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે પોતાના ઈઝરાયલ પ્રવાસની ફલશ્રૃતિ વર્ણવતા જણાવેલ કે, ઈઝરાયલ ટેકનોલોજી પર સાંપ્રત પરિસ્થિતિના કારણે વિશેષ ભાર આપે છે. તેઓ પાસે એવા ટેકનોલોજીના સાધનો છે કે, મહાનુભાવોની મુલાકાતો સમયે ચોક્કસ કિલોમીટરની રેન્જમાં જે ફોન એકટીવ હોય તેના નામ સાથેના ટેલીફોન નંબરો વિશ્વની નંબર-૧ જાસૂસી સંસ્થા 'મોસાદ' તથા તેના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમના ટીવી સ્ક્રીન પર આવી જાય છે. આ નંબરો પરથી શકમંદોના નંબર તારવી તેની ઓળખ મેળવવા સાથે ચહેરો અને જન્મ કુંડળી પણ મેળવી લેવાય છે. આવી એડવાન્સ ટેકનોલોજીના કારણે 'પ્રીવેન્શન બેટરધેન કયોર' જેવુ બને છે. તેઓએ ગૌરવપૂર્વક જણાવેલ કે, રાજકોટમાં આ ટેકનોલોજી લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂકયાનું શ્રી મનોજ અગ્રવાલે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને શ્રી અજીતભાઈ ગણાત્રાને જણાવેલ.

તેઓએ વિશેષમાં એવુ ભારપૂર્વક જણાવેલ કે, પોલીસ તંત્રનું મોરલ ઉંચુ રહે તેમા બે મત નથી પરંતુ પોલીસનું વર્તન લોકો સાથે સૌજન્યપૂર્ણ રહે, અણછાજતુ વર્તન ન થાય તે બાબત પણ એટલી જ જરૂરી છે. ખાખી પહેર્યા પછી માત્રને માત્ર એક જ ધર્મ રહે છે અને તે માનવતા ધર્મ.

તેઓએ લંબાણપૂર્વકની અભ્યાસપૂર્ણ વાતચીત દરમિયાન જણાવેલ કે, શંકાસ્પદ હિલચાલો, ચોક્કસ જાતની પ્રવૃતિઓને નજરઅંદાજ કરી ન શકાય, પોતાને કેટલીક ચોક્કસ માહિતી મળી છે અને તે દિશામાં પગલા લેવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

(3:54 pm IST)