Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

એક જાડીયો કોર્પોરેશનના પટેલ સાહેબ બનીને આવ્યો અને બે મહિલાને છેતરીને રૂ. ૧.૩૧ લાખ લઇ ગયો!!

'ના...ના...લલિતભાઇ ચા નથી પીવી, અને જમવું પણ નથી...તમે મને ઓળખો, મારા બેન મને થોડા ઓળખે...? :બંને મહિલાના જ ફોનમાંથી તેણીના પતિ સાથે વાત કરતો હોવાનો ઢોંગ કર્યો ને વેરાબીલ તથા હાઉસ સર્વેની ફીના નામે નાણા લઇ છનનન :કોર્પોરેશનના સાહેબ બનીને કોઇ ઘરે આવે તો ચેતજો : શ્યામ વર્ણના ગઠીયાએ એવું નાટક કર્યુ કે મહિલાઓને એમ જ થયું કે જાણે તેના પતિ સાથે જ વાત થઇ રહી છે...ને કબાટમાંથી રોકડ કાઢી આપી દીધી!

રાજકોટ તા. ૯: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના નામે ઘરે આવી મકાનની આકારણી કરવાના બહાને ગઠીયાઓ રોકડ લઇ જતાં હોવાના કિસ્સા અગાઉ પણ બની ચુકયા છે. ત્યાં વધુ એક બનાવમાં પુષ્કરધામ રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતાં પટેલ વેપારીના પનિનને છેતરીને પટેલ સાહેબના નામે આવેલો ગઠીયો રૂ. ૯૮ હજારની રોકડ અને બાજુની શ્રધ્ધાદિપ સોસાયટીમાંથી પણ પટેલ વેપારીના ઘરે પહોંચી તેના પત્નિને છેતરી રૂ. ૩૩૨૫૦ મળી કુલ રૂ. ૧,૩૧,૨૫૦ની રોકડ લઇ ભાગી જતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે ક્રિષ્ના પાર્ક બ્લોક નં. ૧૨૪માં રહેતાં અને મેટોડા જીઆઇડીસીમાં ખોડિયાર પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દૂકાન ચલાવતાં લલીતભાઇ અરજણભાઇ પાંભર (ઉ.૩૯) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા કોર્પોરેશનના પટેલ સાહેબ બનીને આવેલા શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધાયો છે.

પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ લલીતભાઇ તા.૨/૮ના સાંજે દુકાને હતાં ત્યારે પોણા આઠેક વાગ્યે તેના પત્નિ મિનાક્ષીબેન ઘરે હતાં. તે વખતે એક વ્યકિતએ ઘરે આવી પોતે કોર્પોરેશનમાંથી આવે છે અને પટેલ સાહેબ નામ છે તેવી વાત કરી હતી. મિનાક્ષીબેન પતિ સાથે આ બાબતે ફોનમાં વાત કરતાં હતાં ત્યારે એ શખ્સે ફોન લઇ કહેલ કે 'હું કોર્પોરેશનમાંથી પટેલ સાહેબ બોલુ છું, આકારણી અને કમ્પલીશન કઇ રીતે કરાવવાનું છે? કમ્પલીશન સર્વેમાં કોના નામે આપવાની છે, હું આ પહેલા પણ આવ્યો હતો, તમે રહેવા આવ્યા એને ચાર-પાંચ મહિના થઇ ગયા ને...છેલ્લુ વેરા બીલ આવી ગયું ને?, છેલ્લુ બી ૩ હજાર આવ્યું ને? તમારે આકારણીમાં પહેલુ નામ કોનુ રાખવાનું છે, તમારું કે તમારા વાઇફનું?' તેવી વાતો કરી વેપારીનું અને તેના પત્નિનું નામ પુછી લીધુ હતું. તેમજ પોતે બીજા દિવસે સવારે નવ વાગ્યે આવશે તેમ કહી ફોન કટ કરી નાંખ્યોહ તો. બે મિનીટ અને અડતાલીશ સેકન્ડ ફોન પર વાતચીત થઇ હતી. એ પછી મિનાક્ષીબેનને કહેલ કે 'મારા ભાઇને ત્યાં ઘરાકી છે, કામમાં છે કબાટમાં ૫૦૦ની નોટોના બંડલ છે તે ગણેલા જ છે તેમાંથી ચાર નોટુ કાઢીને બાકીના મને આપી દેવાનું કીધું છે' તેમ કહી બાદમાં ફરીથી એ ગઠીયો લલીતભાઇ સાથે જ ફોનમાં વાત કરતો હોઇ તેવો ખોટો દેખાવ કરી 'ના...ના...લલિતભાઇ ચા નથી પીવી, જમવું પણ નથી, તમે તો ઓળખો છો પણ મારા બેન ન ઓળખે' તેવી વાતો મિનાક્ષીબેનના મોબાઇલમાંથી જ ફોન બંધ હોવા છતાં કાને રાખી જાણે પોતે લલિતભાઇ સાથે વાતો કરતો હોય એવો ઢોંગ કર્યો હતો.

મિનાક્ષીબેન એમ જ સમજ્યા હતાં કે જાણે આ પટેલ સાહેબ તેના પતિ લલિતભાઇ સાથે જ વાત કરી રહ્યા છે. આથી તેના પર વિશ્વાસ રાખી કબાટમાંથી રૂ. ૯૮ હજાર કાઢીને આપી દીધા હતાં. એ પછી લલિતભાઇ રાત્રે દસ વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે પત્નિ મિનાક્ષીબેને વાત કરી હતી કે 'ઓલા કોર્ર્પોરેશનના સાહેબને તમે પૈસા આપવાનું કીધુ હતું ને એટલે ૯૮ હજાર આપી દીધા છે'...આ વાત સાંભળી લલિતભાઇ ચોંકી ગયા હતાં. કારણ કે તેણે પૈસાની વાત જ નહોતી કરી.

આ શખ્સ જાડો એવો અને બ્રાઉન પેન્ટ તથા સફેદ લાઇનીંગવાળો શર્ટ પહેરેલો અને ઇન કરીને જાણે અધિકારી હોય એવો સ્વાંગ રચીને આવ્યો હતો. માથે ટોપી પહેરી હતી અને થોડો શ્યામ વર્ણનો હતો.  આ બાબતે લલિતભાઇએ પોતાની સામે રહેતાં વકિલ લખનભાઇ હરસોડાને વાત કરી હતી. એ પછી તેણે યુનિવર્સિટી પોલીસ મથકે જઇ અરજી કરી હતી.

તપાસ થતાં શ્રધ્ધાદિપ સોસાયટી-૨માં રહેતાં હરેશભાઇ પરષોત્તમભાઇ પટેલના પત્નિ કુંદનબેનના ઘરે પણ હરેશભાઇની ગેરહાજરીમાં પહોંચી તેના પત્નિ સાથે પણ પોતે હરેશભાઇ સાથે ફોનમાં વાત કરતો હોય એ રીતે નાટક કરી હાઉસ સર્વેના રૂ. ૩૩૨૫૦ ભરવાના છે તેમ કહી તેની પાસેથી પણ આ રકમ લઇ ગયો હોવાની ખબર પડી હતી. આ બંને બનાવમાં ગઠીયાને રૂ. ૧,૩૧,૨૫૦નો લાભ થયો હતો.

આ મામલે યુનિવર્સિટીના પી.આઇ. ડી.વી. દવેની રાહબરી હેઠળ પીએસઆઇ પી. એ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:47 pm IST)