Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી નહિ ખોલાય તો આંદોલનઃ કોંગ્રેસ

૧ વર્ષથી પ્રેક્ષક ગેલેરી બંધ કરીને નાગરીકો સાથે અન્યાયઃ મનસુખ કાલરીયા

આગામી તા. ૧૩ નાં રોજ મળનાર સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરી ખોલવા કોંગ્રેસનાં ઉપનેતા મનસુખ કાલરીયાએ મેયરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ત્થા મેયર બીનાબેન આચાર્યને રજૂઆત કરી રહેલા. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રભાતભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, નિલેશ મારૂ વગેરે કોંગી આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯ :.. મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રેક્ષક  ગેલેરી ખોલવા મેયરને કોંગ્રેસનાં ઉપનેતા મનસુખભાઇ કાલરીયા સહિતનાં આગેવાનોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે લોકશાહીના મંદિર સમાન સભાગૃહમાં પ્રેક્ષક ગેલેરીની વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે. કમનસીબે રાજકોટ મનપાના સભા ગૃહમાં આવેલ પ્રેક્ષક ગેલેરી સામાન્ય સભા દરમ્યાન આમ જનતા માટે એકાદ વર્ષ કરતા વધુ સમયથી બંધ કરવામાં આવેલ છે. જે નાગરીકોને અન્યાય કર્તા બાબત છે કેમ કે સામાન્ય સભાની કાર્યવાહી શહેરના નાગરીકો નિહાળી શકે, સાંભળી શકે તે માટે પ્રેક્ષક ગેલેરીમાં કોઇપણ વ્યકિતઓને નિયમાનુસાર પ્રવેશ આપવાનો હોય છે જે રાજકોટ મનપાના સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં આપવામાં આવતો નથી. ત્યારે શાસકોના સ્વાર્થી નિર્ણયો અંગેની ચર્ચા પ્રજા જાણી ન જાય તેવી દાનતથી આ સરમુખત્યારી નિર્ણય લીધેલ છે જે તાત્કાલીક બદલવામાં નહી આવે તે જનતાએ સાથે રાખી ઉગ્ર આંદોલનથી ફરજ પડશે તેવી ચિમકી આવેદનનાં અંતે ઉચ્ચારાઇ છે. (પ-રપ)

(3:37 pm IST)